બાળકોને ગોંધી રાખવા મામલે નિત્યાનંદ, પ્રાણપ્રિયા-પ્રિયતત્વા સામે ચાર્જશીટ, નિત્યાનંદ સામે બ્લૂ કોર્નર નોટિસ ઈસ્યૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-22 18:05:53
  • Views : 542
  • Modified Date : 2020-01-22 18:05:53

નિત્યાનંદ આશ્રમ કેસ મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસે કોર્ટમાં નિત્યાનંદ, પ્રાણ પ્રિયા અને પ્રિયતત્વા વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આ ત્રણેય આરોપી સામે બાળકોને ગોંધી રાખવા મામલે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ ચાર્જશીટમાં 50 જેટલા સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે. 83 પાનાની આ ચાર્જશીટ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. તેમજ પોલીસની વિનંતિને પગલે ઈન્ટરપોલે નિત્યાનંદ સામે બ્લૂ કોર્નર નોટિસ પણ ઈસ્યૂ કરી છે.

નિત્યાનંદની કોઈ ભાળ મળી નથી
આરોપી નિત્યાનંદની ગ્રામ્ય પોલીસે શોધખોળ કરી હતી, પરંતુ નિત્યાનંદની કોઈ ભાળ મળી આવી નહોતી. નિત્યાનંદ હાલ કયા દેશમાં છે તેની કોઈ ભાળ મળી ન હોવાથી તેની સામે બ્લૂ કોર્નર નોટિસ કાઢવામાં આવી છે, અને CRPC 70 મુજબનું વોરન્ટ કાઢવામાં આવ્યું છે.

કોની સામે બ્લૂ કોર્નર નોટિસ કાઢવામાં આવે છે
આ નોટિસ એવા દેશને આપવામાં આવે છે જ્યાં અપરાધી વ્યક્તિ આશરો લઈ રહ્યો હોવાની શંકા હોય. આ નોટિસ દ્વારા અપરાધી વ્યક્તિ વિશે તેની રોજબરોજની પ્રવૃત્તિ વિશે માહિતી એકઠી કરવામાં આવે છે. આ એક તપાસની નોટિસ છે જેનાથી કોઈ વ્યક્તિ વિશે તપાસ કરવા અથવા ઓળખાણ મેળવવા માટે આપવામાં આવે છે.
પ્રિયતત્ત્વા, આશ્રમ સંચાલિકા
હાથીજણ ખાતેના આશ્રમની સંચાલિકા છે. બે બાળકોના અપહરણ કરી તેમને આશ્રમની બહાર ગોંધી રાખવામાં પ્રિયતત્ત્વાની ભૂમિકા બહાર આવી હતી. બાળકોને ગોંધી રાખ્યા ત્યારે તેની દેખરેખ રાખવાની જવાબદારી પ્રિયતત્ત્વાને સોંપાઈ હતી.

પ્રાણપ્રિયા, આશ્રમ હેડ
નિત્યાનંદના હાથીજણ આશ્રમની મુખ્ય હેડની જવાબદારી પ્રાણપ્રિયાને સોંપાઈ હતી. નિત્યાનંદની સૂચનાથી બાળકોને તેના વાલીને આશ્રમમાં ચાલતી પ્રવૃત્તિઓ વિશે કંઈપણ કહેવાની મનાઇ ફરમાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

શું છે મામલો
આ પહેલા 20 નવેમ્બરના રોજ હાથીજણ પાસે આવેલા નિત્યાનંદ આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા અને પ્રિયતત્ત્વાની ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી હતી. બન્ને પર બાળકોનું અપહરણ કરીને પુષ્પક સિટીમાં ગોંધી રાખ્યાના પુરાવા મળ્યા હતા. આશ્રમમાં બાળકો કામ ન કરે અથવા તેમના વાલીને મળવાનું કહે તો પ્રાણપ્રિયા અને પ્રિયતત્ત્વા તેમને ગુરુદ્રોહ અને કાલભૈરવના શ્રાપની ધમકી આપી ડરાવતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

Download Our B K News Today App



Related News