પાલનપુરમાંથી ધો-12નો ડમી પરીક્ષાર્થી ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-07 12:47:59
  • Views : 599
  • Modified Date : 2020-03-07 12:47:59

 પાલનપુરના વિદ્યામંદિર કેમ્પસમાંથી વાવના વિનય વિદ્યામંદિરનો એક્સ વિદ્યાર્થી અને થરાદ 108માં ફરજ બજાવતો પરીક્ષાર્થી ગત વર્ષે 2 વિષયમાં નાપાસ થતા તેણે પોતાના 20 વર્ષીય ભત્રીજાને ડમી વિદ્યાર્થી તરીકે બેસાડી પરીક્ષા આપવા મોકલ્યો હતો. જોકે સુપરવાઇઝરના હાથે ઝડપાઇ જતા તેને અને મૂળ પરીક્ષાર્થીને પોલીસ હવાલે કરી ગુન્હો નોંધવામાં આવ્યો હતો. રીસીપ્ટ પર ફોટો અને પરીક્ષા આપનાર અલગ હોવાની શંકા જતાં પકડ્યા હોવાનું સુપરવાઇઝરએ જણાવ્યું હતું. ધોરણ-12ની સામાન્ય પ્રવાહ પરીક્ષામાં શુક્રવારે ઇતિહાસ પેપર હતું. જેમાં પાલનપુરની બી.કે.ભણસાલી વિદ્યામંદિર કેમ્પસમાં વાવની વિનય મંદિર વિદ્યાલયના એક વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપતા લાલાભાઇ દુદાભાઈ ગોહિલ નામના પરીક્ષાર્થીએ પોતાના ભત્રીજા કરણ શિવાભાઈ ગોહિલને પરીક્ષા આપવા માટે બેસાડી દીધો હતો. વિદ્યામંદિરના શિક્ષક અને રૂમના સુપરવાઇઝર તુષાર પટેલ જ્યારે વિદ્યાર્થીઓની રીસીપ્ટ ચેક કરીને તેમની સહી લેવડાવી રહ્યા હતા તે વખતે લાલાભાઇ ગોહિલના ફોટા ઉપર નજર પડતા પરીક્ષા આપી રહેલો વિદ્યાર્થીના કાનમાં બુટ્ટી હતી. જ્યારે રીસીપ્ટમાં નહોતી. જેથી તેની પૂછપરછ કરી હતી. જેમાં તેણે પોતાનું નામ કરણ જણાવી પોતાના કાકાની જગ્યાએ પેપર લખવા આવ્યો હોવાનું જણાવ્યું હતું. સુપરવાઇઝર તુષાર પટેલએ સ્થળ સંચાલકનું ધ્યાન દોર્યું હતું અને સમગ્ર મામલાની જાણ બોર્ડમાં કરી જિલ્લા માધ્યમિક શિક્ષણ વિભાગને કરવામાં આવી હતી. સમગ્ર ઘટના અંગેની વિગતો આપતા સુપરવાઇઝર તુષાર પટેલે જણાવ્યું હતું કે "ઇતિહાસના પેપરમાં રીપીટર તરીકે લાલાભાઇ ગોહિલ નામના પરીક્ષાર્થીની રીસીપ્ટ હતી પરંતુ રીસીપ્ટ પર લગાવેલો ફોટો સહેજ અલગ જણાઇ આવ્યો હતો. જેના આધારે કડકાઈ પૂર્વકની પૂછપરછમાં એણે તરત સાચે સાચું જણાવી દીધું હતું. બાદમાં અમે બોર્ડમાં જાણકરી પૂર્વ પોલીસ મથકે બંને જણને લઇ ફરિયાદ દાખલ કરવા આવ્યા છીએ. જ્યાં અમારા જવાબો લખાવ્યા છે. પોલીસે પૂરતો સહકાર આપ્યો છે અને ગુનો નોંધી દેવાની કાર્યવાહી હાથ ધરી છે. લાલાભાઇ ગોહિલે જણાવ્યું કે હાલ થરાદ 108માં છું અને આગળ એસટી બસ ડ્રાઇવર તરીકે નોકરી કરવાની ઇચ્છા હોવાથી બારમું પાસ કરવું જરૂરી હતું. પરંતુ ગઇ પરીક્ષામાં અંગ્રેજી અને ઇતિહાસ વિષયમાં નાપાસ થયો હતો એટલે ભત્રીજાને મારી જગ્યાએ મોકલ્યો હતો.’ બીજા દિવસે શુક્રવારએ ધોરણ-10ના છાત્રોને રજા હતી પરંતુ 12 સામાન્ય પ્રવાહના છાત્રોને ઇતિહાસનું પેપર હતું. જે સરળ હોવાનું છાત્રોએ જણાવ્યું હતું. માધ્યમિક શિક્ષણ વિભાગે જણાવ્યું હતું કે જિલ્લામાં 1860 છાત્રો પરીક્ષા આપવા માટે હાજર રહ્યા હતાં. જ્યારે 58 છાત્રો ગેરહાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News