ગુજરાતમાં ફરી વધી રહ્યો છે કોરોનાનો કહેર, માત્ર 4 મહિનામાં કોરોના કેસ 8 ગણા વધ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-28 15:43:04
  • Views : 387
  • Modified Date : 2020-09-28 15:43:04

        19 માર્ચથી ગુજરાતને ભરડામાં લેનાર કોરોના રાજ્યમાં કાળો કેર વર્તાવી રહ્યો છે. સરકારે કોરોનાના સંક્રમણની નિયંત્રિત કરવા માટે લોકાડઉન જાહેર કર્યું હતું. મહદઅંશે લોકાડઉનમાં કોરોનાનું સંક્રમણ નિયત્રંણમાં હતું પરંતુ 1 જૂનથી તબક્કાવાર અનલોકની અમલવારી કરવામાં આવ્યા બાદ રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. અનલોકની આડઅસર થઇ હોય તેમ એકલા ગુજરાતમાં આજ સુધીમાં 1.33 લાખથી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે. છેલ્લા 4 મહિનામાં કોરોનાના કેસોમાં 8 ગણો વધારો થયો છે. 31 મે સુધી રાજ્યમાં 16794 કેસ અને 1038 મોત નોંધાયા હતા. જ્યારે 27 સપ્ટેમ્બર સુધીમાં આ આંકડો 8 ગણા વધારા સાથે 1 લાખ 33 હજાર 219 એ પહોંચ્યો છે.કોરોના ડેટા જોઇએ તો ગત 31 મેના રોજ 24 કલાકમાં 438 કેસ નોંધાયા હતા, જ્યારે ગઇકાલે 27 સપ્ટેમ્બરના રોજ 1411 કોરોના કેસ સપાટી પર આવ્યા છે. આ તફાવત સંક્રમણની ભયાનકતા તરફ ઇશારો કરી રહ્યું છે. અનલોકના ચાર મહિનાનો આંકડો જોઇએ તો જૂનમાં 15849 કેસ, જુલાઈ મહિનામાં કોરોનાના 28,795 કેસ નોંધાયા હતા. ઓગષ્ટ માસમાં 34,997 લોકો સંક્રમિત થયા હતા. જ્યારે સપ્ટેમ્બર માસના છેલ્લા 27 દિવસમાં 36,784 કેસ સપાટી પર આવી ચુક્યા છે.19 માર્ચથી 24 માર્ચ સુધી રાજ્યમાં કોરોનાના 34 કેસ નોંધાયા હતા. 25 માર્ચથી 31 મે સુધી રાજ્યમાં 66 દિવસનું લોકડાઉન હતું. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં 16760 કેસ નોંધાયા હતા. જે કુલ કેસના 12.5 ટકા હતા. જ્યારે 1 જૂનથી રાજ્યમાં તબક્કાબાર અનલોકની અમલવારી કરવામાં આવી રહી છે. 1 જૂનથી 27 સપ્ટેમ્બર સુધીના 119 દિવસમાં રાજ્યમાં 1,16,425 કેસ નોંધાયા છે. એટલે કે કુલ કેસના 87.5 ટકા કેસ છેલ્લા 119 દિવસમાં નોંધાયા છે. દરરોજના સરેરાશ કેસ જોઇએ તો લોકાડઉનમાં દરરોજ સરેરાશ 254 કેસ નોંધાતા હતા જે અનલોકમાં વધીને દરરોજ સરેરાશ 978 કેસે પહોંચ્યા છે. જે દર્શાવે છેકે રાજ્યમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ન પહેરવાની બેદરકારીના કારણે અનલોકમાં કેસનો આંકડો વિસ્ફોટક રીતે વધી રહ્યો છે.શરૂઆતમાં જ કોરોના સંક્રમણથી ગુજરાતમાં જે મૃત્યુદર નોંધાયો છે તેને લઈ ખૂબ ચર્ચા રહી છે. અન્ય રાજ્યની સરખામણીએ ઊંચા મૃત્યુદરને લઈ આ પહેલા પણ દેશનું ધ્યાન ગુજરાત તરફ હતું. અત્યાર સુધીમાં રાજ્યમાં 3419 લોકોના મોત થયા છે. જેમાંથી 31 મે એટલે કે લોકડાઉનના ગાળા સુધીમાં રાજ્યમાં 1038 દર્દીના મૃત્યુ થયાં હતા. જ્યારે અનલોકના 119 દિવસ એટલે કે 1 જૂનથી 27 સપ્ટેમ્બર સુધીમાં 2381 દર્દીના મૃત્યુ થયા છે. આમ લોકડાઉનમાં જ્યાં સરેરાશ દરરોજ 16 મોતની સરખામણીએ અનલોકમાં સરેરાશ દરરોજ 20 મોત નોંધાયા છે.રાજ્યમાં તા. 31 જુલાઈ સુધીમાં 7 લાખ 64 હજાર 777 ટેસ્ટ થયા હતા. ત્યારબાદ ઓગષ્ટ માસમાં એકાએક રાજ્ય સરકારે ટેસ્ટ કરવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તા. 31 ઓગષ્ટ સુધીમાં ટેસ્ટની સંખ્યા વધીને સીધી જ 23 લાખ 31 હજાર 836 થઈ ગઈ હતી. ઓગષ્ટ માસમાં 22 લાખ 55 હજાર 359 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.સરેરાશ દરરોજ 72,753 ટેસ્ટ થયા. જોકે, 1 સપ્ટેમ્બર થી 27 સપ્ટેમ્બર વચ્ચે ટેસ્ટની સંખ્યામાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે. આ 27 દિવસમાં કુલ 19 લાખ 572 ટેસ્ટ થયા. એટલે કે, સરેરાશ 70,391 ટેસ્ટ થયા હતા. અત્યાર સુધીમાં 42 લાખ 32 હજાર 408 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Download Our B K News Today App



Related News