ચીનનું 1.4 ટ્રીલીયન ડોલરનું વધુ એક રાહત પેકેજ: ભારતને અસર થશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-11-10 18:47:58
  • Views : 172
  • Modified Date : 2024-11-10 18:47:58

અમેરિકામાં પ્રમુખપદે ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ ચીની માલ પર ધરખમ આયાત ડ્યુટીના ખતરા તથા ઘરઆંગણે નબળા પડેલા અર્થતંત્રને ઉગારવા માટે ચીન સરકાર દ્વારા 10 ટ્રીલીયન યુઆન (1.4 ટ્રીલીયન અમેરિકી ડોલર)નું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જો કે, ચીન પર જંગી આર્થિક દબાણ સામે આ પેકેજ અપેક્ષા કરતા ઓછું હોવાનો સૂર નિષ્ણાંતોએ દર્શાવ્યો છે.અમેરિકાની ચૂંટણી પરિણામના બે જ દિવસમાં ચીને આ રાહત પેકેજ જાહેર કર્યું છે. પ્રમુખપદે વિજેતા બનેલા ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમ્યાન ચીનથી આયાત થતાં માલ સામાન પર 60 ટકાની ધરખમ ડ્યુટી નાખવાનું જાહેર કર્યું હતું. સતા સંભાળ્યા બાદ ટ્રમ્પ તેનો અમલ કરે તો તે પૂર્વે જ ચીની કંપનીઓ-વેપારી ઉદ્યોગને થનારી સંભવિત અસરને ધ્યાનમાં રાખીને આ પેકેજને મંજુરી આપવામાં આવી છે. સ્થાનિક સરકારની દેવા મર્યાદા વધારીને 6 ટ્રીલીયન યુઆન (840 અબજ ડોલર) કરી દેવામાં આવી છે.આ કદમનો અર્થ એવો થાય છે કે કુલ પેકેજની 60 ટકા ફાળવણી લોકલ પ્રાંત-સરકારોને દેણાની પુર્નચુકવણીને લક્ષ્‍યમાં રાખીને કરવામાં આવી છે. લોકલ સરકારોનું દેણુ છેલ્લા કેટલાંક વખતથી અસામાન્ય સ્તરે પહોંચ્યું હતું.અર્થશાસ્ત્રીઓના કહેવા પ્રમાણે રાહત પેકેજ અપેક્ષા મુજબનું નથી. લોકો-ગ્રાહકોનો વપરાશી ખર્ચ વધારીને સીધો ફાયદો કરાવતા ખાસ પગલા નથી. ચીનના નાણાં મંત્રીએ જાહેર કર્યું હતું કે સળંગ પાંચ વર્ષ માટે લોકલ સરકારો માટે 800 અબજ યુઆનના ખાસ બોન્ડ દર વર્ષે ઇસ્યુ કરવામાં આવશે અને તેના આધારે 4 ટ્રીલીયન યુઆનથી દેણામાં રાહત મળશે. નવા પેકેજ થકી કુલ 10 ટ્રીલીયન યુઆનની રાહત મળશે.અમેરિકામાં ટ્રમ્પની જીત બાદ રાહત પેકેજની જાહેરાત ઝડપથી કરવામાં આવી હતી. એક જ મહિનામાં બીજુ પેકેજ છે. બેંકોમાં મૂડી ઠાલવતાતથા લોકલ સરકારોને દેણામાં રાહત આપવાનો ઉદેશ છે.નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ચીનના આ પેકેજથી ભારત સહિતના રાષ્ટ્રોને અસર થઇ શકે છે. ભારતીય શેરબજાર તથા કરન્સી માર્કેટ પણ પ્રભાવિત થઇ શકે છે. સતત છ મહિના સુધી આર્થિક નબળાઇ બાદ વિશ્ર્વના બીજા નંબરનું એવું ચીનનું અર્થતંત્ર રિકવર થઇ રહ્યાના સંકેત છે. ચીનમાં સૌથી મોટો ઝાટકો રીઅલ એસ્ટેટ ક્ષેત્રને લાગ્યો હતો. સળંગ ત્રણ વર્ષ સુધી પ્રોપર્ટીની કિંમતમાં વાર્ષિક 10 ટકાના ઘટાડો થઇ રહ્યો હતો.ચીનના નાણાંમંત્રીએ-લોકલ સરકારોના ખાનગી-ગુપ્ત દેણા સામે ચિમકી ઉચ્ચારી હતી અને તે સહન કરવામાં નહીં આવે તેવું સ્પષ્ટ કર્યું હતું. છેલ્લા બે મહિનાથી મહેસુલી આવક વધી રહી છે અને લોકલ ફાઇનાન્સમાં 4 ટ્રીલીયન યુઆનની મદદ મળતા નાણાંકીય સરવૈયા સંતૂલિત રાખવા પર્યાપ્ત સ્ત્રોત છે. જો કે, માંગ પર્યાપ્ત નહીં હોવાથી તથા ટેક્સ આવકમાં ઘટાડાને કારણે ગુપ્ત દેણાનો પડકાર ઉકેલવાનું મુશ્કેલ છે. છતાં નવા માહોલમાં તે તબકકાવાર-ધીમીગતિ શક્ય બની જશે.

 

Download Our B K News Today App



Related News