સાયરાની દલિત યુવતી મૃત્યુ પહેલાં 5 દિવસ ક્યાં હતી એનો પોલીસ પાસે જવાબ નથી, છતાં દુષ્કર્મ કે હત્યા થઇ નથી એવું જાહેર કરી દીધું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-13 11:21:41
  • Views : 546
  • Modified Date : 2020-03-13 11:21:41

રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલા મોડાસા નજીકના સાયરાની દલિત યુવતીના દુષ્કર્મ-હત્યા કેસની તપાસ કરેલી રહેલી સીઆઈડી ક્રાઈમે ગુરુવારે એકાએક પ્રેસ કોન્ફરન્સ કરી જાહેર કરી દીધું કે, પીડિતાને બાજકોટના શ્રીમંત બિમલ ભરવાડ સાથે પ્રેમસંબંધ હતો પણ તેની પર દુષ્કર્મ થયું નથી કે તેની હત્યા પણ થઈ નથી. બિમલ સામે હવે માત્ર આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો જ નોંધાશે. પોલીસે એમ પણ કહ્યું કે, પીડિતા મૃત્યુ પહેલાંના 5 દિવસ ક્યાં હતી તેનો અત્યારે કોઈ જવાબ નથી. પ્રેસ કોન્ફરન્સ આરોપીઓને ક્લિનચિટ આપવા જ યોજાઈ હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના અમરાપુરા ગામના દલિત પરિવારની 19 વર્ષીય પુત્રીના ત્રણ મહિના પૂર્વે અપમૃત્યુની ઘટનાની આસપાસ અનેકવિધ પ્રકારના તર્ક-વિતર્કો સામાન્ય જનમાનસમાં ખળભળી રહ્યા છે ત્યારે કોડભરી યુવતી સાથે શું થયું હતું તે સીઆઈડી ક્રાઈમે તપાસ બાદ રજૂ કરેલી વાત આ મુજબ છે. 1 જાન્યુઆરીના રોજ ભરબપોરે 19 વર્ષીય યુવતી તેના અમરાપુરા ગામેથી રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી. 5 મી જાન્યુઆરીના રોજ તેના સાયરા ગામની ભાગોળે વડના વૃક્ષની ડાળીએ ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. સાયરા ગામના મહેશ કોયાભાઈ રાઠોડે આ બનાવ અંગે મોડાસા ગ્રામ્ય પોલીસ મથકમાં 1લી જાન્યુઆરીએ ચાર શખસોના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીઓ તરીકે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બાજકોટ ગામના ધનવાન પરિવારના પરિણીત યુવાન બિમલ ભરતભાઈ ભરવાડ, માલપુર તાલુકાના પીપરાણા ગામના દર્શન ભલાભાઈ ભરવાડ, મોડાસા તાલુકાના ગાજણ ગામના જિગર સરદારસિંહ પરમાર અને ધનસુરા તાલુકાના રમાણા ગામના સતીશ શિવાભાઈ ભરવાડનો સમાવેશ કરાયો હતો. જેમાં ડીવાયએસપી એસ.એસ.ગઢવીએ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. દરમિયાન અનુસૂચિત પરિવારની આ યુવતીના અણધાર્યા અપમૃત્યુની ઘટના જિલ્લાભરમાં વિવાદાસ્પદ બની જતા સરકારે આ ઘટનાની વધુ તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપી હતી અને તે માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ ’ સીટ’ની રચના કરવામાં આવી હતી. આ તપાસમાં જાણવા મળ્યું હતું કે સન 2019ના ડિસેમ્બરમાં સૌપ્રથમ પીડિતાને દર્શન ભરવાડ સાથે સંપર્ક થયો હતો. માત્ર 15 દિવસમાં જ બંને વચ્ચે 121 કોલ તથા 9 જેટલા એસએમએસ થયા હતા. હવે પીડિતાના જીવનમાં બિમલ ભરવાડ નામના પરિણીત ધનવાન યુવકનો પ્રવેશ થયો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે, આ ધનવાન યુવાનની માયાજાળ-મોહજાળમાં પીડિતા તથા તેની સગી બહેન ફસાઈ ગઈ હતી. આમ બંને સગી બહેનોને એકબીજાને અંધારામાં રાખીને પ્રેમલીલા ભજવી રહેલા બિમલના કરતૂતોની એક બહેનને જાણ થઈ જતા તે બિમલની બેવફાઈ સામે રોષ વ્યકત કર્યો હતો ત્યારે બિમલે હવે ક્યારેય પીડિતાની સાથે સબંધ નહીં રાખે તેવું આશ્વાસન આપીને તેને સમજાવવા પ્રયાસ કર્યો હતો. જો કે બિમલે જુદીજુદી વ્યક્તિઓના મોબાઈલનો ઉપયોગ કરીને પીડિતા સાથે નિકટના સબંધો ચાલુ જ રાખ્યા હતા. જેની માહિતી સીટની તપાસમાં પ્રકાશમાં આવી હતી. 18 ડિસેમ્બરથી 1લી જાન્યુઆરી સુધી બિમલે પીડિતા સાથે 405 કોલ અને 267 એસએમએસ કર્યા હતા. જ્યારે પીડિતાની બહેન સાથે આ સમયગાળા દરમિયાન 263 કોલ અને 47 એસએમએસ કર્યા હતા. આમ બિમલનો બંને બહેનો સાથેની પ્રેમલીલા ચાલુ જ રહી હોવાના પુરાવા પોલીસે એકત્રિત કર્યા હતા. બિમલની બેવફાઈથી નારાજ બનેલી પીડિતાએ બિમલ પર હક જમાવી પોતાની સાથે વિશ્વાસઘાત કરશે તો આત્મહત્યા કરવાની ધમકી આપી હતી. ચોંકાવનારી વાત એવી પ્રકાશમાં આવી છે કે, બિમલે નામ બદલી સતીશ ભરવાડના નામે બંને બહેનોને પ્રેમજાળમાં ફસાવી હોવાની વાત પીડિતાની બહેને જ પોલીસ સમક્ષ કરી હતી. પીડિતાની સાથે જ રહેવાની વારંવારની માંગણીઓથી બિમલ તંગ આવી પોતાના આ પ્રશ્નનો ઉકેલ લાવવા તેના કૌટુંબિક ભાઈ આકાશ સાથે વાતચીત કરી હતી. જેમાં આકાશે બિમલના બીજા કૌટુંબિક પરિણીત ભાઈ વિપુલ સાથે પીડિતાનો પરિચય કરાવી દેવાનું નક્કી કર્યુ હતુ. જોકે વિપુલ ભરવાડ બિમલ તથા પીડિતાના નિકટના સબંધોથી સાવ અજાણ હતો. આ પ્લાન મુજબ આકાશ તથા તેની મહિલા મિત્ર અને પીડિતા મોડાસામાં 30 ડિસેમ્બરની સાંજે મળ્યા હતા. મોડાસા શામળાજી હાઈવે પરની એક હોટેલમાં ડીનર માટે ભેગા મળ્યા હતા તેમજ મોડાસા જીઆઈડીસીની એક હોટેલમાં રાત્રિ રોકાણ કર્યુ હતું. રાત્રિ રોકાણ દરમિયાન બિમલ અને પીડિતા વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં તેણે હવે બિમલના કરતૂતોનો તેની પત્ની સમક્ષ ભાંડો ફોડી નાંખશે તેવી ધમકી આપી હતી. જે વાતચીતોનું રેકોર્ડિંગ પણ ’સીટે એફએસએલમાંથી મેળવ્યું હતું. 1 જાન્યુઆરીએ પીડિતાએ કોલ કરી બિમલને સાયરા ગામે બોલાવતા તે આવ્યો હતો. બંને વચ્ચે કારમાં બોલાચાલી થઈ હતી. પીડિતાએ કારમાંથી નીચે ઉતરવાનો ઈન્કાર કરી બિમલ સાથે જ રહેવાની જીદ પકડી હતી. આખરે બિમલ પીડિતાની બહેનની બોલાવી હતી. બહેનની સમજાવટ છતાં પીડિતા માની ન હતી. દરમિયાન બંને વચ્ચે ઝપાઝપીમાં પીડિતાનો મોબાઈલ પણ તૂટી ગયો હતો. હતાશ પીડિતા રિક્ષામાં સાયરા ગામે જવા નીકળી હતી. 1લી જાન્યુઆરીએ તે સાયરા બપોરે 2 વાગ્યે પહોંચી હતી અને ગુમ થઈ ગઈ હતી. પોલીસ તેના ગુમ થવાની કોઈ તપાસ કરી ન હતી. 5મી તારીખે તે ગામની જ સીમમાં ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. દરમિયાન એ ક્યાં હતી, કોને મળી હતી, શું કરતી હતી, કેવી હાલતમાં હતી તેના કોઈ જવાબ સીઆઈડી ક્રાઈમ પાસે નથી. પોલીસે કુલ 2 આરોપીઓને સંપૂર્ણપણે ક્લિનચિટ આપી દીધી છે. > પીડિતા એકલી જ ઝાડ પર ચઢી કે કોઇકે એને ઘસડીને ઝાડ પર ચઢાવી લટકાવી દીધો 5 દિવસ સુધી બિમલ ક્યાં હતો? પીડિતા એકલી જ ઝાડ પર ચઢી કે કોઇકે એને ઘસડીને ઝાડ પર ચઢાવી લટકાવી દીધી? મોડાસાથી જ કાર લઈ નાસી ગયેલો બિમલ 1 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી સુધી ક્યાં હતો? અન્ય આરોપીઓ આ સમય દરમિયાન ક્યાં હતાં? પાંચ દિવસ સુધી પીડિતા ક્યાં હતી તો એની પાસે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરવા આ દોરી ક્યાંથી આવી? 1 જાન્યુઆરીએ ગુમ થયેલી પીડિતા ઘરે ગઇ ન હતી તો શું પાંચ દિવસ સુધી એણે એક જ કપડાં પહેરી રાખ્યા હતા? પીડિતા ગામમાં જ હતી તો 5 દિવસ સુધી કોઈને જાણ કેમ ન થઈ? પ્રેમમાં દગો મળ્યા પછી 5 દિવસ સુધી એ પોતાના ઘરે કેમ ન ગઈ? જો પીડિતાને આત્મહત્યા જ કરવી હતી તો બિમલ સાથેના ઝઘડા પછી પાંચ દિવસ રાહ શું કામ જોઇ? બિમલ પીડિતાને 15 દિવસમાં 405 કોલ 267 મેસેજ કર્યાં. તો 1 થી 5 તારીખ દરમિયાન પીડિતાનો સંપર્ક કરવા કેમ કોઇ પ્રયાસ ન કર્યો? 1લી જાન્યુઆરીએ પીડિતાની ગુમ થયાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસની તપાસ ચાલી રહી હતી તેના પાંચમા દિવસે સાયરા ગામની સીમમાંથી પીડિતાની ઝાડ પર લટકેલી લાશ મળી આવી હતી.

Download Our B K News Today App



Related News