બનાસકાંઠા જિલ્લામાં ભેળસેળયુક્ત ચીજવસ્તુનું ધૂમ વેચાણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-11 16:54:44
  • Views : 2147
  • Modified Date : 2020-02-11 16:54:44

બનાસકાંઠા જિલ્લામાં ભેળસેળયુક્ત ચીજવસ્તુનું ધૂમ વેચાણ ડીસા

બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં દિનપ્રતિદિન અખાદ્ય ચીજવસ્તુઓનું ધૂમ વેચાણ થઈ રહ્યુ છે. વેપારીઓ નફો કમાવવાની લ્હાયમાં લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યા છે. જોકે તંત્રની પણ ઢીલી નીતિ અને સાંઠગાંઠના કારણે આવા તત્વોને મોકળુ મેદાન મળી જાય છે. જેના કારણે બ્રાન્ડેડ ચીજવસ્તુઓના નામે હલકી ગુણવત્તાવાળી ચીજવસ્તુઓ પધરાવી દઇ લોકોના જીવ સાથે ખીલવાડ થઈ રહ્યો છે.ડીસા અને બનાસકાંઠા જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતમાં દિનપ્રતિદિન અખાદ્ય ચીજવસ્તુઓનો ધૂમ વેચાણ થઈ રહ્યુ છે. સવારે ઉઠીને શરીરમાં તાજગી મેળવવા માટે પીવામાં આવતી ચાથી માંડી પાવડર, સાબુ હોય કે પછી માથામાં નાખવામાં આવતું હેર ઓઇલ હોય, ઘી, તેલ, મરચું, હળદર સહિત તમામ ખાદ્ય સામગ્રીઓમાં પણ ભેળસેળ થઈ રહી છે. વેપારીઓ અને ખાસ કરીને કેટલાંક તત્વો વધુ નફો મેળવવાની લ્હાયમાં લોકોના આરોગ્ય સાથે રીતસર ચેડા કરી રહ્યા છે અને આ વાત સૌ કોઈ જાણે છે. બજારમાં મજુરી કરતા મજુરથી લઈ વેપારીઓ અધિકારીઓ અને નેતાઓ તમામ લોકો આ જાણતા હોવા છતાં પણ ભેળસેળીયા તત્વો પર લગામ કશી શકાતી નથી, તેનું એકમાત્ર કારણ છે અધિકારીઓની ભાગબટાઈ. બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લાં છ મહિનામાં ૨૦૦ થી પણ વધુ જગ્યાએ ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. તેલ, ઘી, મરચું, હળદર, માથામાં નાંખવામાં આવતા તેલના પણ સેમ્પલ લઇ તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ તેમ છતાં પણ આવા લોકો પર કંટ્રોલ કરી શકાતો નથી. ખાવાની કોઇ પણ ચીજ વસ્તુઓમાં ભેળસેળ થતી હોય તો તેના માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની રચના કરવામાં આવી છે. જેનું કામ ખોરાકમાં થતો ભેળસેળ અટકાવવો અને આવા લોકો સામે કડક કાર્યવાહી કરવી .જે માટે બનાસકાંઠામાં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રોજ બરોજ અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવે છે. જેમાં છેલ્લાં છ મહિનામાં જ અંદાજે બસોથી પણ વધુ જગ્યાએ તેલ, ધી, મસાલા અને ખાંડ સહિત અનેક મિલોમાં દરોડા પાડી તેના સેમ્પલ લઈ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ પાલનપુર સબ જેલમાં કેદીઓને પીરસવામાં આવતા ભોજનમાં પણ ભેળસેળ થતું હોવાનું સામે આવ્યું હતું અને ત્યાંથી લેવામાં આવેલ ઘઉં અને હળદરના  સેમ્પલ પણ ફેલ આવતા તેની પણ વધુ તપાસ ચાલી રહી છે. સૌથી વધુ ઘી, તેલ, મરચું અને હળદર જે રોજેરોજ જરૂરિયાત વાળી ખાદ્ય સામગ્રીઓ છે. જેમાં ઘી બનાવવા માટે આવા તત્વો પામ તેલ, વનસ્પતિ ઘી અને  ઘીનું એસન્સ આ ત્રણેયને મિક્સ કરી ઘી બનાવતા હોય છે. જ્યારે તેલમાં સૌથી નીચા ભાવે પામ તેલ હોય છે અને આ પામ તેલમાં જ વિવિધ પ્રકારના એસન્સ ભેળવી ડબ્બાઓ પર સ્ટાન્ડર્ડ લેબલ લગાવી બજારમાં બ્રાન્ડેડ કંપનીના નામે વેચતા હોય છે. જ્યારે મરચાં  અને હળદરમાં પણ હલકી ગુણવત્તાવાળું મરચું કે હળદર લાવી તેમાં કલરનો ઉપયોગ કરી બજારમાં તેનું ખુલ્લેઆમ વેચાણ થતું હોય છે. આવી ભેળસેળ વાળી ચીજવસ્તુઓ જો ખાવામાં આવે તો લોકોના જીવનું જોખમ વધી જાય છે. ખાસ કરીને ખાદ્ય-સામગ્રીમાં વપરાતા કલરવાળી ચીજવસ્તુઓ રોજ ખાવામાં આવે તો શરીરમાં અનેક પ્રકારના કેન્સર થવાની શક્યતાઓ વધી જાય છે. તેના માટે લોકોને ઓણ આવી ભેળસેળ વાળી ખાદ્ય સામગ્રીથી દૂર રહેવા માટે ડોક્ટરો સલાહ આપી રહ્યા છે. ભેળસેળ કરતા આવા તત્વોને ડામવા માટે સરકારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની રચના તો કરી છે. પરંતુ મોટાભાગના અધિકારીઓ ભેળસેળ કરતા તત્વો સાથે ભાગબટાઈ કરતા હોવાના કારણે પણ સમગ્ર ગુજરાતમાં બેફામ અખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ થઈ રહ્યુ છે. તેમજ આવા ભેળસેળ કરતા લોકો પકડાય છે તો કાનૂની પ્રક્રિયામાં પણ છટકબારી હોવાના કારણે આવા તત્વોને કાયદાનો પણ કોઈ ડર રહ્યો નથી. હમણાં સુધી તો મામૂલી દંડની જોગવાઈ હોવાના કારણે ભેળસેળ કરતા વપારીઓ બેરોકટોક અને કોઇપણ પ્રકારના ડર વગર બેફામ આવી ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા હતા. જોકે તેના માટે સરકારે પણ કડક થઈ હજુ પણ વધુ કડક કાયદાઓ બનાવે તો જ આવા લોકોને કંટ્રોલમાં લઈ શકાશે. આમ તો ગ્રાહક બજારનો રાજા ગણાય છે અને ગ્રાહક સાથે કોઈપણ પ્રકારની છેતરપિંડી થાય તો તેની ફરિયાદ કરતા ગ્રાહક અદાલતમાં આવા કેસો ચાલતા હોય છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં આવેલી ગ્રાહક અદાલતમાં છેલ્લાં ત્રણ મહિનાથી એક પણ જજ નથી જેના કારણે અહીં અસંખ્ય કેસોનો ભરાવો થઇ જતા આવા લોકોને મોકળું મેદાન મળી જાય. એટલું જ નહીં પરંતુ જિલ્લાની ગ્રાહક અદાલતોમાં જજની નિમણુંક રાજ્ય કમિશન દ્વારા કરવામાં આવતી હોય છે પરંતુ ગુજરાત રાજ્ય કમિશનમાં પણ છેલ્લાં ચાર મહિનાથી મુખ્ય જજની જગ્યા ખાલી પડી છે. જો ત્યાં જજની નિમણુંક થાય ત્યારબાદ જ જિલ્લા લેવલે આવેલી અદાલતોમાં જજોની નિમણુંક થતી હોય છે. ત્યારે આવી અદાલતોમાં ચાલતા ગ્રાહકો અંગેના કેસો  સમયસર ના ચાલતાઆ  હોવાના કારણે પણ આવા ભેળસેળ કરતાં વેપારીઓમાં હવે કાયદાનો કોઇ પણ પ્રકારનો ડર રહ્યો નથી.



Download Our B K News Today App



Related News