યુક્રેનમાં માર્યા ગયેલા નવીનના પાર્થિવદેહનું દાન કરશે પરિવાર : પિતાએ કહ્યું- દીકરો હેલ્થ સેક્ટરમાં કંઈક કરવા માગતો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-19 12:20:13
  • Views : 249
  • Modified Date : 2022-03-19 12:20:13

યુક્રેનમાં માર્યા ગયેલા નવીનના પાર્થિવદેહનું દાન કરશે પરિવાર : પિતાએ કહ્યું- દીકરો હેલ્થ સેક્ટરમાં કંઈક કરવા માગતો હતો

યુક્રેનના ખાર્કિવ શહેરમાં યુદ્ધ દરમિયાન જીવ ગુમાવનાર MBBSના વિદ્યાર્થી નવીન શેખરપ્પાનો પાર્થિવદેહ 21 માર્ચે બેંગલુરુ પહોંચશે. નવીનના પિતા શંકરપ્પાએ કહ્યું- ગામમાં વીરા શૈવ પરંપરા મુજબ પાર્થિવદેહની પૂજા કર્યા બાદ તેને દાવણગેરેની એસએસ હોસ્પિટલને તબીબી અભ્યાસ માટે દાન કરવામાં આવશે. નવીન કર્ણાટકના હાવેરી જિલ્લાનો રહેવાસી હતો. 1 માર્ચના રોજ યુક્રેનના ખાર્કિવમાં ગોળી વાગ્યા બાદ તેનું મૃત્યુ થયું હતું.

નવીનના પિતા શંકરપ્પાએ કહ્યું- મારો પુત્ર મેડિકલક્ષેત્રમાં કંઈક હાંસલ કરવા માગતો હતો, પરંતુ તે થઈ શક્યું નહીં. હવે તેના પાર્થિવદેહનો ઉપયોગ અન્ય મેડિકલના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે તો કરી શકાય છે, તેથી અમે અમારા પુત્રના દેહને તબીબી સંશોધન માટે દાન કરવાનો નિર્ણય કર્યો છે.

શંકરપ્પાએ કહ્યું- નવીનનો મૃતદેહ સોમવારે સવારે 3 વાગે બેંગલુરુ એરપોર્ટ પહોંચશે. ત્યાંથી મૃતદેહ સવારે 9 વાગ્યા સુધીમાં અમારા ગામ પહોંચશે, ત્યાર બાદ અમે વીરા શૈવ પરંપરા અનુસાર, પૂજા કરીશું અને પછી અમે એને જાહેરમાં લોકોનાં અંતિમ દર્શન માટે રાખીશું. આ પછી પાર્થિવદેહને મેડિકલ અભ્યાસ માટે SS હોસ્પિટલ દાવણગેરેમાં દાન કરવામાં આવશે.

શંકરપ્પાએ કહ્યું- અમને હાવેરી જિલ્લા કલેક્ટર ઓફિસ અને અમીરાતની ફ્લાઈટ સર્વિસ તરફથી નવીનના મૃતદેહને લાવવા અંગેનો સંદેશ મળ્યો છે. ઓછામાં ઓછું હવે અમે ખુશ છીએ કે અમારા પુત્રનો મૃતદેહ લાવવામાં આવી રહ્યો છે. કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમ્મઈએ મારી સાથે વાત કરીને બેંગલુરુ એરપોર્ટ અને ગામ આવવાનું વચન આપ્યું છે.

MBBS સ્ટુડન્ટ નવીન શેખરપ્પા જ્ઞાનગૌદર કર્ણાટકના હાવેરી જિલ્લાનો વતની હતો. ખાર્કિવ નેશનલ મેડિકલ યુનિવર્સિટીનો 21 વર્ષીય સ્ટુડન્ટ નવીન ખાવાનું લેવા માટે કતારમાં ઊભો હતો. ત્યાર બાદ રશિયાની સેનાના ગોળીબારમાં તે માર્યો ગયો હતો. કર્ણાટકના મુખ્યમંત્રીએ નવીનના પરિવારને 25 લાખ રૂપિયાની આર્થિક સહાય આપીને પરિવારના એક સભ્યને નોકરી આપવાનું વચન આપ્યું છે.

નવીનના મૃત્યુના સમાચાર મળ્યા બાદ તેના પિતા શંકરપ્પાએ મીડિયાને કહ્યું હતું કે- ભારતમાં જાતિ અનુસાર સીટોની ફાળવણી કરવામાં આવે છે. PUCમાં 97% માર્ક્સ મેળવ્યા છતાં મારા પુત્રને રાજ્યમાં મેડિકલ સીટ ન મળી શકી, જેને કારણે તેને અભ્યાસ માટે યુક્રેન મોકલવો પડ્યો હતો.

 

Download Our B K News Today App



Related News