ધોરણ-૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા પાંચ માર્ચથી શરૂ થશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-01 14:39:03
  • Views : 421
  • Modified Date : 2020-01-01 14:39:03

મોબાઇલ પર પ્રતિબંધ રહેશે ઃ પરીક્ષા ખંડો સીસીટીવીથી સજ્જ હશે ઃ ૨૬ નવા પરીક્ષા કેન્દ્રો પણ બોર્ડ દ્વારા મંજૂરી


માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા સમિતિની આજે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. જે મુજબ, ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા તા.૫ માર્ચથી શરૂ થશે અને તા.૨૧ માર્ચ સુધીમાં પૂર્ણ થઈ જશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાની તારીખો જાહેર થતાંની સાથે જ વિદ્યાર્થીઓ અને વાલીઓ હવે પરીક્ષાની તૈયારીમાં લાગ્યા છે, તો કેટલાક વિદ્યાર્થી અને વાલીઓમાં બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર થતાં સહેજ ચિંતા અને સ્વાભાવિક પરીક્ષાના આંતરિક ડરની લાગણી પ્રસરી હતી. જા કે, સાથે સાથે પરીક્ષાની તારીખોને લઇ કેટલાક વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહ પણ જાવા મળ્યો હતો. આ વર્ષે ગત વર્ષની સરખામણીએ  બોર્ડની પરીક્ષાઓની તારીખ વહેલી જાહેર થઇ છે.  બોર્ડ દ્વારા જાહેર કરાયેલ તારીખો મુજબ, ધોરણ-૧૦ની પરીક્ષા તા.૧૭ માર્ચે જ્યારે ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષા તા.૧૬ માર્ચ સુધી ચાલશે. તેમજ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા તા.૨૧ માર્ચે પૂર્ણ થશે. બોર્ડ પરીક્ષાઓ ગત વર્ષ કરતા ચાલુ વર્ષે વહેલી પૂર્ણ થશે. આ વર્ષે બોર્ડ દ્વારા ધોરણ-૧૦ની પરીક્ષા માટે ૨૯ નવા પરીક્ષા કેન્દ્રોને પણ બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જયારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના ૯ જેટલા નવા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે, બિનસચિવાલયની પરીક્ષામાં થયેલા પેપરલીક કૌભાંડમાં સંડોવાયેલી સ્કૂલોના પરીક્ષા કેન્દ્રો બોર્ડ દ્વારા ઓલરેડી રદ કરી દેવામાં આવ્યા છે. તો, બોર્ડની આગામી પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે પણ બોર્ડ દ્વારા કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં તમામ પરીક્ષા ખંડોને સીસીટીવીથી સજ્જ કરવા ઉપરાંત, મોબાઈલના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્ર પર ઝેરોક્ષ મશીન અને ઈન્ટરનેટનો ઉપયોગ કરવા પર પણ નિયંત્રણ મૂકાયા છે. ખંડ નિરીક્ષકોને પણ પરીક્ષા શરુ થયાના એક કલાક પહેલા હાજર થઈ જવા ઉપરાંત, કોઈની પણ શેહ-શરમ કે દબાણમાં આવ્યા વિના ફરજ બજાવવાની તાકીદ કરાઈ છે.બોર્ડની પરીક્ષા દરમ્યાન કોઇ ગેરરીતિ કે અનિચ્છનીય બનાવ કે ઘટના ના નોંધાય તે માટે પોલીસ અને સુરક્ષા એજન્સીઓનો લોખંડી સલામતી બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવશે.  માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પેપરલીક રોકવા માટે એક ખાસ એપ વિકસાવવામાં આવશે. પેપર જ્યારે સેન્ટર પર પહોંચે ત્યારે તેના ફોટો પાડવાના રહેશે અને સંચાલક, નિરીક્ષક, સરકારી પ્રતિનિધિની હાજરીમાં પેપરનું સીલ તોડવાનું રહેશે.


Download Our B K News Today App



Related News