ખુલાસો / મારી પત્નીને બસ મારી પ્રોપર્ટીમાં રસ, હું ક્યારે મરી જાઉં એની ચિંતા: ભરતસિંહ સોલંકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-03 11:50:34
  • Views : 985
  • Modified Date : 2022-06-03 11:50:34



ભરતસિંહ સોલંકીના પત્ની રેશમા પટેલ પર નામ લીધા વિના ગંભીર આક્ષેપ

એમણે હંમેશા મારી મિલકતની ચિંતા કરી છે : ભરતસિંહ સોલંકી

મારી પાસે ઘણા પુરાવાઓ છે જેને હું કોર્ટમાં રજૂ કરીશ: ભરતસિંહ સોલંકી

 

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી અને પત્ની રેશ્મા પટેલ વચ્ચેની બબાલનો વીડિયો બુધવારના રોજ વાયરલ થયો હતો. જેમાં પત્ની રેશ્મા પટેલ ભરતસિંહના ઘરે યુવતી જોવા મળતા ભારે હોબાળો મચાવે છે. વાયરલ વીડિયોમાં ભરતસિંહ અને પત્ની રેશ્મા પટેલ વચ્ચે ઝપાઝપી થાય છે. તદુપરાંત ભરતસિંહના ઘરે જોવા મળતી યુવતી સાથે પણ રેશ્મા પટેલ મારઝૂડ કરતી જોવા મળે છે. ત્યારે મામલો વધુ ઉગ્ર બનતા ભરતસિંહ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ યોજી પત્ની સાથેના વિવાદ મામલે નિવેદન આપતા જણાવ્યું કે, 'મીડિયામાં આવી જવાથી કોઈ વાતનો નિકાલ આવવાનો નથી એટલે મે એવું વિચાર્યું કે ઘરની વાત ઘરમાં રહે. લગ્નજીવનમાં સમસ્યાવાળા દેશમાં કેટલાંય કુટુંબો છે. મારા નોકર-ચાકર અને મારા કાર્યકર્તાને મારા વર્તન વિશે પૂછી શકો છો. મારી પાસે ઘણા પુરાવાઓ છે જેને હું કોર્ટમાં રજૂ કરીશ. એમણે હંમેશા મારી મિલકતની ચિંતા કરી છે અને હું ક્યારે મરી જાઉં એની ચિંતા કરે છે. મારી વિરૂદ્ધ દોરા-ધાગા પણ કરવામાં આવ્યાં.  મને એમ લાગ્યું કે મારા જીવને જોખમ છે ત્યારે મે નોટિસ આપી કે હું એમની સાથે નથી. આખા ગુજરાતમાં પૂછી લો કે મારો સ્વભાવ કેવો છે, મને કોઈ ગાળ બોલે તો પણ હું એક કરોડ રૂપિયા આપવા તૈયાર છું.'

 

વધુમાં જણાવ્યું કે, 'હોસ્પિટલમાં આવીને મને કહ્યું હતું કે મારી પ્રોપર્ટીનું શું? મારી કાર વેચી દઇને મારા ડ્રાઇવરને છુટ્ટો કરવામાં આવ્યો. મારી પત્નીને માત્ર મારી મિલકત અને નાણામાં રસ છે. મારા ભોજનમાં અને ચામાં પણ કંઇક નાખવામાં આવતું. બધાને લાગે છે કે મેં કાઢી મૂક્યા પણ હકીકત છે કે મારા ઘર પર કબજો કરીને રહે છે અને હું જૂના ઘરમાં રહું છું. 29-3થી તે ત્યાં રહે છે.'

રામનું મંદિર બંધાય તો ભરતને આનંદ થાય: ભરતસિંહ સોલંકી

સિવાય રામમંદિર મુદ્દે પણ ભરતસિંહ સોલંકીએ નિવેદન આપતા જણાવ્યું કે, 'રામનું મંદિર બંધાય તો ભરતને આનંદ થાય કે થાય એવું હું 25 વર્ષથી કહેતો આવ્યો છું. રામમંદિરમાં સૌ કોઇની ભાગીદારી છે. અમે હિંદુુ ધર્મના સાચા હિમાયતી છીએ.'

 

ઉલ્લેખનીય છે કેભરતસિંહ સોલંકી અને તેમના પત્ની રેશ્મા પટેલ વચ્ચેની તકરારની વાત આજકાલની નથી. કારણ કે, અગાઉ પણ તેઓ એકબીજા વિરુદ્ધ જાહેરમાં આક્ષેપો કરી ચૂક્યા છે. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભરતસિંહ સોલંકીનો વાયરલ વીડિયો  કોંગ્રેસ હાઇકમાન્ડ પાસે પહોંચ્યો છે. ગુજરાતના નેતાઓએ ભરતસિંહ સોલંકીની ફરિયાદ કરી છે કે ભરતસિંહના કારણે મહેનત પર પાણી ફરી રહ્યું છે. પાર્ટીની છબી ખરાબ થઈ રહી છે.ભરતસિંહ સોલંકી ના સુધરે તો રાજકારણ છોડે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે.રાહુલ ગાંધીએ ગુજરાતના એક નેતાને ભરતસિંહને મળવા આદેશ કર્યો છે. સમગ્ર મામલે સાચી હકીકત આપવાનું જણાવ્યું છે.

 

'વીડિયોને નેતાના રંગરેલીયા તરીકે દર્શાવ્યો પણ ભરતસિંહે શું કહ્યું તે દર્શાવ્યું': જગદીશ ઠાકોર

અરવલ્લીના ભિલોડોમાં કોંગ્રેસના શક્તિ પ્રદર્શન કાર્યક્રમમાં જગદીશ ઠાકોરે ભરતસિંહ સોલંકીના વીડિયો અંગે નિવેદન આપ્યું છે. ભરતસિંહનો બચાવ કરતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે વીડિયોને નેતાના રંગરેલીયા તરીકે વાયરલ કરાયો છે પરંતુ ભરતસિંહ બૂમો પાડીને શું કહી રહ્યાં છે તે કેમ નથી દર્શાવ્યું તેવા સવાલો જગદીશ ઠાકોરે ઉઠાવ્યા હતાં.

 

જાણો શું છે સમગ્ર ઘટના?

ગઈકાલે બુધવારે ભરતસિંહ સોલંકીના પત્નીએ VTV પર ખુલાસો કરતા જણાવ્યું કે, 'હું ભરતસિંહને સમજાવવા પહોંચી હતી. હું હજુ પણ મારા પતિને ચાહુ છું. હું ઇચ્છું છું કે મારા પતિ મારી સાથે પરત આવી જાય.  હું મારા પતિને ઘણા સમયથી શોધતી હતી. પછી મને ગઇ કાલે અચાનક ખબર પડી કે તેઓ આણંદ વિદ્યાનગર નજીક ઋતુરાજ આઇસક્રીમની દુકાન આગળ આઇસક્રીમ ખાતા હતા, ત્યારે બંનેને હું જોઇ ગઇ,  એટલે મે ગાડી ફોલો કરી અને પછી તે જ્યાં રહે છે, પેલી છોકરી સાથે હું ત્યાં ગઇ. ત્યાં હું ગઇ એટલે ઘરનો દરવાજો બંધ હતો. હું ચૂપચાપ ઉભી રહી અને પછી તેઓએ દરવાજો ખોલ્યો અને પછી હકીકતમાં તો હું તેમને સમજાવવા ગઇ હતી. મારી લાગણી હતી એટલાં માટે હું તેમને લેવા ગઇ હતી. પરંતુ ત્યાં થોડીક માથાકૂટ થઇ અને તેમને આવવાની ના પાડી. તેમને મારી સામે હાથ ઉગામવાની કોશિશ કરી, અને થોડીક માથાકૂટ થઇ, ઝપાઝપી થઇ ગઇ.'

 

માણસ વ્યભિચાર કરે છે એટલે કોંગ્રેસ પક્ષને પણ નુકસાન થઇ રહ્યું છે: રેશ્મા

અત્યારે મારી પાસે નથી ખાવાના પૈસા કે નથી મને કંઇ ભરણપોષણ આપતા, કશું નહીં. અને પેલી મહિલા સાથે જ્યાં રહે છે તેને બધું આપે છે, તેને ઘર પણ લાવી આપ્યું છે, તેને ખાવાપીવાની અને ગાડીની બધી સગવડ કરી છે. તો આજે હું તો એમની કાયદેસરની પત્ની છું, મારો અધિકાર છે અને તે આવી રીતે ઐયાશી કરે તો ના ચાલે ને. કંઇ પત્ની સહન કરી શકે? અને હું બધાને કહું છું, આખાય કોંગ્રેસ મોવડીમંડળને વિનંતી કરું છું, મે અનેક વાર ફરિયાદો પણ કરી છે કે એમને સમજાવે, પાછા લાવે. તેઓ પાછા લાઇન પર આવી જાય. કારણ કે માણસ વ્યભિચાર કરે છે એટલે કોંગ્રેસ પક્ષને પણ નુકસાન થઇ રહ્યું છે.'

 

પત્ની રેશ્મા પટેલ સાથે હવે કોઇ સંબંધ નથી: ભરતસિંહ સોલંકી

ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પોતાના પત્ની વિરૂદ્ધ જાહેર નોટિસ પાઠવી હતી અને કહ્યું હતું કે, પત્ની રેશ્મા પટેલ સાથે હવે કોઇ સંબંધ નથી અને છેલ્લાં 4 વર્ષથી અલગ રહીએ છીએ. સાથે તેમણે એવું પણ જણાવ્યું હતું કે, પત્ની કહ્યામાં નથી, મનસ્વી રીતે વર્તે છે. માટે કોઈ વ્યક્તિએ રેશ્મા પટેલ સાથે નાણાંકીય લેવડ દેવડ કરવી નહીં. તેમ છતાં કોઇ નાણાંકીય લેવડ દેવડ કરશે તો તેની જવાબદારી ભરતસિંહ સોલંકીની રહેશે નહીં. આવી એક જાહેર નોટિસ ગુજરાત કોંગ્રેસના નેતા દ્વારા પાઠવવામાં આવી હતી.'

 

મારા પર તેમના દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો પાયા વિહોણા: રેશ્મા પટેલ

વધુમાં જણાવી દઇએ કે, રેશ્માબેન પટેલે અગાઉ પણ વકીલ મારફતે પોતાનો જાહેર ખુલાસો કર્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે મારા પતિ ભરતસિંહ સોલંકી કોરોનામાં સપડાયા ત્યારે મે તેમની ખુબ સેવા કરી છે. જે બાદ તેમને પુન:જીવન આપ્યું છે પરંતુ સાજા થયા બાદ તેઓએ છુટાછેડા આપવા માટે દબાણ કરતા હોવાનો ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્માબેન  પટેલે આક્ષેપ લગાવ્યો હતો. જે બાદ વધુમાં તેમણે જણાવ્યું હતું કે મારા પતિએ મને ઘરમાંથી કાઢી મૂકી છે અને મારા પર તેમના દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો પાયા વિહોણા છે.

 

Download Our B K News Today App



Related News