મોબાઈલ નેટવર્ક અપગ્રેડ કરવાના બહાને ફોન ક્લોન કર્યો, ભેજાબાજે બેન્ક એકાઉન્ટ સાફ કર્યું અને લાખોની લોન લઇ લીધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-31 13:40:56
  • Views : 469
  • Modified Date : 2020-08-31 13:40:56

      શહેરની જનતા દરરોજ સાઈબર ક્રાઈમનો ભોગ બની રહી છે. અત્યારસુધી સાઈબર ક્રાઈમ આચરનારા બેન્ક એકાઉન્ટમાં પડેલા રૂપિયા સેરવી લેતા હતા, પરંતુ આ વખતે ભેજાબાજોએ રાણીપની મહિલાનું સીમકાર્ડ અપગ્રેડ કરવાના બહાને સીમકાર્ડ ક્લોન કરીને તેના બેન્કમાં પડેલા 2 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા અને 5 લાખ રૂપિયાની લોન લઇ લીધી હતી. ભોગ બનનાર મહિલાએ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.રાણીપ વિસ્તારમાં રહેતી મહિલાને એક ફોન આવ્યો હતો કે અમે તમારું કાર્ડ 4G કરી આપીએ છીએ. જે માટે તમારા મોબાઈલમાં એક મેસેજ આવશે, જેનો તમારે યસ કે નો જવાબ આપવાનો છે. ફ્રીમાં સીમકાર્ડ 4G થઇ જશે તેમ વિચારીને મહિલાએ આવેલા મેસેજના જવાબમાં Y લખી દીધું હતું. થોડીવારમાં મહિલાનો ફોન બંધ થઇ ગયો હતો. સાથે જ ફોન કરનારે મહિલાને એવું પણ કહ્યું હતું કે તમારું 4G શરૂ થતાં પહેલા તમારો ફોન બંધ થઇ જશે, જેથી તમારે તપાસ કરવી નહીં.બીજા દિવસે પણ ફોન ચાલુ ન થતાં તેમણે તપાસ કરાવી હતી, બેન્કમાં પણ તપાસ કરાવતા જાણવા મળ્યું હતું કે તેમના બેન્ક એકાઉન્ટમાંથી 2.71 લાખ રૂપિયા ઉપડી ગયા હતા, એટલું જ નહીં બેન્કે એવું પણ જણાવ્યું હતું કે તેમની પ્રી એપ્રૂવ લોન જે 5 લાખથી વધુની હતી તે પણ ખાતામાં જમા કરાવીને ઉપાડી લેવાયા છે. આ સમગ્ર બનાવમાં મહિલા સાથે રૂ. 8 લાખની આસપાસ છેતરપિંડી થઇ હતી. છેતરપિંડી થયાનું જાણ થતાં તેમણે તાત્કાલિક સાઈબર ક્રાઈમમાં જાણ કરી હતી અને રાણીપ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News