કોરોના કાળ વચ્ચે 90.35% વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપતા શિક્ષણ મંત્રીએ આભાર વ્યક્ત કર્યો, આજથી ધો.10-12ની પૂરક પરીક્ષા લેવાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-25 14:29:16
  • Views : 413
  • Modified Date : 2020-08-25 14:29:16

   રાજ્યમાં કોરોનાના રોજના 1200થી વધુ કેસ વચ્ચે ગઈકાલે ગુજકેટની પરીક્ષા લેવાઈ હતી. પહેલું પેપર 10 વાગ્યે કેમેસ્ટ્રી-ફીઝીક્સનું પેપર લેવામાં આવ્યું હતું. પરીક્ષા કેન્દ્રો પર ફરજિયાત માસ્ક અને થર્મલ ગનથી ચેક કરી જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને પરીક્ષા લેવાઈ રહી છે. કુલ 1,27,230 વિદ્યાર્થીઓ 34 કેન્દ્રો અને 6,431 પરીક્ષા ખંડમાં લેવાઈ હતી. કોરોના અને ભારે વરસાદના માહોલ વચ્ચે પણ પરીક્ષામાં 90.35% વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા. જે બદલ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણ બોર્ડ, કલેક્ટર્સ તેમજ વાલીઓ-વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો છે.શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ તમામનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, કોરોના અને ભારે વરસાદના માહોલ વચ્ચે આજરોજ ગુજકેટની પરીક્ષા લેવાઈ ગઈ. 90.35% વિદ્યાર્થીઓ હાજર રહ્યા. આવા સમયમાં માધ્યમિક શિક્ષણ બોર્ડ, કલેકટરો, શિક્ષણ વિભાગના ડીઈઓ અને ડીપીઈઓ તથા આરોગ્ય વિભાગના સંયુક્ત પ્રયાસના કારણે નિર્વિઘ્નપણે પરીક્ષા પૂરી થઈ તે માટે તંત્રનો આભાર માનું છું, તે પહેલા મારે વિદ્યાર્થીઓ અને વાલીઓનો આભાર માનવો છે. આવા સમયમાં પરીક્ષામાં 90% વિદ્યાર્થીઓ હાજર રહ્યાં, એનો સીધો અર્થ થાય છે કે, આજના વિદ્યાર્થીને તેના ભવિષ્યની ચિંતા છે. એને પરીક્ષાના કામને પોતાનું કામ ગણ્યું અને તૈયારી કરી. આટલો લાંબો સમય મળ્યો છતાં કોઈપણ કારણસર તૈયારી નહીં કરી શકેલા જૂજ વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા બંધ રાખવા માટે છેલ્લી ઘડી સુધી મારા પર સામાજિક અને રાજકીય દબાણ પણ આવ્યા. મેં વિચાર્યું કે અગાઉ પણ કોઇના કોઇ કારણસર બે વાર પરીક્ષા રદ રાખવી પડી છે, જેણે તૈયારી કરી છે અને જેને ભણીને કરિયર બનાવવું છે, એમના માટે પરીક્ષા બંધ રાખવી હિતાવહ નથી. કોંગ્રેસ દ્વારા પણ ગઈકાલે પરીક્ષાની આગલી રાતે બોર્ડના ચેરમેન ઉપર પરીક્ષા બંધ રાખવાનું દબાણ કર્યું, પણ સફળતાપૂર્વક પરીક્ષા સંપન્ન થઈ છે. હું પરમ કૃપાળુ પરમાત્માનો પણ આભાર માનું છું અને વિદ્યાર્થી દિકરા-દિકરીઓને અંતરના મનથી શુભેચ્છા પાઠવું છું.

Download Our B K News Today App



Related News