કોરોનાના કારણે ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગને આશરે રૂા.1000 કરોડનો ફટકો, બે લાખથી વધુ બેરોજગાર થઈ ગયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-27 12:47:45
  • Views : 370
  • Modified Date : 2020-09-27 12:47:45

         કોરોના સંક્રમણને કારણે દેશના મોટાભાગના ધંધા-રોજગારને ભારે આર્થિક નુકસાન થયું છે. આજે વર્લ્ડ ટુરિઝમ ડે નિમિત્તે ગુજરાતના પ્રવાસન ઉદ્યોગ પર DivyaBhaskarએ એક સ્પેશિયલ રિપોર્ટ તૈયાર કર્યો છે. ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને રૂ.1000 કરોડથી વધુનું નુકસાન થયાનો અંદાજ છે, સામાન્ય રીતે ગુજરાતમાં દર વર્ષે પાંચ કરોડ જેટલા પ્રવાસીઓ આવે છે, જ્યારે 20 લાખ જેટલા ગુજરાતીઓ અન્ય રાજ્ય અને વિદેશમાં ફરવા માટે જાય છે. ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી કચ્છ રણોત્સવ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ સહિત અનેક ધાર્મિક સ્થાનોમાં દર વર્ષે 4.50થી 5 કરોડ પ્રવાસીઓ આવે છે. કોરોનાની મહામારીને પગલે લોકડાઉન બાદ ગુજરાતમાં મૃતપ્રાય અવસ્થામાં મૂકાયેલાં ટુરિઝમ ઉદ્યોગને આશરે રૂા.1000 કરોડનું નુકશાન થયા હોવાનો અંદાજ છે. એટલું જ નહીં, ટુરિઝમ ઉદ્યોગની એવી દશા થઇ છે કે, ટ્રાવેલ્સ એજન્સી, હોટલ ઉપરાંત ટ્રાન્સપોર્ટ મળીને આશરે 2 લાખ લોકોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે.એક અંદાજ મુજબ ગુજરાતમાંથી વર્ષે દહાડે 20 લાખ જેટલા ગુજરાતીઓ આંતર રાજ્ય અને અન્ય દેશોમાં ફરવા જાય છે. ખાસ કરીને શિયાળુ અને ઉનાળુ વેકેશનમાં ગુજરાતીઓ વિવિધ ટુરપેકેજ થકી પ્રવાસે જાય છે. ગુજરાતમાં આજે 10 હજાર કરતાં વધુ ટ્રાવેલ્સ એજન્ટો છે. કોરોનાને લીધે લોકોમાં એવો તો ડરનો માહોલ પ્રવર્તી રહ્યો છે કે, પ્રવાસ તો ઠીક લોકો ઘરની બહાર નીકળતાં પણ ડર અનુભવી રહ્યાં છે.લોકડાઉન બાદ આ પરિસ્થિતિ પગલે ગુજરાતમાં ટુર ટ્રાવેલ્સ એજન્સીઓની એવી તો માઠી દશા બેઠી છે કે, કર્મચારીઓને પગાર આપવાના ફાંફાં છે. કેટલીય ટુર ટ્રાવેલ્સ એજન્સીઓએ તો કર્મચારીઓને છુટા પણ કરી દીધા છે.કોરોનાના કારણે ટ્રાવેલ્સ એજન્સીઓને તો તાળા વાગ્યાં છે. 30 ટકા ટુર ઓપરેટરોએ તો ધંધો જ બદલી નાંખ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. લોકડાઉન પછી અત્યાર સુધી ઘરમાં પુરાયેલાં ગુજરાતીઓ હવે કંટાળ્યાં છે,જેથી કોરોનાની સતર્કતા સાથે પરિવાર સાથે વન ડે ટ્રીપ કરતાં થયાં છે. સાપુતારા, પોળો અને નળ સરોવર જેવા સ્થળો પરિવાર સાથે સવારે જઇને સાંજે પિકનિક કરવાનો ટ્રેન્ડ વધ્યો છે જેના કારણે આવા પ્રવાસન સ્થળોએ લોકોની અવર જવર વધી છે. અત્યારે લોકો માનસિક શાંતિ મેળવવા પિકનિક સ્થળોએ પરિવાર સાથે દિવસ ગાળી રિલેક્સ થઇ રહ્યાં છે.ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં પ્રવાસીઓની સંખ્યા 3.26 કરોડથી વધીને 5.75 કરોડ સુધી પહોંચી ગઈ છે. 2014-15માં ગુજરાતમાં 3.26 કરોડ પ્રવાસીઓ આવ્યા હતા, જેમાં 1.94 % વિદેશી હતા, જ્યારે અન્ય રાજ્યોમાંથી 22.83% આવ્યા હતા. તેમજ 2018-19માં ગુજરાતમાં આવેલા પ્રવાસીઓની સંખ્યા વધીને 5.75 કરોડ સુધી પહોંચી હતી, જેમાં વિદેશી પ્રવાસીઓ 2.14 % અને અન્ય રાજ્યોમાંથી આવેલા પ્રવાસી 26.30% હતા. જ્યારે 75% ગુજરાતીઓ તો બહાર ફરવા જવાને બદલે ગુજરાતમાં જ રજાઓ ગાળવા જઈ રહ્યા છે.

Download Our B K News Today App



Related News