વરીયાળીની આડમાં અફીણની ખેતી: ખેડૂતની અટકાયત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-13 10:53:50
  • Views : 768
  • Modified Date : 2020-03-13 10:53:50

 થરાદના તાલુકાના કરબૂણમાં વરીયાળીના ખેતર વચ્ચે 5 હજાર છોડ અફીણના વાવી ખેતી કરાઇ રહી હોવાની પોલીસને બાતમી મળતા ગુરુવારે પાક જપ્ત કરી ખેડૂતની અટકાયત કરાઈ છે. થરાદના ખાનપુર, લેડાઉ બાદ કરબૂણ ગામથી અફીણના ડોડાની ખેતી ઝડપાઈ છે. થરાદ તાલુકાના કરબૂણ ગામની સીમમાં આવેલ ખેતરમાં શિયાળુ સિઝનના રવિ પાકમાં વરીયાળીના વાવેતરની આડમાં અફીણ ડોડાના 5 હજાર છોડનું વાવેતર કરાયું હતું. જે મામલાની થરાદ પોલીસને બાતમી મળતાં એસ.ઓ.જી.તેમજ થરાદ પોલીસે ગુરુવારે રેડ કરતા અફીણ ડોડાનું વાવેતર મળી આવ્યુ હતું. મામલાની જાણ પાલનપુર એફએસએલ ટીમને કરવામાં આવી હતી. જે ઘટનાસ્થળે આવી નમૂના એકઠા કરી ખેતર અફીણનું જ હોવાનું પુરવાર કર્યું હતું. જે બાદ જપ્તિની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આમ થરાદના ખાનપુર ગામે 3 માર્ચ-2017 ના વર્ષમાં વરિયાળી-રજકાના વાવેતરની આડસમાં કરેલા અફીણની ખેતી ઝડપી માવજીભાઈ નશાભાઈ પ્રજાપતિ તેમજ 2019 ના વર્ષમાં લેંડાઉ ગામની સીમ ખેતરમાં ઘઉંની આડસમાં કરેલા અફીણ ડોડાનું વાવેતર ઝડપી ધેગાભાઈ કાળાભાઈ પોચલ ઝડપાયા હતા. ત્યારબાદ આ વર્ષે તાલુકામાં ત્રીજી વખત અફીણનું વાવેતર ઝડપાતા પંથકમાં ચકચાર મચી છે. એસઓજી પોલીસે જણાવ્યું હતું કે "અફીણ ડોડા વાવેતરના 5 હજાર છોડ 127.890 કિલોગ્રામ જથ્થો (કિંમત રૂ.12,73,200) ના મુદ્દામાલ સાથે ખેતર માલિક કરશનભાઈ નરસેંગજી ઉર્ફે નશાજી રાઠોડ (રહે.કરબુણ,તા.થરાદ)ને ઝડપી એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં  આવી હતી.

Download Our B K News Today App



Related News