નર્મદા ડેમમાંથી પાણી છોડવાની માત્રા ઘટીને 6.56 લાખ ક્યૂસેક થઇ, નર્મદા નદીની સપાટી 4 કલાકમાં 3 ફૂટ ઘટીને 31 ફૂટ થઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-02 12:34:44
  • Views : 375
  • Modified Date : 2020-09-02 12:34:44

       ભરૂચ શહેર અને જિલ્લા માટે રાહતના સમાચાર આવ્યા છે. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાની માત્રામાં ઘટાડો કરવામાં આવતા સવારે 6 વાગ્યાથી લઇને 10 વાગ્યા સુધીમાં ગોલ્ડન બ્રિજે નર્મદા નદીની સપાટીમાં 3 ફૂટનો ઘટાડો નોંધાયો છે. હાલ નર્મદા નદીની સપાટી ઘટીને 31 ફૂટે પહોંચી ગઇ છે. જેથી ગોલ્ડન બ્રિજ પર વાહનવ્યવહાર યથાવત જ રાખવામાં આવ્યો છે.મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમમાંથી 4 લાખ ક્યૂસેક પાણી છોડવાનું ઓછુ કરતા નર્મદા ડેમમાં પાણીની આવક ઘટી છે. ઉપરવાસમાંથી હાલ 6.56 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે અને નર્મદા ડેમના 23 દરવાજા અને અને પાવરહાઉસ દ્વારા નર્મદા નદીમાં 7.94 લાખ ક્યૂસેક પાણી હાલ છોડાઇ રહ્યું છે. જેને પગલે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી હાલ 132.99 મીટર થઇ છે. હાલ નર્મદા ડેમના 23 દરવાજા 5.68 મીટર સુધી ખુલ્લા છે. નર્મદા બંધમાંથી છેલ્લા 4 દિવસ થી 10થી 11 લાખ પાણી છોડાતું હતું. જેમાં ઘટાડો કરવામાં આવતા કિનારાના ગામોને રાહત થઇ છે અને નર્મદાના પાણી હવે ઓસરવાના શરૂ થતાં નુકસાની ઘટશે.નર્મદા ડેમમાંથી 11 લાખ ક્યૂસેક સુધી પાણી છોડવામાં આવ્યું હતું. જેને પગલે નર્મદા નદીના પૂરમાં ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લાના ગામો અસરગ્રસ્ત થયા હતા. વડોદરા જિલ્લાના ચાણોદ અને કરનાળી સહિત 25 ગામોમાં પાણી ઘૂસ્યા હતા અને ભરૂચ શહેર અને જિલ્લાને પણ નર્મદાના પૂરે ઘમરોળ્યું હતું. ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયાના અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા હતા અને ભરૂચ શહેરના ફૂરજા, દાંડિયા બજાર અને ધોળીકુઇ સહિતના વિસ્તારો પાણીમાં ગરક થઇ ગયા હતા. આ ઉપરાંત અંકેલશ્વરની પણ 7થી 8 સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા હતા. જોકે હવે નર્મદા નદીની સપાટી ઘટવાની શરૂ થતાં લોકોએ રાહત અનુભવી છે.

Download Our B K News Today App



Related News