ભાજપ રાજ્ય પ્રજા દુ:ખી: રખડતા ઢોરની સમસ્યા વકરી છતાં શાસકો અને તંત્ર તમાશો જોવે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-24 12:59:22
  • Views : 290
  • Modified Date : 2022-07-24 12:59:22


ભાવનગર મહાનગર માત્ર નામનું જ મહાનગર રહ્યું છે. પરંતુ રૂંધાયેલા વિકાસ અને રખડતા ઢોરને કારણે ભાવનગર ગોકુળીયુ ગામ બની રહ્યું છે. વર્ષોથી રખડતા ઢોરની સમસ્યા ઉકેલવામાં તંત્ર અને શાસકો ઉણા ઉતર્યા છે. તાજેતરમાં બનેલી રાજકીય ઘટનામાં ડબ્બામાં પૂરેલા ઢોરને રસ્તા પર છૂટા મૂકી દેવાયા હતા.


જ્યારે કોર્પોરેશન દ્વારા અખિલેશ સર્કલના ડબ્બામાંથી એરપોર્ટ રોડ પરના ડબ્બામાં ઢોરને ટ્રાન્સફર કરવામાં જ અનેક ઢોર નાસી છૂટયા હતા. જેથી હાલમાં ભાવનગર શહેરના રસ્તા પર જ્યાં જુઓ ત્યાં ઢોર જોવા મળે છે. રસ્તા પર અડિંગો જમાવેલા ઢોર ગંભીર સમસ્યા બની ગઈ છે. ઢોર ડબ્બામાંથી ઢોરને છૂટા મુકાયાની ઘટના બાદ 10 દિવસ થયા છતાં એકપણ ઢોર પકડવામાં આવ્યું નથી. 10 દિવસથી ઢોર પકડવાની કામગીરી બંધ છે.


ભાવનગર શહેર ઢોરવાડો બની ગયો છે. જ્યાં જુઓ ત્યાં રસ્તા પર રખડતા ઢોર અડિંગો જમાવીને બેઠા હોય છે. વાહનચાલકો તો ઢોરની સમસ્યાથી તોબા પોકારી ગયા છે. ઢોરને કારણે નાના મોટા અકસ્માતો રોજબરોજ બનતા રહે છે. છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસા સમયે ઢોરની સમસ્યા અસહ્ય રીતે વકરતી હોવા છતાં તેનો આજ સુધી કોઇ ઉકેલ આવ્યો નથી. રખડતા ઢોરને કારણે અનેક લોકો મોતના મુખમાં પણ ધકેલાઈ ગયા છે છતાં શાસકો કે તંત્રના પેટનું પાણી હલતું નથી.


હાલમાં ભાવનગર શહેરનો એક પણ વિસ્તાર એવો નહીં હોય કે જે વિસ્તારના રોડ પર રખડતા ઢોર ના હોય. થોડા દિવસો પૂર્વે ઢોરના ડબ્બામાં અમુક ઢોર મૃત્યુ પામ્યા બાદ ડબ્બામાંથી ઢોરને છુટા મુકાતા રાજકીય વિવાદ સર્જાયો હતો અને મામલો પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો હતો. અને રસ્તા પર 700 થી વધુ ઢોરનો વધારો થયો હતો.


કોર્પોરેશન દ્વારા બનાવાયેલા અખિલેશ સર્કલ પાસેના ઢોરના ડબ્બામાં ગંદવાડને કારણે ઢોરની હાલત પણ કથળતી હોવાથી અને સાથોસાથ એરપોર્ટ રોડ પર આવેલા ઢોર ડબ્બામાં પરાજુ પાથરી વ્યવસ્થિત કરતા હતા. જેથી અખિલેશ સર્કલના ઢોર ડબ્બામાંથી એરપોર્ટ રોડ પરના ડબ્બામાં ટ્રાન્સફર કરવા માટે વાહનમાં ઢોરને ભરતા તેમાં પણ અનેક ઢોર નાસી છૂટયા હતા. જેથી ભાવનગરના રસ્તા પર જ્યાં જુઓ ત્યાં ઢોર જ નજરે પડે છે.


ઢોર માટે સુવિધા ઉભી કરાય છે
ઢોર ડબ્બામાં કાદવ-કીચડ અને ગોબરને કારણે ઢોરને મુશ્કેલી પડતી હોય છે. જેથી એરપોર્ટ રોડ પરના ઢોર ડબ્બામાં પરાજુ નાખવામાં આવ્યું છે, સેડનું કામ કર્યું હવે ગમાણ બનાવવાની કામગીરી હાથ ધરાશે. ઢોર ડબ્બામાં સુવિધાની કામગીરીને કારણે ઢોર પકડવાનું બંધ હતું. જે હવે ઢોર પકડવાનું શરૂ કરાશે.- એમ.એમ. હિરપરા, વેટરનરી ઓફિસર, મ્યુ. કોર્પો.


 


Download Our B K News Today App



Related News