મહિલા તલાટી કમ મંત્રીનું ફેક ફેસબૂક એકાઉન્ટ બનાવી યુવકને અશ્લીલ મેસેજ કરનાર LLBની વિદ્યાર્થિનીની ધરપકડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-21 12:02:21
  • Views : 665
  • Modified Date : 2020-03-21 12:02:21

અડાજણ વિસ્તારમાં રહેતી અને તલાટી કમ મંત્રી તરીકે નોકરી કરતી યુવતીનું ફેક ફેસબૂક એકાઉન્ટ બનાવી યુવાનને અશ્લીલ મેસેજો અને ફોટા મોકલી તેને બદનામ કરવા પ્રયાસ કર્યો હતો. સુરત સાયબર ક્રાઇમ પોલીસે આ બનાવમાં જામનગરની એલએલબીનો અભ્યાસ કરતી યુવતીની ધરપકડ કરી છે. મૂળ રાજકોટની વતની અને હાલ સુરતના અડાજણ વિસ્તારમાં પરિવાર સાથે રહેતી 26 વર્ષીય યુવતી સુરતમાં જ તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે. ત્રણ વર્ષ અગાઉ સમાજના આગેવાન મારફતે તેની રાજકોટના પડઘરીના દહીસરાના યુવક સાથે સગાઈની વાત ચાલી હતી. જોકે, યુવક દૂરના સગામાં હોય યુવતીના પિતાએ સગાઈ કરવા ના પાડતા વાત બંધ થઇ ગઈ હતી. સામાજીક પ્રસંગમાં યુવક અને યુવતીના પરિવારજનો ભેગા થતા તેણે ફરી વાત મૂકી હતી પરંતુ પરિવારે ઇન્કાર કર્યો હતો. તેમ છતાં યુવક યુવતીને ફોન કરી અને વ્હોટ્સએપ મેસેજ કરી સગાઈ માટે દબાણ કરતો હતો. તે વખતે પણ યુવતીએ ના પાડી હતી. દરમિયાન ગત 26 ડિસેમ્બર 2019 ના રોજ યુવકે યુવતીના મોટા ભાઈને વ્હોટ્સએપ ઉપર ફેસબૂક ચેટીંગનો સ્ક્રીનશોટ મોકલ્યો હતો. સ્ક્રીનશોટમાં યુવતીના નામના ફેસબૂક એકાઉન્ટનું ચેટીંગ હતું અને એકાઉન્ટના પ્રોફાઈલ પિક્ચરમાં યુવતીનો જ ફોટો હતો. તે એકાઉન્ટમાંથી યુવકને અશ્લીલ મેસેજો અને ફોટા મોકલાયા હતા. પોતાના નામે ક્યારેય ફેસબૂક એકાઉન્ટ યુવતીએ બનાવ્યું ન હોય કોઈકે તેને બદનામ કરવા ફેક ફેસબૂક એકાઉન્ટ બનાવ્યું હોય યુવતીએ સુરત સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં અરજી કરી હતી. અરજીના આધારે સાયબર ક્રાઇમ પોલીસે 15 દિવસ અગાઉ અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ બનાવમાં 23 વર્ષીય બીનલ નામની યુવતીની જામનગરથી ધરપકડ કરી હતી. એલએલબીનો અભ્યાસ કરતી બીનલ યુવક સાથે રિલેશનશિપ આગળ વધારવા માંગતી હતી. જોકે, મહિલા તલાટી સાથે સગાઈની વાત ચાલતી હતી. તે બાબતે જાણતી બીનલે બંને વચ્ચે હાલ કેવા સંબંધ છે તે જાણવા તેનું ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. વધુ તપાસ વુમન પીઆઇ એ.કે.ચૌહાણ કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News