ગુડાની બેદરકારીને કારણે કોબા ગામમાં ગટરના ગંદા પાણીનું તળાવ ભરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-18 14:04:09
  • Views : 347
  • Modified Date : 2020-03-18 14:04:09

ગુડાની બેદરકારીને કારણે કોબા ગામમાં ગટરના ગંદા પાણીનું તળાવ ભરાયું


 હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસને ખાળવા માટે વહીવટી તંત્ર અને નાગરિકો કમર કસીને મહેનત કરી રહ્યા છે. પરંતુ  ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ગુડા)ની બેદરકારીનો એક કિસ્સો સામે આવ્યો  છે. જેમાં કોબા ગામમાં ગુડા દ્વારા  યોગ્ય ગટર વ્યવસ્થા ઊભી કર્યા સિવાય રહેણાંક સ્કીમોને મંજૂરી આપી દેવાતા કેટલીક સોસાયટીમાંથી ગટરના પાણી વન વિભાગની ખુલ્લી જમીનમાં છોડવામાં આવી રહ્યા છે. કોબા-ગાંધીનગર હાઈવે પર પ્રેક્ષા ભારતી નજીક એક સોસાયટીમાંથી છોડાયેલા ગટરના પાણીના કારણે રીતસર લીલા રંગનું તળાવ ભરાયું હોય તેવું દૃશ્ય સર્જાયું છે. કોબામાં જ અગાઉ પાંડવવાડી તરીકે ઓળખાતા સ્થળે હાલ મહાવીર હિલ્સ નામની સ્કીમ ઊભી છે. આ મકાનોમાં ગટરની કોઈ સુવિધા ન હોવાના કારણે પાઈપલાઈન મારફતે નજીકમાં આવેલી વન વિભાગની ખુલ્લી જમીનમાં ગંદુ પાણી છોડવામાં આવી રહ્યુ છે. પ્રદૂષિત પાણીના કારણે વન વિભાગની જમીનમાં લીલા પાણીનું રીતસરનું તળાવ ભરાયું છે. ગંદા પાણીના કારણે અસહ્ય દુર્ગંધનો માહોલ પણ  સર્જાયો છે અને આ સ્થળેથી પસાર થવાનું પણ રહીશો માટે  અઘરું બન્યું છે. ગંદા પાણીની સાથે મચ્છરોનો ઉપદ્રવ પણ વધતો જાય છે.  ગટરના ગંદા પાણીનું તળાવ દિવસે-દિવસે મોટું થતું જાય છે. સતત મહાનુભાવોની અવર-જવરથી ધમધમતા મુખ્ય રોડ પર ગટરના પાણી રેલાય ત્યારે તંત્ર જાગે તેમાં કોઈ નવાઈ નથી. પણ હાલના કપરા માહોલમાં હજારો નાગરિકોના આરોગ્ય માટે ગટરના પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા જરૂરી બની છે.  ગુડાની બેદરકારીના કારણે  ગંદા પાણી અને મચ્છરોના ઉપદ્રવના કારણે આ વિસ્તારમાં રોગચાળાનો ભય ડોકાઈ રહ્યો છે. ટુંક સમયમાં કોઈ મોટો રોગચાળો ફેલાઈ તો નવાઈની વાત રહેશે નહી. કોરોના વાયરસની સામે લડવા માટે સ્વચ્છતા અત્યંત જરૂરી છે, પરંતુ ગુડા તંત્રની બેદરકારીના કારણે કોબાના નવા વિસ્તારોમાં ગંદકીનો માહોલ ઊભો થયો છે. તાજેતરમાં ગુડા દ્વારા દબાણ હટાઓ ઝુંબેશ શરૂ કરવામાં આવી ત્યારે પણ સ્થાનિક વેપારીઓ તથા રહીશોએ ગુડા તંત્રની બેદરકારી સામે રોષ ઠાલવ્યો હતો. નિયમિત સફાઈ કે ડોર ટૂ ડોર વેસ્ટ કલેક્શન જેવી સુવિધા પણ અનેક વિસ્તારોમાં પહોંચી નથી અને મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે.


Download Our B K News Today App



Related News