10 વર્ષની ઉંમર સુધી એકપણ વાર વાળ ન કપાવ્યા ને કેન્સરપીડિતો માટે મુંડન કરાવી 31 ઇંચ લાંબા વાળ સુરતી બાળકીએ દાન કરી દીધા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-21 15:57:46
  • Views : 417
  • Modified Date : 2020-09-21 15:57:46

       વાળ સ્ત્રી અને પુરુષ બંનેને ખૂબ વહાલા હોય છે. એમાંય સ્ત્રીઓ તો વાળને તેમની સુંદરતાનો પર્યાય માનતી હોય છે. સ્ત્રીઓ માટે વાળ ઘરેણાં સમાન છે. વાળની સુંદરતાને જાળવી રાખવા માટે દરેક ઉંમરની સ્ત્રીઓ મથામણ કરતી રહેતી હોય છે. વાળ ખરવા લાગે તોપણ યુવતીઓ ચિંતાતુર થઈ જતી હોય છે, એવામાં પોતાના બધા જ વાળ કોઈને દાનમાં આપી દેવા માટે કેટલું મજબૂત મનોબળ જોઈએ એ સમજી શકાય એમ છે. મળીએ, આવી એક સુરતની માત્ર 10 વર્ષની બાળા દેવના જનાર્દનને. તેણે પોતાના 31 ઇંચ લાંબા અને 10 વર્ષમાં એકપણ વાર વાળ ન કપાવેલા, એ વાળ કેન્સરપીડિતો માટે દાન કર્યા છે.સુરતની ફક્ત 10 વર્ષની એક નાની દીકરી દેવના જનાર્દને તેના 31 ઇંચ લાંબા વાળ કપાવીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. દેવનાએ બાળપણથી પોતાના માથાના વાળ પર એકપણ વાર કાતર પણ ફેરવવા દીધી નથી અને આજે તેણે પોતાના વાળ કેન્સરપીડિત મહિલાઓ માટે ડોનેટ કર્યા છે. કિમોથેરપી અને અન્ય રેડિયેશન ટ્રીટમેન્ટથી કેન્સરપીડિતો પોતાના વાળ ગુમાવી દે છે, ત્યારે એવી યુવતીઓ અને મહિલાઓની પડખે ઊભા રહેવા, તેમને કોઈપણ જાતની શરમનો અનુભવ ન થાય એ માટે છેલ્લાં પાંચ વર્ષથી ગુજરાતભરની બહેનો આ અભિયાનમાં જોડાઈને તેમના વાળ વિગ બનાવવા માટે ડોનેટ કરી રહી છેઆજે સુરતની 10 વર્ષની દીકરી દેવના પણ અભિયાનનો જ એક ભાગ બની હતી. આ અભિયાન થકી એ સમાજને સંદેશ આપવા માગે છે કે કોઈપણ દીકરીને તેના લૂકથી જજ કરવાનું બંધ કરો. કેન્સરપીડિતો માટે સામાજિક મેન્ટાલિટી ચેન્જ કરો.બાલ્ડ લૂક આમ પણ એક ટ્રેન્ડ બની ગયો છે. ગુજરાતમાં હજુ બહુ ઓછી યુવતીઓ આગળ આવીને આવી હિંમત દર્શાવે છે, ત્યારે આ 10 વર્ષની બાળકી સૌકોઈ માટે પ્રેરણારૂપ છે. દેવનાએ જણાવ્યું હતું કે આ પહેલીવાર મેં મુંડન કરાવ્યું છે. મેં મારા વાળ એકપણ વાર કટ નથી કરાવ્યા. હું ઈચ્છતી હતી કે સૌથી મોટા વાળ મારા જ હોય, પણ કેન્સરપીડિતો માટે મારા વાળનું દાન કર્યું છે..કેન્સરની બીમારીમાં સપડાયેલા દર્દીઓને કિમોથેરપી દરમિયાન બધા જ વાળ ઊતરી જતા હોય છે. પુરુષોના બાલ્ડ લૂકને સમાજ સહજતાથી સ્વીકારી શકે છે, પરંતુ મહિલાઓ માટે આ સ્થિતિ ખૂબ જ શરમજનક બની જતી હોય છે. કિમોથેરપી બાદ ઘણી મહિલાઓ ઘરની બહાર જવાનું ટાળતી હોય છે અને ક્યારેક જવાનું થાય તો પોતાના માથાને કેપ કે સ્કાર્ફથી ઢાંકી દેતી હોય છે. આવી સ્ત્રીઓ માટે માથાની વિગ આશીર્વાદરૂપ બને છે. એ સાચા વાળમાંથી જ બનાવવામાં આવતી હોવાથી સ્ત્રીના માથા પર બિલકુલ સહજ લાગે છે. અત્યારે દેશભરમાં આ મામલે જાગૃતિ ફેલાઈ રહી છે. અનેક સ્ત્રીઓ પોતાના લાંબા વાળને કપાવીને પોતાના વાળ કેન્સરપીડિતો માટે વિગ બનાવવા દાન કરી રહી છે. એટલું જ નહીં, કેટલીક નિર્ભીક અને દયાળુ મહિલાઓ તો આ માટે પોતાનું મુંડન કરાવતી પણ નથી ખચકાતી.

Download Our B K News Today App



Related News