રાજકોટની મહિલાનું ડેન્ગ્યુથી મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-26 12:59:26
  • Views : 620
  • Modified Date : 2019-11-26 12:59:26

ગોંડલ તાલુકાના ચરખડી ગામે રહેતા અને ગોંડલમાં ઓટો ગેરેજનું કામ શીખતા વિશાલ જાદવભાઈ સખીયાનું સોમવારે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે રાજકોટના મોરબી રોડ પર તિરૂપતિ સોસાયટીમાં રહેતી ભારતીબેન નામની મહિલાનું ખાનગી હોસ્પિટલમાં મોત નીપજતા છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લામાં ડેન્ગ્યુના કારણે બે મોત નીપજ્યા છે. ભારતીબેન છેલ્લા 4 દિવસથી સારવાર લઇ રહ્યા હતા. અચાનક બેભાન થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડેન્ગ્યુ પોઝિટીવ હોય સારવાર લઇ રહ્યા હતા તેવું પરિવારજનોએ જણાવ્યું હતું.

વિશાલ બે બહેનોનો એકનો એક ભાઇ

વિશાલના પિતા જાદવભાઈએ જણાવ્યું હતું કે, વિશાલ બે બહેનોનો એકનો એક ભાઇ હતો અને છેલ્લા કેટલાક મહિનાથી ગોંડલમાં મોટર સાયકલ ગેરેજમાં રીપેરીંગ શીખતો હતો, છેલ્લા અઠવાડિયાથી તેને તાવ આવી રહ્યો હોય ચરખડી અને ગોંડલમાં સામાન્ય સારવાર લીધી હતી તેમ છતાં પણ તબિયત ન સુધરતા વધુ સારવાર માટે રાજકોટ વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ગોંડલ શહેર અને તાલુકામાં ડેન્ગ્યુ મેલેરીયાના તાવે અજગર ભરડો લીધો છે. ઘરે ઘરે માંદગીના ખાટલા બિછાયા છે. ખાનગી કે સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઊભરાઈ રહી છે. વિશાલનું ડેન્ગ્યુથી મૃત્યુ થયુ હોવાનું જાહેર કરાયું છે.

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જામનગરમાં ડેન્ગ્યુને કારણે મોત થયા

ડેન્ગ્યુની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રમાં જોઇએ તો જામનગર જિલ્લામાં જોવા મળી છે. જામનગર જિલ્લામાં ડેન્ગ્યુને કારણે ચાલુ વર્ષ દરમિયાન 17ના મોત નીપજ્યા છે. તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ડેન્ગ્યુનો કહેર યથાવત છે. ડેન્ગ્યુ અને કોંગો ફિવરએ માઝા મુકી છે.

Download Our B K News Today App



Related News