આનંદનગર પોલીસ સ્ટેશન S G હાઈવે ખસેડાયું, કોમર્શિયલ કોમ્પલેક્સમાં ધમધમતું ગુજરાતનું સર્વપ્રથમ પોલીસ સ્ટેશન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-22 17:19:33
  • Views : 424
  • Modified Date : 2020-08-22 17:19:33

       છેલ્લા કેટલાય વર્ષથી ત્રણ માળની ભયજનક બિલ્ડિંગમાં ચાલતું આનંદનગર પોલીસ સ્ટેશન હવે એસજી હાઇવે પર ખસેડવામાં આવ્યું છે. એસજી હાઇવે પર ઇસ્કોન એલિગન્સ ટાવરમાં આવેલી એક ઓફિસમાં આખું પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. ગુજરાતનું પહેલું પોલીસ સ્ટેશન છે જે કોમર્શિયલ કોમ્પલેક્સમાં ધમધમી રહ્યું છે. જો કે આખું પોલીસ સ્ટેશન એક બંધ ઓફિસ હોય તેવું બની ગયું છે. નાની ગલીઓમાં થઈ અને એક રૂમમાં પ્રવેશ કરવો પડે છે. બિલ્ડિંગ ભયજનક હોવાથી ભાડાની જગ્યા પર ચાલતું પોલીસ સ્ટેશન ખસેડવું પડ્યું છે.રસપ્રદ છે કે, આનંદનગર પોલીસ સ્ટેશનનું આજદિન સુધી પોતાનું લોકઅપ રહ્યું જ નથી. સૌથી પહેલા શિવરંજની રોડ પર શરૂ કરાયું ત્યારે આનંદનગર પોલીસ સ્ટેશન પાસે પોતાનું લોકઅપ નહોતું. તે સમયે પણ આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં જે ગુનાઓ બને તેના આરોપીઓને ક્યાં તો સેટેલાઈટ પોલીસ સ્ટેશન અથવા તો વસ્ત્રાપુલ કે છેક એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં રાખવા પડતા હતા. હવે ત્યાંના ભયજનક બિલ્ડિંગમાંથી આનંદનગર પોલીસ સ્ટેશન ખસેડાયું તો પણ ખોપચા જેવડી જગ્યા જ તેના નસીબમાં આવી છે. અત્યારે એસજી હાઈવેનો પોશ ગણાતો એરિયા તો મળ્યો, પણ પોલીસ સ્ટેશનના સ્પેસમાં કોઈ ખાસ વધારો થયો નથી. અત્યારે પણ આનંદનગર પોલીસ સ્ટેશનના કેદીઓને સેટેલાઈટ અથવા તો સરખેજ કે પછી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં જ રાખવા પડશે.આનંદનગર પોલીસ સ્ટેશનને જાણે ભાડાની જ બિલ્ડિંગમાં જ ચલાવવા ગુજરાત પોલીસ મજબુર બની છે. એક ત્રણ માળના નાના ભયજનક બિલ્ડિંગમાંથી પોલીસ સ્ટેશન હવે કોર્પોરેટ કોમ્પ્લેક્સમાં આવેલી એક ઓફિસમાં શરૂ કરાયું છે. જો કે પોલીસ કર્મચારીઓને અગવડતા પડી શકે તેવું આ પોલીસ સ્ટેશન છે. જ્યાં એક 10×12ની રૂમમાં એક વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. રૂ. 2.50 લાખના ભાડા પર આ ઓફિસ લઈ પોલીસ સ્ટેશન શરૂ કરાયું છે.આશરે 30 વર્ષ જૂનું આનંદનગર પોલીસ સ્ટેશન ભાડાની જગ્યા પર કાર્યરત હતું. વર્ષોથી ખરાબ હાલતમાં ભયજનક હતું. વરસાદની સિઝનમાં અહીં પાણી ટપકતું હતું અને એવી સ્થિતિમાં પોલીસકર્મીઓએ કામ કરવું પડતું હતું. આનંદનગર પોલીસ સ્ટેશનના પીઆઇ એ.વાય. બલોચે જણાવ્યું હતું કે, જૂનું પોલીસ સ્ટેશન ભયજનક હોવાથી અન્ય જગ્યાએ ખસેડવા માટે દરખાસ્ત મોકલી હતી. જે મંજુર થતાં ઓફિસમાં પોલીસ સ્ટેશન શરૂ કરાયું છે.

Download Our B K News Today App



Related News