ચિત્રાસણી નજીક કારચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા અકસ્માત, 5 યુવાનનાં મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-23 11:37:03
  • Views : 625
  • Modified Date : 2020-07-23 11:37:03

રાજસ્થાનના બિકાનેર ગામના પાંચ મિત્રો લોકડાઉન પૂર્ણ થયા બાદ મંગળવારે બિકાનેરથી નિકળી મુંબઇ કામ પર જઇ રહ્યા હતા. તે સમયે મોડી રાત્રે પાલનપુરના ચિત્રાસણી નજીક કાર ચાલકે કાબુ ગુમાવી બેસતા અચાનક કાર ડીવાઇડરને ટકરાઇ હતી. જેને પગલે કારનો કુરચો બોલી ગયો તો કારમાં સવાર ત્રણના ઘટના સ્થળે જ મોત નિપજી ગયા હતા. જો કે બે લોકોને ગંભીર ઇજાઓ થતા ક્રેનની મદદથી બહાર કાઢી પાલનપુર સિવીલ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા.જો કે સારવાર દરમ્યાન બંન્ને ઇજાગ્રસ્તો પણ મોતને ભેટ્યા હતા.રાજસ્થાનના બિકાનેરમાં રહેતા અને મુંબઇમાં ફર્નીચરનું કામ કરતા એક જ ગામના પાંચ મિત્રો લોકડાઉનમાં કામકાજ ન મળતા વતન બિકાનેર આવી ગયા હતા.જો કે લોકડાઉન પૂર્ણ થતા ફરી કામધંધા પર જવા પાંચેય મિત્રો મંગળવારે એમએચ-46-એ-1172 નંબરની કારમાં મુંબઇ જવા રવાના થયા હતા.કાર મનોજકુમાર ચુનીલાલ સુથાર ચલાવી રહ્યો હતો.જો કે મંગળવારે રાત્રે 11:15 આસપાસ ચિત્રાસણી પુલ પર પહોંચ્યા અને પુલ ઉતરતી સમયે કાર ચાલકે કાબુ ગુમાવતાં કાર ધડાકાભેર બાજુમાં આવેલા ડીવાઇડરને ટકરાતા કારના એન્જીનના ભાગના ફુરચેફુરચા ઉડી ગયા હતા.અકસ્માતને પગલે કારમાં સવાર લોકોની ચીચીયારીઓથી ચિત્રાસણી હાઇવે ગુંજી ઉઠ્યો હતો. જો કે તમામ સવારો કારમાં ફસાઇ ગયા હતા. કારના પતરાથી કોઇના પગ કપાયા તો કોઇના પેટ પર ગંભીર ઇજાઓ થઇ હતી.એલએન્ડટી અને ચિત્રાસણી તેમજ ઇકબાલગઢ 108ની ટીમે સ્થળ પર પહોચી ક્રેનની મદદથી દોઢ કલાકના રેસ્કયુ બાદ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ઘટનાને પગલે કારમાં સવાર ત્રણના મોત નિપજ્યા હતા. તો બે ને ગંભીર ઇજાઓ થતા 108 એમ્બુલન્સ દ્વારા સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જો કે બંન્ને ઇજાગ્રસ્તોના પણ સારવાર દરમ્યાન મોત નિપજ્યા હતા.પાંચેયના મૃતદેહોને પાલનપુર સિવિલના પીએમ રૂમ ખાતે રખાયા હતા. ઘટનાને પગલે સ્થળ પર પહોંચેલી પોલીસે મૃતકો પાસેથી મળેલા પુરાવાને આધારે પરીવારનો સંપર્ક કરી જાણ કરતા પરીવારના લોકો પાલનપુર પહોંચ્યા હતા. જે અંગે જ્યોતી પ્રકાશ મોહનલાલ સુથારએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News