સાસુનો જન્મદિવસ મનાવવા ગયેલા ડોક્ટરના ઘરમાં નોકરે 3.20 લાખની કિંમતના 8 કિલો ચાંદીના વાસણની ચોરી કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-27 17:11:36
  • Views : 489
  • Modified Date : 2020-02-27 17:11:36

સાસુનો જન્મદિવસ મનાવવા ગયેલા ડોક્ટર પરિવારના ઘરમાં અઢી વર્ષથી કામ કરતો નોકર 3.20 લાખની કિંમતના 8 કિલો ચાંદીના વાસણો ચોરી ગયો હતો. ડોક્ટર પરિવારે હોળી રસીયા પ્રસંગ માટે ચાંદીના વાસણો વસાવ્યા હતા.વડોદરા શહેરના સેવાસી ઇશાવાસ્યમ બંગલોમાં ડો. બિપીનચંદ્ર નવનિતલાલ શાહ પરિવાર સાથે રહે છે. તેઓનું રાવપુરા સંસ્થા વસાહત ખાતે ક્રિશનાશ્રય હોસ્પિટલ આવેલી છે. તેઓના બંગલામાં જશવંતસિંહ રયજીભાઇ પગી (રહે. ભેંસાલ, પંચમહાલ) છેલ્લા અઢી વર્ષથી નોકરી કરે છે. અને પરિવાર સાથે બંગલાના સર્વન્ટ ક્વાટર્સમાં રહે છે. અઢી વર્ષથી કામ કરતા નોકર ઉપર ડોક્ટર પરિવારને વિશ્વાસ હતો. જેથી ગમે ત્યાં જાય ત્યારે ડોક્ટર પરિવાર નોકર પરિવારને ઘર સોંપીને જતાં હતા. 9 ફેબ્રુઆરીના રોજ ડોક્ટરના સાસુ કુસુમબહેન પરીખનો જન્મદિવસ હતો. આથી ડોક્ટર બિપીનચંદ્ર શાહ, તેમની પત્ની સુષ્માબહેન, પુત્ર પ્રયાંશ અને સાસુ કુસુમબહેન પરીખને લઇ સાસુના 37, સંધ્યાનગર, વિશ્વામિત્રી સ્ટેશન પાસેના મકાન ઉપર જન્મદિવસ મનાવવા માટે આવ્યા હતા. જેમાં તેમના નોકરની પત્ની સુમિત્રાબહેન પગી પણ ગઇ હતી. પરંતુ, નોકર જશવંતસિંહ ગયો ન હતો. આથી ડોક્ટર પરિવાર તેણે ઘરની જવાબદારી સોંપીને ગયા હતા. દરમિયાન 23 ફેબ્રુઆરીના રોજ હોળી રસીયાનો ઘરમાં પ્રસંગ હોવાથી ડોક્ટર પરિવારે 22 ફેબ્રુઆરીના રોજ બેડરૂમમાં કબાટ ઉપર મૂકેલ સુટકેશમાં મૂકેલા ચાંદીના વાસણો કાઢવા માટે બેગ ઉતારી હતી. પરંતુ બેગમાં મૂકેલા ચાંદીના વાસણો ન જણાતા ચોંકી ઉઠ્યા હતા. ડોક્ટર પરિવારે નોકરને ચાંદીના ચોરાયેલા વાસણો અંગેની પૂછપરછ કરી હતી. પરંતુ નોકરે પોતે ચોરી કરી હોવાનો ઇન્કાર કરતા ડોક્ટર બિપીનચંદ્ર શાહે નોકર સામે તાલુકા પોલીસ મથકમાં રૂપિયા 3,20,000ની કિંમતના ચાંદીના 8 કિલો વાસણોની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. તાલુકા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News