તરછોડાયેલી બાળકીને ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ, તીક્ષ્ણ હથિયારના ઘામાં ઇન્ફેક્શન થયાનું તબીબી નિદાનમાં ખુલ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-01 18:01:15
  • Views : 451
  • Modified Date : 2020-03-01 18:01:15

શહેરની ભાગોળે ઠેબચડા નજીકથી તરછોડાયેલી નવજાત બાળકીની હાલત વધુ નાજુક થતાં તેને શનિવારે સાંજે સિવિલ હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાળકીને ઝીંકવામાં આવેલા તીક્ષ્ણ ઘામાં ઇન્ફેક્શન થયાનું તબીબી નિદાનમાં ખુલ્યું હતું.ઠેબચડા ગામની સીમમાંથી ગત બુધવારે ક્રિકેટ રમીને જઇ રહેલા યુવકોને બાળકીના રડવાનો અવાજ સંભળાતા તેમની નજર ગઇ હતી અને એક કૂતરું નવજાત બાળકીને મોંમાં લઇને જતું દેખાયું હતું. યુવકોએ પથ્થરમારો કરી કૂતરાંના મોંમાંથી બાળકીને છોડાવીને રાજકોટ સિવિલ હોસ્પિટલ કેમ્પસની કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં ખસેડી હતી.

પોલીસની 4 ટીમ 4 દિવસ વિત્યા છતાં મહિલાની ભાળ ન મળી

બાળકીની સારવાર કરનાર ડો.જયદીપ ગણાત્રાએ જણાવ્યું હતું કે, બાળકીને કૂતરું ઉઠાવીને જતું હોવાથી બાળકીના શરીર પર ડોગ બાઇટના નિશાન હતા ઉપરાંત બાળકીને શરીર પર તીક્ષ્ણ 20 ઘા પણ જોવા મળ્યા હતા અને બ્લેડ જેવા હથિયારથી તેને ઇજા પહોંચાડી હોવાનું સ્પષ્ટ દેખાયું હતું. સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા શહેર પોલીસ કમિશરન મનોજ અગ્રવાલે પણ ઘટનાને ગંભીરતાથી લઇ તપાસના આદેશ કર્યા હતા, અને બાળકીને કોઇ સંભાળશે નહીં તો પોલીસ તેની સંભાળ લેશે તેવી જાહેરાત કરી હતી તો શુક્રવારે રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન પણ હોસ્પિટલે દોડી ગયા હતા અને બાળકીની સારવારની વિગતો મેળવી બાળકીની યોગ્ય સારવાર કરાવવાની સૂચના આપી હતી.

કલેક્ટરના આદેશ બાદ તાબડતોબ લેવાયેલો નિર્ણય

બાળકીને ઝીંકવામાં આવેલા ઘામાં ઇન્ફેક્શન થઇ જતાં તેની હાલત વધુ નાજુક થઇ ગઇ હતી અને આ સ્થિતિમાં બાળકીને તાકીદે અસરકારક સારવાર મળી રહે તે માટે કલેક્ટર રેમ્યા મોહનની સૂચનાથી શનિવારે સાંજે 4 વાગ્યે બાળકીને શહેરની અમૃતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં ફરીથી બાળકીના તમામ રિપોર્ટ કરવામાં આવ્યા હતા. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, બાળકીને તમામ પ્રકારની સારવાર મળી રહે તે માટે અને બાળકી તાકીદે સ્વસ્થ થાય તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બાળકીને તરછોડનાર ક્રૂર જનેતાની શહેર પોલીસની ચાર ટુકડી તપાસ કરી રહી છે, પરંતુ હજું સુધી તેનો પત્તો લાગ્યો નથી. આજી ડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ ચાવડાએ જણાવ્યું હતું કે, શહેરની આસપાસના તમામ ગામોમાં પ્રસૂતાઓની માહિતી મેળવી તેને ચેક કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી એ ક્રૂર જનેતા સુધી પહોંચવામાં સફળતા મળી નથી.

નવજાત પર 20 ઘા ઝીંકી ખુલ્લામાં મૂકી દેવાઇ હતી

બુધવારે સવારે નવજાત બાળકી મળી આવ્યા બાદ આજી ડેમ પોલીસ ચોકીમાં અજાણી મહિલા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ફૂલ જેવી બાળકી પર અત્યાચાર આચરનાર આ જનેતા સામે રાજ્યભરમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ કમિશનરે ચાર ટીમની રચના કરી તપાસના આદેશ કર્યા હતા. ઘટનાને ચાર દિવસ વીતી જવા છતાં પોલીસ હજુ ઠેરની ઠેર છે. મહિલા સુધી દોરી જતી એક પણ કડી પોલીસને હાથ લાગી નથી. પ્રસૃતિઓની યાદી મેળવવા સિવાય કોઈ નક્કર કાર્યવાહી પોલીસ કરી શકી નથી.

Download Our B K News Today App



Related News