અંધજનો માટે ઉપયોગી ડિવાઈસ,કોઈપણ વસ્તુ કેમેરા આગળથી પસાર થતાં ટ્રેસ કરી ઈયરફોનથી જાણ કરશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-11 10:58:37
  • Views : 370
  • Modified Date : 2020-03-11 10:58:37

પાલનપુર પોલીટેકનિક કોલેજના વિદ્યાર્થીઓએ અંધજનો માટે મદદરૂપ થઇ શકે એવી સ્માર્ટ કેમેરા ડિવાઇસ બનાવી છે. જે ડિવાઇસ 50 ફૂટ દૂરથી કોણ આવી રહ્યું છે તે કેમેરાથી ઓળખી વોઇસ આઉટપુટ આપશે.જે કોઈપણ વસ્તુ કેમેરા આગળથી પસાર થતાં ટ્રેસ કરી ઈયરફોનથી જાણ થશે. પાલનપુર પોલીટેકનિક કોલેજમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ સતલાસણા તાલુકાના ગોવિંદ દરજી અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા ચડોતર ગામના સાલીમ માણસીયા નામના વિદ્યાર્થીઓએ અંધજનોને કોઇના સહારાની જરૂર ના પડે અને અંધજનો સામેની વસ્તુને ઓળખી શકે તે માટે સ્માર્ટ કેમેરા વિઝન નામની ડિવાઇસ બનાવી છે. જે ડિવાઇસ દ્વારા અંધજનો 50 ફૂટ દૂર રહેલી ચીજને ઇયરફોન દ્વારા સાંભળી શકશે. સ્માર્ટ કેમેરા વિઝન ડિવાઇસ બનાવનાર ગોવિંદ દરજીએ જણાવ્યું હતું કે ‘અમારા ગામમાં 6 જેટલા અંધજનો છે. જેમને રોજીંદા જીવનમાં પડતી અગવડો જોઇ અંધજનોને મદદરૂપ થવાનું વિચાર્યું હતું. જેને લઇ કોલેજના પ્રોફેસરોની મદદથી આ ડિવાઇસ બનાવી છે. આ ડિવાઇસમાં જ્યારે કોઇપણ વસ્તુ કેમેરાની આગળથી પસાર થાય ત્યારે કેમેરા તે વસ્તુને ટ્રેસ કરી ઇયરફોન દ્વારા વોઇસ આઉટપુટ આપે છે. ભવિષ્યમાં વસ્તુઓને ઓળખવાની ક્ષમતા વધારી શકાય તે રીતના સોફટવેરનો ઉપયોગ કરાયો છે. આ ડિવાઇસથી અંધજનોને રસ્તો ઓળંગવા સામેથી આવી રહેલા વાહન, પશુ તેમજ વ્યક્તિને ઓળખવામાં સરળતા રહેશે. ભવિષ્યમાં આ ડિવાઇસનો ઉપયોગ વાહનોમાં પણ થઇ શકશે.’ આ ડિવાઇસને ગુગલ લોકેશન સાથે જોડવાથી અંધજનોને રસ્તો શોધી આપવામાં મદદરૂપ બનશે. ઇયરફોન દ્વારા વ્યક્તિને ક્યાં પહોંચવાનું છે ક્યાં ઉભો છે તે બધી જ માહિતી આ ડિવાઇસ પૂરી પાડશે. ડિવાઇસ બનાવતાં 6 મહિના જેટલો સમય લાગ્યો હતો. જે અંતર્ગત અંધજનોનોને પડતી મુશ્કેલીઓનો સર્વે કરાયો હતો. તેમજ સર્કીટમાં પ્રોગ્રામિંગ ઉમેરવામાં જ 1 મહિનાથી વધુ સમય લાગ્યો હતો. જો કે પ્રોગ્રામીંગ કરવામાં 3 થી 4 વાર નિષ્ફળતાઓ પણ મળી હતી. ડિવાઇસમાં વપરાયેલી પોગ્રામથી 50 ફૂટ દૂરથી ખુરશી, વિમાન, બોટલ, માણસ,ગાય, ઘોડો, બળદ, ઉંટ,વૃક્ષ, ડાયનીંગ ટેબલ, સોફા, બિલાડી, ટીવી સહિતની 70 વસ્તુઓને ઓળખી અંધજનોને ઇટરફોન દ્વારા વોઇસ આઉટ પુટ આપી શકે છે. ‘હાલમાં આ ડિવાઇસ 10 હજારના ખર્ચમાં તૈયાર થઇ છે. જેમાં સર્કિટ પાછળથી 4 હજાર જેટલો ખર્ચ થયો છે પરંતુ ભવિષ્યમાં જાતે સર્કીટ તૈયાર કરી અંધજનોને વ્યાજબી ભાવે મળે તે રીતના પ્રયત્નો કરાશે. ભવિષ્યમાં ડિવાઇસમાં હાઇટેક કેમેરાનો ઉપયોગ કરી 150 ફૂટ દૂર સુધીનું જોઇ શકાય તે રીતે ડિવાઇસને વિકસાવાશે.’

Download Our B K News Today App



Related News