બટાકાની માંગ વધી, દૈનિક 50 થી 60 હજાર કટ્ટાની થતી નિકાસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-17 10:38:36
  • Views : 883
  • Modified Date : 2020-03-17 10:38:36

 પંથકમાં બટાકા કાઢવાની કામગીરી હાલમાં અંતિમ તબક્કામાં તેમજ ચાલુ વર્ષે સારા ભાવ મળતાં ખેડૂતોના મોં પર પણ મુસ્કાન જોવા મળી રહી છે. ડીસા પંથકમાંથી બટાકાના દૈનિક 50 થી 60 હજાર કટ્ટાની નિકાસ થઇ રહી છે.ડીસા સહિત બનાસકાંઠા જીલ્લામાં ચાલુ શિયાળુ સિઝનમાં 62 હજાર હેકટર ઉપરાંત જમીનમાં બટાકાનું વાવેતર થયું હતું. ગત વર્ષની સરખામણીએ હવામાન અનુકૂળ રહેતાં બટાકાનું ઉત્પાદન પણ વિપુલ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. છેલ્લા ચાર વર્ષથી મંદીનો માર સહન કરી રહેલા ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઇ ગયા હતા પરંતુ ચાલુ વર્ષે શરૂઆતથી જ ખેડૂતોને સારો એવો પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોના મોં પર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક મહિના ઉપરાંતના સમયથી ડીસા તેમજ આસપાસના વિસ્તારમાંથી તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ પુના, જોધપુર, હૈદરાબાદ સહિત ગુજરાતના મોરબી, રાજકોટ, સુરત, વાપી, સેલવાસ, અમદાવાદ જેવા શહેરોમાં ડીસાના બટાકાની માંગ વધી રહી છે. આથી દૈનિક 50 થી 60 હજાર કટ્ટાની નિકાસ થઇ રહી છે. જ્યારે અત્યાર સુધીમાં બટાકાના 22 થી 25 લાખ કટ્ટાની નિકાસ થઇ ચૂકી છે. આ ઉપરાંત ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે બટાકાનો ભાવ બમણો મળી રહ્યો છે. ડીસા પંથકમાં બટાકાનું ઉત્પાદન અને ભાવ પણ સારા મળી રહ્યાં છે. ત્યારે ડીસા પંથકમાંથી બટાકાના દૈનિક 50 થી 60 હજાર કટ્ટાની નિકાસ થઇ રહી છે તેમ અગ્રણી વેપારી અને ડીસા કોલ્ડ સ્ટોરેજ એશોશીએશનના પ્રમુખ ગણપતલાલ કચ્છવાએ જણાવ્યું હતું. ડીસાના મુખ્ય માર્કેટયાર્ડમાં બટાકાના દૈનિક ચારથી પાંચ હજાર કટ્ટાનું જાહેર હરાજી દ્વારા વેચાણ થાય છે. જેમાં ગત 12 માર્ચના રોજ સારી ક્વોલિટી મળતાં ખેડૂતને પ્રતિ મણે રૂપિયા 330 જેટલો ઉંચો ભાવ મળ્યો હતો તેમ માર્કેટયાર્ડના ઓક્ષનર કિરણ લોઢાએ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News