ટ્રેડ ડીલમાં મોડું, અમેરિકન કંપની માટે ભારત કાયદો બદલવાના મૂડમાં નથી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-20 18:29:13
  • Views : 469
  • Modified Date : 2019-10-20 18:29:13

ગયા મહિને હ્યુસ્ટનમાં થયેલા હાઉડી મોદી કાર્યક્રમમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દેખાયેલી કેમિસ્ટ્રી પછી બંને દેશ વચ્ચે નવા વેપાર કરારને લઈને વાતચીત શરૂ થઈ ગઈ છે. ચીન સાથે ટક્કર પછી નવો સાથીદાર શોધી રહેલું અમેરિકાએ ભારત સાથે વેપાર વધારવામાં રસ દાખવ્યો છે અને ભારત પણ હકારાત્મક પ્રતિક્રિયા આપી રહ્યું છે. જોકે, વેપારી કરારોને આખરી તબક્કામાં પહોંચતા થોડી વાર લાગશે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું છે કે, ભારતે અમારા મહત્ત્વના ક્ષેત્રોમાં બજાર ખોલવામાં ખાસ ઉત્સાહ નથી બતાવ્યો, જેવું અમે ઈચ્છતા હતા. ભારત એ કાયદા બદલવા તૈયાર નથી, જેનાથી અમેરિકન કંપનીઓને નુકસાન થાય છે. સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝના અમેરિકા-ભારત પોલિસી રિસર્ચના સભ્ય રિચર્ડ એ. રોસોએ કહ્યું કે, બંને દેશ વચ્ચેના વેપારમાં નુકસાન બહુ છે.
ભારત પેટન્ટ કાયદો બદલવા તૈયાર નથી
રોસોના કહેવા પ્રમાણે, અમેરિકન દવા કંપનીઓનું નિયમન કરવા ભારત પેટન્ટ કાયદામાં ફેરફાર નહીં કરે. આ ઉપરાંત ભારત ના તો ટેરિફ પાછો ખેંચવા તૈયાર છે અને ના તો કૃષિ બજારની પહોંચનું નાટકીય રીતે વિસ્તરણ કરવા. આ ક્ષેત્રોના મેડિકલ ઉપકરણોના મૂલ્ય નિર્ધારણમાં ઉદાર કાર્યપ્રણાલી પર સંમતિ સધાય એવી શક્યતા છે.
અમેરિકા ભારતને ફરીથી જીએસપી છૂટ આપી શકે છે
રોસોના કહેવા પ્રમાણે, અમેરિકા ભારતને જનરલાઈઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સીસ (જીએસપી)નો ફાયદો આપવા વિચાર કરી શકે છે, પરંતુ હાલના સ્ટિલ અને એલ્યુમિનિયમ ટેરિફથી ભારતને બહાર રાખવું મુશ્કેલ છે. કુશળ પ્રોફેશનલ્સ માટે વિઝા નિયંત્રણની નીતિ અને ઓટોમોબાઈલ તથા ઓટો પાર્ટ્સ પર ટેરિફ પાછા લેવા અમેરિકા તૈયાર નથી, જેનાથી ભારતને નુકસાન થઈ શકે છે. અમેરિકા-ભારત સાથે જોડાયેલા અન્ય વેપારી સંગઠનોએ આ મુદ્દે ટિપ્પણીનો ઈનકાર કર્યો છે.

Download Our B K News Today App



Related News