ગુજરાત બંધનું એલાન : વેપારીઓનું સારું સમર્થન

  • Published By :
  • Published Date : 2022-09-10 11:20:25
  • Views : 305
  • Modified Date : 2022-09-10 11:20:25

કોંગ્રેસ દ્વારા આજે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે.બપોરના 12 વાગ્યા સુધી આંશિક બંધનું એલાન અપાયું છે.કોંગ્રેસના આગેવાનોએ વેપારીઓને અને લોકોને બંધમાં જોડવા અપીલ કરી છે.. ગુજરાત બંધના પગલે કોલેજ બંધ કરાવાઈ છે. અમદાવાદમાં NSUI દ્વારા GLS યુનિવર્સિટીની કોલેજ બંધ કરાવાઈ છે. NSUIના કાર્યકરો દ્વારા શાળા કોલેજ બંધ કરાવવામાં આવી રહી છે. કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડની અટકાયત કરાઈ છે. વિરમગામ પોલીસે અટકાયત કરી છે.

ગુજરાતમાં વર્ષોથી ધાકધમકીનું શાસનઃ જગદીશ ઠાકોર
   ગુજરાત બંધના એલાન અંગે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું કે, વેપારીઓ સારું સમર્થન આપી રહ્યા છે. ભાજપના આગેવાનો વેપારીઓને ધમકાવી રહ્યા છે. દુકાન બંધ રાખશો તો બીજા દિવસે સરકારી હેરાનગતિ માટે તૈયાર રહેજો તેવી ધમકી આપે છે. વેપારીઓને ધમકાવીને બંધને નિષ્ફળ રાખવાનો પ્રયાસ ભાજપ કરે છે. ગુજરાતમાં વર્ષોથી ધાકધમકીનું શાસન ચાલે છે.

મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દાઓ પર બંધનું એલાન
  ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. કોંગ્રેસે પણ વિધાનસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને કોંગ્રેસ કોઈપણ ભોગે સત્તા હાંસલ કરવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે. એમાં હવે કોંગ્રેસ દ્વારા મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે સરકારને ઘેરવા ગુજરાત બંધનું એલાન કરાયું છે, જેને લઇને કોંગ્રેસના કાર્યકર્તાઓએ અગાઉથી વેપારી એસોસિયેશનને મળી વિનંતી કરી હતી. સરકાર દ્વારા હેરાનગતિ, પરેશાની, મોંઘવારી આ બધાથી સમગ્ર ગુજરાતની પૂજા પીડિત હોય, ત્યારે આ પીડિત પ્રજાના પ્રશ્નોને લઈને આ બંધ જાહેરાત કરાઇ છે.

કોંગ્રેસ મોંઘવારીના વિરોધમાં પ્રદર્શન પણ કરશે
  ગાંધીનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આંશિક બંધ રાખવા વેપારી મંડળોને રજૂઆત કરવામાં આવી છે. ઘઉં, દૂધ, દહીં, તેલ, ગોળમાં જીએસટીનો વધારો અને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવવધારાને કારણે સર્જાયેલી આ સ્થિતિના વિરોધમાં આપવામાં આવેલા આ સાંકેતિક બંધને વેપારી મંડળો અને નાગરિકો ટેકો આપે એ માટે કોંગ્રેસ દ્વારા અનુરોધ પણ કરવામાં આવ્યો છે. આજે વિવિધ સ્થળે કોંગ્રેસ મોંઘવારીના વિરોધમાં પ્રદર્શન પણ કરશે.

NSUIના કાર્યકરોની પોલીસે અટકાયત કરી
  NSUIના કાર્યકરોએ સવારથી શહેરમાં સી.યુ. શાહ, સેન્ટ ઝેવિયર્સ, સોમલલિત, એલ.ડી આર્ટ્સ સહિતની કોલેજો બંધ કરાવી હતી. બીજી તરફ શહેરના નરોડા વિસ્તારમાં કોંગ્રેસના પ્રદેશ જગદીશ ઠાકોર કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે બંધ કરાવવા નીકળ્યા હતા. કોલેજો બંધ કરાવી રહેલા NSUIના કાર્યકરોની પોલીસે અટકાયત પણ કરી હતી. હાલમાં કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં બંધ પાળવામાં આવી રહ્યો છે.




Download Our B K News Today App



Related News