દોઢ માસમાં વિદેશથી 263 લોકો વડોદરા આવ્યાં, રાત્રિબજાર-ગલ્લા બંધ રેસ્ટોરન્ટમાં પાર્સલ જ મળશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-21 14:39:22
  • Views : 414
  • Modified Date : 2020-03-21 14:39:22

કોરોનાના ફેલાવાને અટકાવવા વિદેશથી આવતાં યાત્રીઓ પર આરોગ્ય વિભાગ નજર રાખી રહ્યો છે. આ યાત્રીઓને કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ ક્વોરન્ટાઇન કરાય છે. કોરોના  ફેલાયા બાદ 28 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં વિદેશથી કુલ 263 પેસેન્જરો વડોદરામાં આવ્યાં છે. જેમાંથી 20 માર્ચ સુધી 2 કેસ પોઝિટિવ મળ્યા છે. જેમાં સ્પેનથી આવેલા 49 વર્ષિય પુરુષ અને શ્રીલંકાથી આવેલાં 62 વર્ષિય વૃદ્ધાનો સમાવેશ થાય છે. જિ.આરોગ્ય અધિકારી ડો.ઉદય તિલાવટે જણાવ્યું કે, 20 માર્ચ સુધી વડોદરામાં 263 યાત્રિકો સ્પેન, અમેરિકા, યુકે સહિતના દેશોમાંથી આવ્યાં છે. જેનું લિસ્ટ આરોગ્ય અધિકારી પાસે પહેલેથી છે. જેમનું આરોગ્ય કર્મચારીઓ દ્વારા રોજ મોનિટરિંગ કરાઈ રહ્યું છે. 263 યાત્રીઓમાંથી 100 યાત્રીને ઓબ્ઝર્વેશન અને 164 યાત્રીઓને અંડર ઓબ્ઝર્વેશનમાં મૂકાયાં છે. જેમાંથી 16નાં કોરોના વાઇરસનાં સેમ્પલ લેવાયાં છે. જેમાંથી 13 નેગેટિવ છે, 2 પોઝિટિવ આવ્યાં છે અને 1નો રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. શહેરમાંથી કોરોના પોઝિટિવના બે કેસ મળતાં કારેલીબાગ સ્થિત રાત્રિબજાર બંધ કરી દેવાયું છે અને બીજી તરફ હોટલ-રેસ્ટોરન્ટ્સમાં બેસીને ખોરાક ખાવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. શહેરની 78થી વધુ હોટલ-રેસ્ટોરેન્ટમાં ફૂડ વિભાગે 3 દિવસ સુધી ચેકિંગ કર્યું હતું અને 3 રેસ્ટોરેન્ટને સફાઇ ન રાખવા બદલ નોટિસ ફટકારી હતી. રાત્રિબજારમાં પણ ગુરુવારે રાતે ચેકિંગ કરી 21 હજારનો દંડ વસૂલ કરાયો હતો. શુક્રવારે શહેરમાં કોરોનાના બે કેસ મળતાં રાત્રિબજાર બંધ કરવાની સૂચના જારી કરાઈ હતી. તેવી રીતે હોટલ-રેસ્ટોરેન્ટ-કાફેમાં માત્ર ફૂડ પાર્સલ સેવા ચાલુ રાખવા સૂચના અપાઈ છે. આ સિવાય પાન-મસાલા વેચતા ગલ્લા બંધ રાખવાની તાકીદ કરાઈ છે. ગાયકવાડી જમાનાથી ભરાતા શુક્રવારી બજારને પાલિકાએ બંધ કરાવી બે ટ્રક ભરીને સામાન કબજે કર્યો હતો. એટલું જ નહીં, સુરસાગરના તમામ ગેટ પણ બીજી સુચના જારી ના થાય ત્યાં સુધી વિઝિટર્સ માટે બંધ કરાવાયા છે. વ્યક્તિ જો ગંભીર બીમારીનો ભોગ બન્યો હોય અને તે આ બીમારી અન્ય લોકોમાં પ્રસરી શકે છે તેવી જાણકારી ધરાવતો હોવા છતાં બીમારી ફેલાવે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થઇ શકે છે. સિનયર એડવોકેટ કૌશીક ભટ્ટે જણાવ્યું હતું કે, જે વ્યક્તિ પોતે જાણે છે કે, તેને ગંભીર બીમારી છે અને છતાં અન્ય લોકોમાં બીમારી ફેલાવે તો તેની સામે આઇપીસીની કલમ 270 પ્રમાણેનો ગુનો બને છે અને કસુરદારને બે વર્ષ સુધીની સજા થઇ શકે છે. જ્યારે એડવોકેટ હિતેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આઇપીસીની કલમ 269માં કોઇ વ્યક્તિ નિષ્કાળજીપૂર્વક કોઇ બીમારી ફેલાવે અને તે જાણતો હોવા છતાં  આ પ્રકારનું કૃત્ય આચરે અને અન્ય લોકોમાં ઇન્ફેકશન ફેલાવે તો તેવી વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી થઇ શકે છે અને તેમાં છ માસની સજાની જોગવાઇ છે. એપિડેમીક ડિસીઝ એક્ટની કલમ 2માં રાજ્ય સરકારને ગંભીર બીમારી પ્રસરી રહી હોય તે સમયે તેને રોકવા જરૂરી પગલા ભરવાની સત્તા છે. કોરોનાનો ભય વધતાં પાલિકા થર્મલ ગન શોધવા નીકળી છે અને 68ની જરૂરિયાત સામે ચારની ખરીદી કરી છે અને બીજી 15 ટૂંક સમયમાં મળશે તેવો દાવો કરવામાં આવ્યો છે. પાલિકાનાં 34 અર્બન હેલ્થ સેન્ટરો છે જ્યાં રોજનાં આશરે પાંચ હજાર લોકો દવા લેવા આવે છે હાલ કોરોના વાઇરસનો ભય ઊભો થયો છે ત્યારે અર્બન હેલ્થ સેન્ટરમાં તાવ, શરદી, ઉધરસની ફરિયાદ સાથે આવતાં દરદીઓ માટે ટેમ્પરેચર માપવા થર્મલ ગનની જરૂરિયાત ઊભી થતાં પાલિકા દ્વારા તેની ખરીદી શરૂ કરવામાં આવી છે. પાલિકા પાસે હાલમાં બે થર્મલ ગન છે. પાલિકા આવી 68 ગન ખરીદવાની છે. દરેક હેલ્થ સેન્ટરને બબ્બે ગન અપાશે, પરંતુ હાલમાં થર્મલ ગનની ડિમાન્ડ વધી છે અને બજારમાં તેની અછત છે, ગન મળતી જ નથી. જોકે પાલિકા હાલના તબક્કે  15 ગન મેળવી શકવામાં સફળ થયું છે . આ સિવાય બીજી ગન ખરીદવાના પ્રયાસ ચાલુ છે પરંતુ ગનની અછત હોવાથી સહેલાઇથી મળતી નથી. વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, વડોદરામાં કોરોના વાઇરસનો એક કેસ પોઝિટિવ આવ્યો છે. કોરોના વાઇરસ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં ચારથી વધુ એકઠા થવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાવચેતીના ભાગરૂપે શહેરના તમામ શોપિંગ મોલ, શુક્રવારી બજારો બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જન સેવા કેન્દ્રો, તેમજ મહેસુલી કચેરીઓ, સબ રજિસ્ટ્રાર કચેરીઓનું કામકાજ બંધ કરી દેવામાં આવ્યા છે. વડોદરા સહિત ગુજરાતમાં કોરોના વાઇરસના પાંચ કેસ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ થઇ ગયું છે. વડોદરામાં જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર અને સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે ઉચ્ચ અધિકારીઓની તાકીદની બેઠક બોલાવી હતી. બેઠકોમાં કોરોના વાઇરસ અંગે સાવચેતી અંગેના મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. વડોદરામાં તાત્કાલિક અસરથી  કોરોના વાઇરસથી બચવા માટે લોકોએ બીનજરૂરી ઘરની બહાર નીકળવું નહીં જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના વાઇરસથી બચવા માટે લોકોએ બીનજરૂરી ઘરની બહાર નીકળવું નહીં. અને વારંવાર હાથ ધોવા, શરદી-ખાંસીના દર્દીઓથી એક મિટર સુધીનું અંતર રાખવું. કોઇપણ સ્થળે ચારથી વધુ એકઠા થવું નહિં. જે લોકો ચારથી વધુ એકઠા થશે તેઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.આર. પટેલે આર.પી.સી. કલમ-144 તથા ગુજરાત પોલીસ એકટની કલમ-37(4) હેઠળ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. કોરોના વાઈરસને પગલે પૂર્વ લેખિત મંજૂરી વિના વિશાળ સંખ્યામાં લોકો એકઠા થાય તેવા કોઇપણ પ્રકારના કાર્યક્રમો જેવા કે સભા, સરઘસ, સંમેલન, મેળાવડા કે લોકમેળા જેવા પ્રસંગો ન યોજવા માટે જણાવાયુ છે. જીમ, સ્પોર્ટસ કોમ્પલેકસ, સ્વીમિંગ પુલ, ડાન્સ ક્લાસ, ગેઇમ ઝોન, ક્લબ હાઉસ બંધ મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય તેવા મોલ, મલ્ટીપ્લેક્સ, સિનેમા અને નાટ્યગૃહો સહિતના સ્થળો બંધ રખાશે. આ ઉપરાંત જીમ, સ્પોર્ટસ કોમ્પલેકસ, સ્વીમીંગ પુલ, ડાન્સ ક્લાસ, ગેઇમ ઝોન, ક્લબ હાઉસ, વોટર પાર્ક, ઓડિટોરિયમ, એમ્યુઝમેન્ટ પાર્ક, પાર્ટી પ્લોટ, મેરેજ હોલ, લગ્ન વાડી, રિક્રિએશનકલ વગેરે બંધ રાખવામાં આવશે. શૈક્ષણિક સંસ્થાઓ અને ટ્યુશન ક્લાસીસમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવું. ભીડ થતી હોય તેવા હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીના સ્થળો, મીઠાઇ-ફરસાણની દુકાન, ભોજનાલય, તથા તમામ ખાનગી સ્થળોના સંચાલકોએ નોવેલ કોરોના વાઈરસ ફેલાતો અટકાવવા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ જરૂરી હાઇજીનની વ્યવસ્થા કરી પૂરતી તકેદારી રાખવા માટે જણાવવામાં આવ્યું છે. કોઇપણ વ્યક્તિ, સંસ્થા, કોરોના વાયરસ અંગે કોઇપણ પ્રકારની અફવા કોઇપણ પ્રકારના માધ્યમ મારફતે ફેલાવશે તો તેને ગુનો ગણી તેમના વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જો કોઇ મુસાફર જાહેર થયેલી કોરોના વાયરસ પોઝિટિવ વિસ્તાર-દેશમાંથી છેલ્લા 14 દિવસમાં મુસાફરી કરીને આવ્યા હોય તો તેમને નજીકની સરકારી હોસ્પિટલ ખાતે કંટ્રોલરૂમ +૯૧-૧૧-૨૩૯૭૮૦૪ અથવા હેલ્પલાઇન નં.૧૦૪ પર ફરજિયાત જાણકારી આપવી. વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આ આદેશ 31 માર્ચ-2020 સુધી અમલી રહેશે. કોરોના વાઇરસના વકરતા માહોલ વચ્ચે પશ્ચિમ વિસ્તારમાં આવેલી મામલતદાર કચેરીમાં આવકના દાખલ સહિત વિવિધ કામગીરી માટે લાંબી કતારો લાગી હતી. જોકે, વડોદરામાં કોરોના વાઇરસનો પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ તંત્ર દ્વારા જન સેવા કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યા હતા. સરકારી આવાસો મેળવવા માટે ફોર્મ ભરવાની છેલ્લી તા.23 માર્ચ છે, ત્યારે ફોર્મની સાથે આવકનો દાખલો જરૂરી રજૂ કરવો જરૂરી છે. જેથી આવકનો દાખલો મેળવવા માટે સવારથી પશ્ચિમ વિસ્તારમાં આવેલી સબ રજિસ્ટ્રાર કચેરીમાં અરજદારોની લાંબી કતારો લાગી હતી. ઉપરાંત નર્મદા ભુવન જન સેવા કેન્દ્ર ખાતે માં કાર્ડ, રેશન કાર્ડ, આવકનો દાખલો, ઇ-સ્ટેમ્પીંગ સહિતની અન્ય કામ માટે પણ અરજદારોની લાંબી કતારો લાગી હતી.  તેજ રીતે વડોદરા મહાનગરપાલિકાની સરદાર બાગ ખાતે આવેલી જન્મ-મરણ શાખામાં પણ જન્મ-મરણના દાખલા, લગ્ન નોંધણી સહિતની વિવિધ કામગીરી માટે અરજદારોની લાંબી કતારો લાગી હતી. તેવીજ રીતે કુબેરભુવનમાં દસ્તાવેજ, ઇ-સ્ટેમ્પીંગ સહિતની વિવિધ કામગીરી માટે પણ લોકોનો ભારે ધસારો રહ્યો હતો. નોંધનીય બાબત એ હતી કે, સરકારી કચેરીઓમાં વિવિધ કામગીરી માટે અરજદારોનો ધસારો થતો હોવા છતાં, તંત્ર દ્વારા સેનેટાઇઝર જેવી કોઇ સુવિધા ઉભી કરવામાં આવી ન હતી. જોકે, આજે વડોદરા સહિત ગુજરાતમાં કોરોના વાઇરસના પાંચ કેસ પોઝિટિવ સામે આવતા તંત્ર એલર્ટ થઇ ગયું હતું. તત્કાલિક અસરથી ધારા 144 લાગુ કરી દેવામાં આવી હતી. તે સાથે જનસેવા કેન્દ્રો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. ભરૂચમાં કોરોના વાયરસની સ્થિતિ બાબતે કલેકટર ડો.એમ.ડી.મોડિયાએ જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લામાં તમામ ટ્યુશન કલાસ ,જિમ, પાર્ટી પ્લોટ, મેરેજ હોલ બંધ રાખવામાં આવશે અને તંત્રના આદેશ બાદ પણ ચાલુ રહેલા 12 ટ્યુશન ક્લાસ અને 9 જિમ સીલ કરાયા છે. ભરૂચ જિલ્લાની વિવિધ હોસ્પિટલમાં કુલ 455 બેડ તૈયાર રખાયા છે અને તમામ અધિકારીઓને હેડ કવાર્ટર ન છોડવા સૂચના અપાઇ છે.

Download Our B K News Today App



Related News