​​​​​​​નેતાઓના સંક્રમણથી સાવધાન! ભીડ લઇને ફરી રહ્યા છે નેતા, કેવી રીતે અટકશે કોરોના?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-04 14:04:50
  • Views : 449
  • Modified Date : 2020-09-04 14:04:50

       રાજ્યના 2 મંત્રીઓ, 18 ધારાસભ્યો, 3 સાંસદો, 1 પૂર્વ મુખ્યમંત્રી,1 મેયર, 1 પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અને 70થી વધારે રાજકીય હોદ્દેદારો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. છતાં રાજકીય નેતાઓ રેલીઓ અને વિરોધ પ્રદર્શનોમાં ભીડ એકત્ર કરી રહ્યા છે.ગુરુવારે 1325 નવા કેસ સાથે જ ગુજરાતમાં કોરોનાના કેસ 1 લાખને પાર થઇ ગયા છે. ગુજરાતમાં કોરોનાનો પહેલો કેસ 163 દિવસ અગાઉ નોંધાયો હતો. જોકે, આ દરમિયાન 80 હજાર દર્દીઓ સાજા પણ થઇ ચૂક્યા છે જ્યારે 3064 દર્દીઓના મોત થયા છે. સારી વાત એ છે કે 4 મહિના અગાઉ ગુજરાત દેશમાં કોરોનાના કેસોમાં બીજા ક્રમે હતું જ્યારે હાલ 11મા ક્રમે છે. ટેસ્ટ પણ વધ્યા છે. 70% ટેસ્ટ ઓગસ્ટમાં જ થયા છે. કદાચ આ કારણથી જ કુલ કેસોમાંથી 67% કેસ છેલ્લા 60 દિવસમાં આવ્યા છે. જો કે રાજ્યમાં કુલ કેસ 1 લાખને પાર થઈ ગયા હોવા છતાં રાજકીય નેતાઓ સોશિયલ ડિસ્ટન્સિંગની ધરાર અવગણના કરીને જાહેર કાર્યક્રમો યોજી રહ્યાં છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અત્યારે ઉત્તર ગુજરાતના પ્રવાસે છે તો કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલ પણ સંખ્યાબંધ લોકોની સાથે કાર્યક્રમ યોજી રહ્યાં છે. બીજી તરફ ગુજરાત ધીમે-ધીમે અનલૉક પણ થઇ રહ્યું છે. હોટલ-રેસ્ટોરન્ટ, દુકાનો ખુલી રહી છે. રાજ્ય સરકારથી માંડીને કેન્દ્ર સરકાર અને ડબલ્યુએચઓ પણ લોકોને નિયમોનું પાલન કરવા, ભીડથી દૂર રહેવા, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા અને માસ્ક પહેરવા અપીલ કરી રહ્યા છે. લોકોને સમજાવાઇ પણ રહ્યા છે અને કડકાઇ સાથે દંડ પણ કરાઇ રહ્યો છે પણ આ બધા વચ્ચે સૌથી મોટી બેદરકારી આપણા નેતાઓ દાખવી રહ્યા છે. ભાજપ હોય કે કોંગ્રેસ, રાજકીય રેલીઓમાં ભીડ એકઠી થઇ રહી છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું કે માસ્ક પહેરવાનું પાલન થતું નથી. આ જ કારણથી છેલ્લા કેટલાક દિવસમાં રાજકીય પક્ષો સાથે જોડાયેલા લોકો કોરોના પોઝિટિવ થયાનું પ્રમાણ બહુ ઝડપથી વધ્યું છે. સવાલ એ છે કે જેમના પર લોકોને જાગૃત કરવાની, તેમને સંભાળવાની જવાબદારી છે તેઓ જ જો આ રીતે બેદરકાર બનશે તો ગુજરાત કોરોના સામેની લડાઇ કેવી રીતે જીતશે?

Download Our B K News Today App



Related News