વડોદરામાં કોરોનાના સાચા આંકડા જાહેર ન કરાતા હોવાનો ભાજપના MLA જીતેન્દ્ર સુખડિયાનો આક્ષેપ, કહ્યું: 'શહેરમાં સ્થિતિ ગભીર છે'

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-18 17:18:46
  • Views : 400
  • Modified Date : 2020-09-18 17:18:46

         વડોદરા શહેરમાં કોરોનાની મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. તંત્ર દ્વારા પ્રતિદિન 120થી 125 સુધીના પોઝિટિવ કેસો બતાવવામાં આવી રહ્યા છે. આ આંકડો છેલ્લા એક માસથી સ્થિર કરી દેવામાં આવ્યો છે. પરંતુ, વાસ્તવિકતા અલગ છે. વડોદરામાં કોરોનાના પોઝિટિવ કેસોનો આંક તો વધારે જ છે. તેની સાથે મૃત્યુઆંક પણ વધારે છે. આજે ખુદ સયાજીગંજ વિધાનસભા મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય અને કોંગ્રેસના કાઉન્સિલરે તંત્ર દ્વારા પોઝિટિવ કેસો અને મૃત્યુઆંકને છૂપાવવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો કર્યાં છે. નોંધનીય છે કે, કોરોનાના મૃત્યુઆંકમાં થયેલા વધારાને પગલે હવે તંત્રને ગેસ ચિતામાં અગ્નિસંસ્કાર કરવાને બદલે લાકડાની ચિતા ઉપર અગ્નિસંસ્કાર કરવાની ફરજ પડી રહી છે.વડોદરા શહેરમાં કોરોનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સયાજી હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ જેવી સરકારી અને ટ્રસ્ટની કોવિડ હોસ્પિટલ સહિત ખાનગી કોવિડ હોસ્પિટલો કોરોના સંક્રમિત દર્દીઓથી ઉભરાઇ રહી છે. સરકારી હોસ્પિટલોમાં પણ કોરોના સંક્રમિત દર્દીઓને હોમ ક્વોરન્ટીન થવાની સલાહ આપવામાં આવી રહી છે. જે સ્પષ્ટ બતાવે છે કે, સરકારી હોસ્પિટલોમાં પણ હવે દર્દીઓ માટે જગ્યા નથી. તેવી જ સ્થિતિ વડોદરાની મોટા ભાગની ખાનગી અને ટ્રસ્ટની કોવિડ હોસ્પિટલોમાં છે. કોરોના સંક્રમિત દર્દીઓને લેવાનો ઇન્કાર કરવામાં આવી રહ્યો છે. વડોદરામાં કોરોના દર્દીઓની સંખ્યામાં પ્રતિદિન વધારો થઇ રહ્યો હોવા છતાં તંત્ર દ્વારા દર્દીઓની સંખ્યામાં અને મૃતકોના આંકડા બતાવવામાં ઢાંકપિછોડો કરવામાં આવી રહ્યો છેસયાજીગંજ વિધાનસભા મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાએ જણાવ્યું હતું કે, વડોદરામાં કોરોનાની સ્થિતિ ગંભીર બની છે. તંત્ર દ્વારા જે આંકડા આપવામાં આવે છે. તે સરકારી હોસ્પિટલોના આપવામાં આવે છે. લોકોમાં ગભરાટ ફેલાય નહીં. તે માટે તંત્ર દ્વારા આંકડા જાહેર કરવામાં આવે છે. મૃત્યુદર પણ ચિંતાજનક વધી રહ્યો છે, પરંતુ, એ વાત ચોક્કસ છે કે, વડોદરામાં કોરોના પોઝિટિવ દર્દીઓ અને કોરોનાનો મૃત્યુ દર વધારે છે. તંત્ર આંકડા છૂપાવતું નથી, પરંતુ, તેઓ લોકોમાં ગભરાટ ફેલાય નહીં, તે રીતે આંકડા આપી રહ્યું છે, પરંતુ, હું ચોક્કસ માનું છે કે, વડોદરામાં કોરોનાની સ્થિતિ ગંભીર છે.કોંગ્રેસના કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ જણાવ્યું હતું કે, વડોદરામાં કોરોનાની સ્થિતિ દિવસે-દિવસે ખરાબ થઇ રહી છે. છેલ્લા કેટલાક સમયથી 100થી 125નો ચોક્કસ આંકડો આપવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં વડોદરામાં પ્રતિદિન 400 જેટલા કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો છે. તંત્ર દ્વારા મૃત્યુઆંક પણ રોજનો 1થી 2 બતાવવામાં આવે છે, પરંતુ, પ્રતિદિન 20થી વધુ કોરોના સંક્રમીત દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. સ્મશાનોમાં કોરોના દર્દીઓના અંતિમ સંસ્કાર માટે જે રીતે વેઇટીંગ ચાલી રહ્યું છે, તે જોતા સ્પષ્ટ છે કે, તંત્ર દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓ અને કોરોનાના કારણે મૃત્યુ પામતા દર્દીઓનો આંકડો છૂપાવવામાં આવી રહ્યો છે..

Download Our B K News Today App



Related News