કોન્ટ્રાક્ટરને પાડોશીએ શેરમાર્કેટમાં રોકાણ કરાવી રૂ. 31 લાખમાં ઠગી નાખતાં ચકચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-20 11:14:02
  • Views : 420
  • Modified Date : 2020-03-20 11:14:02

ખેડબ્રહ્માના કોન્ટ્રાક્ટરને પાડોશીએ શેર માર્કેટ એજન્સીમા રોકાણ કરાવી કોન્ટ્રાક્ટરના નામના ખાતાં ખોલાવવાનું જણાવી વિશ્વાસમાં રાખી શેરની રકમની લેવડદેવડ કરી ખાતા ન ખોલી 31.68 લાખની છેતરપિંડી કરતા કોન્ટ્રાક્ટરને જાણ થતા બ્રોકિંગ ઓફિસના સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ખેડબ્રહ્માના વાસણા રોડ પર આવેલ બ્રહ્મા બંગલોમાં કોન્ટ્રાક્ટર અંબાલાલ હેમતાજી માળી ભાડેથી રહેતા હતા અને તેમના પાડોશમાં લક્ષ્મીપુરાકંપાના પ્રદીપભાઇ ઇશ્વરભાઇ પટેલ રહેતા હતા. જે શેર માર્કેટમાં લોકોના ખાતા ખોલી શેરની લેવડ દેવડ કરતાં હોવાથી અંબાલાલ માળીને શેર માર્કેટમાં ખાતું ખોલાવવા માટે જણાવ્યુ હતુ. પ્રદીપભાઈએ તેમને વિશ્વાસમાં લઈ તમે ફ્ક્ત તમે રોકાણ કરો બાકી બધુ અમે સાંભળી લઈશુ નું જણાવી શ્રદ્ધા ઈન્વેસ્ટમેન્ટમાં ગત તા. 6 નવેમ્બર 2017 માં રૂ.360 ભરી ખાતું ખોલાવ્યું હતું અને અંબાલાલને ખાતા નંબર 36585 આપવામાં આવ્યો હતો.અંબાલાલના ખાતામાં તા.06-03-2019 ના રોજ રૂ.1,25,433 છેલ્લી લેવડ દેવડ થયેલ હતી. પ્રદિપ પટેલે વર્ષ 2017 થી 2019 સુધીમાં અંબાલાલ માળી પાસે ચેક દ્વારા રૂ.37,45,666 લીધા હતા અને તેમાંથી રૂ.5,76,865 ની રકમ પરત આપી હતી. જેથી અંબાલાલ માળીને રૂ.31,68,801 જેટલી રકમ પ્રદીપ પટેલ પાસે લેવાની બાકી નીકળતી હતી. પરંતુ અચાનક શ્રદ્ધા ઈન્વેસ્ટમેન્ટના સ્ટેટમેન્ટ આવવાના બંધ થઈ જતાં અંબાલાલે ઓફિસમાં તપાસ કરાવતા અંબાલાલ માળીના નામનું કે આપેલ નંબર વાળું કોઈ ખાતું ન હોવાનું જાણવા મળ્યુ હતુ. જેથી પ્રદીપ પટેલે તેમની સાથે છેતરપિંડી કરી હોવાનું જણાતા તેમને વારંવાર ફોન કરતા તે કોઈ વાર મુંબઈ તો બીજા કામે બહાર હોવાનું જણાવી મળતા ન હતા જેથી અંબાલાલ માળીએ પ્રદીપભાઇ પટેલ વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

Download Our B K News Today App



Related News