આકરી ગરમી સહન કરવા રહેજો તૈયાર, 2થી3 ડિગ્રી તાપમાન હજુ વધશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-14 15:46:40
  • Views : 208
  • Modified Date : 2022-04-14 15:46:40

 

ગુજરાતમાં આજથી ફરી વધશે ગરમીનો પ્રકોપ

ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થાય તેવી શકયતા

તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે

રાજ્યભરમાં લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે.  ત્યારે આગામી સમયમાં હજુ પણ ગરમીનો પારો વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  તાપમાનમાં હજુ પણ 2થી 3 ડિગ્રીનો વધારો થઇ શકે છે.

તાપમાન 44ડિગ્રીને પાર થવાની શક્યતા 

 

સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હીટવેવની આગાહી 

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસ બાદ રાજ્યમાં ગરમીનું જોર ફરી વધી શકે છે. 16 એપ્રિલના કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાંથી વિશેષ કરીને બનાસકાંઠામાં કાળઝાળ ગરમીની સંભાવનાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે.  સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની અસર જોવા મળશે. ખાસ કરીને બપોરે લોકો ઘરની બહાર ન નીકળે તેવી અપીલ કરવામાં આવી છે. 

અંગ દઝાડતી ગરમીને કારણે રોગચાળામાં વધારો

એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. જેના લીધે લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. અમદાવાદમાં આકરી ગરમી સાથે જ રોગચાળાના કેસમાં પણ વધારો થયો છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પ્રદૂષિત પાણીને પગલે કમળો, ટાઈફોઈડ અને ઝાડા-ઉલટીના કેસ વધ્યા છે. તો બીજી તરફ હવામાનની હીટવેવની આગાહી પ્રમાણે પડતી ગરમીને કારણે થતી બીમારીઓ પણ વધી. અમદાવાદમાં પેટમાં દુખાવો, ઝાડા-ઉલટી કે છાતીમાં દુખાવો અને ચક્કર આવીને બેભાન થઈ જવા જેવા સંખ્યાબંધ કેસ વધે છે. ઝાડા-ઉલટીકમળો અને ટાઇફોઇડના કેસો શહેરભરમાં નોંધાતા આરોગ્ય વિભાગ દોડતુ થયુ છે.  સિકંજી, ઠંડા પીણા અને પાણીના પ્રદૂષણથી રોગચાળો વકર્યો.
 

 

કાળઝાળ ગરમીમાં પણ પ્રાણીઓને મળી રહે છે પાણી

ઉનાળો આવતા જ ગીર અને જૂનાગઢના જંગલોમાં વાયા-વોકળા સુકાઈ જાય છે. અને જંગલી પ્રાણીઓ માટે પીવાના પાણીની સમસ્યાઓ સર્જાય છે. તેવામાં આ પ્રાણીઓ ગામડાઓ તરફ આગળ આકર્ષિત થાય છે. પરંતુ જંગલના પ્રાણીઓ જંગલમાં જ રહે તે માટે વન વિભાગ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.વન વિભાગે જૂનાગઢના જંગલ વિસ્તારમાં અલગ-અલગ પોઈન્ટ બનાવી ત્યાં પ્રાણીઓ માટે પાણીના કુંડ બનાવ્યા છે. જેમાં સરળતાથી પ્રાણીઓને પાણી પણ મળી રહે છે. 

વન વિભાગ દ્વારા ભરવામાં આવે છે પાણીના કુંડા 

ગીર એટલે કે, એશિયાઈ સિંહોનું ઘર. તેવામાં અહીં ગીરના રાજાને નિહાળવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. અને દરેક લોકોની ઈચ્છા હોય છે કે, તેઓને જંગલમાં સિંહ જોવા મળે. જોકે વન વિભાગની જંગલમાં જળ યોજનાથી સિંહો પણ પર્યટકોને જોવા મળી રહે છે. આ કુંડાઓ અને પાણીના પોઈન્ટ પર વન વિભાગ ખુદ પાણીની વ્યવસ્થા કરે છે. કેટલાક વિસ્તારોમાં ટેન્કર દ્વારા પાણીના કુંડા ભરવામાં આવે છે. તો કેટલાક વિસ્તારોમાં બોરવેલ બનાવી પવન ચક્કીની મદદથી પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. 

 

 

Download Our B K News Today App



Related News