સરકારી અધિકારીઓ-કર્મચારીઓ સામેની ખાતાકીય તપાસ માટે 'ખાસ લોકઅદાલત' જેવું તંત્ર ઊભું કરાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-23 14:07:47
  • Views : 609
  • Modified Date : 2020-09-23 14:07:47

           ગુજરાતમાં સરકારી અધિકારીઓ તેમજ કર્મચારીઓ સામેની ખાતાકીય તપાસની કાર્યવાહીમાં થતા વિલંબને દૂર કરવા અને સ્વબચાવની તક મળે એ માટે સરકારે આવી તપાસના કેસો માટે ખાસ લોકઅદાલત જેવું તંત્ર ઊભું કરવા પ્રક્રિયા શરૂ કરી છે. સામાન્ય રીતે આવા કેસોમાં વિલંબ થતો હોઈ સમય, શક્તિ અને નાણાંનો વ્યય થતો હોય છે, જેના કારણે કર્મચારીઓએ હતાશા અને માનસિક વ્યથા ભોગવવી પડે છે.આ પરિસ્થિતિમાં સરકારી અધિકારી કે કર્મચારી સામે ચાલતી ખાતાકીય તપાસના કેસોના ઝડપી નિકાલ માટે લોકઅદાલત યોજાશે. સામાન્ય વહીવટ વિભાગે કરેલા આદેશ પ્રમાણે ખાતાકીય તપાસના કેસોમાં બન્ને પક્ષોને સ્વીકાર્ય બને એવી લોકઅદાલત જેવી પદ્ધતિનો અમલ શરૂ કરવામાં આવશે. ગુજરાત રાજ્ય સેવા નિયમો પ્રમાણે નાની અથવા મોટી શિક્ષા કરવા માટે તહોમતદાર અધિકારી કે કર્મચારીને આરોપનામું બજાવવામાં આવે છે જેની સામે તેમણે બચાવનામું રજૂ કરવાનું હોય છે. તહોમતદાર બચાવનામું રજૂ કરે એ તબક્કે લોકઅદાલત જેવી પદ્ધતિ હેઠળ ઉચ્ચ કક્ષાની સમિતિ સમક્ષ જવા ઇચ્છતા હોય તો નિયમ નમૂનામાં અરજી કરી શકશે.શિસ્ત અધિકારી કાળજીપૂર્વકની વિચારણાના અંતે વિગતવાર નિર્ણય નોંધીને એક માસમાં સમિતિ સમક્ષ કેસ રજૂ કરશે. દરેક વિભાગ કે ખાતાના વડા સરકારે રચેલી ઉચ્ચ કક્ષાની સમિતિને કેસ સોંપી શકશે. વધુમાં, ફક્ત દસ્તાવેજી પુરાવા પર આધારિત અને કોઈ સાક્ષીની જુબાની લેવાની ન હોય તેવા કેસો ખાતાકીય તપાસના ખાસ અધિકારી કે તપાસ અધિકારીની પેનલ પરના નિવૃત્ત અધિકારી પાસે પડતર હોય જેમાં આખરી બ્રીફ રજૂ કરી ન હોય તો સમિતિ તેવા કેસો આ યોજના હેઠળ વિચારણામાં લઈ શકશે.જોકે જે કેસોમાં સાક્ષીની જુબાની લેવાની હોય તેવા કેસો સાક્ષીની જુબાની શરૂ થતાં પહેલાં સમિતિ વિચારણામાં લઈ શકશે, ત્યાર પછી નહીં લઈ શકે. ખાતાકીય તપાસના ખાસ અધિકારી કે તપાસ અધિકારીની પેનલ પરના નિવૃત્ત અધિકારીને સોંપવામાં આવેલા કેસો વિભાગના સચિવ કે ખાતાના વડા ઉચ્ચ કક્ષાની સમિતિ સમક્ષ રજૂ કરવા પરત મેળવી શકશે, પરંત ખાતાકીય તપાસના ખાસ અધિકારી પેનલ પરના નિવૃત્ત અધિકારીએ જે દિવસે કેસની સુનાવણી રાખી હોય એના બે દિવસ પહેલાં કેસના કાગળો સંબંધિત વિભાગે કે ખાતાના વડાએ તપાસ અધિકારીને અચૂક પરત કરવાના રહેશે.મહત્ત્વની બાબત એવી છે કે સમિતિએ સૂચવેલી શિક્ષા અધિકારી કે કર્મચારીને સ્વીકાર્ય હોય તો એ મતલબની લેખિત સંમતિ તેમની પાસેથી મેળવીને સમિતિ નાની શિક્ષા કરવાના આદેશ આપશે. તપાસનો રેકોર્ડ અને અધિકારી કે કર્મચારીની રજૂઆતો વિચારણામાં લીધા પછી સમિતિને એવો અભિપ્રાય થાય કે સંબંધિત અધિકારી કે કર્મચારીને શિક્ષા કરવાની જરૂર નથી ત્યારે સમિતિ તેમને દોષમુક્ત કરી શકે છે. સમિતિને આરોપ પડતા મૂકવા યોગ્ય જણાય કે તહોમતદારને ચેતવણી આપી પ્રકરણ આખરી કરવા યોગ્ય જણાય તો સમિતિ એ પ્રકારનો નિર્ણય લઈ શકશે. મોટી શિક્ષા અથવા નાની શિક્ષાની કાર્યવાહી માટે આરોપનામું આપવામાં આવ્યું હોય અને સમિતિએ એમાં કાર્યવાહી હાથ ધરી હોય, પરંતુ બન્ને પક્ષો શિક્ષાના પ્રમાણ માટે સંમત ન હોય અથવા સૂચવેલી શિક્ષા અધિકારી કે કર્મચારીને સ્વીકાર્ય ન હોય તો તેવા કેસો એ મુજબની નોંધ સાથે સમિતિ ખાતાકીય તપાસની કાર્યવાહી પૂર્ણ કરવા શિસ્ત અધિકારીને પાછા મોકલશેવિભાગે કરેલા આદેશમાં જણાવાયું છે કે વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓ સામેની ખાતાકીય તપાસના કેસો માટે ખાતાના વડાની સમિતિ રચવાની કાર્યવાહી વહીવટી વિભાગે કરવાની રહેશે. વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓ સામેની ખાતાકીય તપાસના કેસોમાં આવી સમિતિ તહોમતદાર અધિકારીના વહીવટી વિભાગના સચિવ અને અન્ય બે સચિવ એમ કુલ ત્રણ સચિવ કક્ષાના અધિકારીઓની બનાવવામાં આવશે. રાજ્યના વિભાગોની સમિતિમાં સચિવ, અધિક મુખ્ય સચિવ કે અગ્ર સચિવ પણ હોઈ શકે છે તેવી સ્પષ્ટતા આદેશમાં કરવામાં આવી છે. જો કોઈ એક સભ્ય હાજર ન હોય તો મીટિંગમાં બે સભ્યથી પણ કાર્યવાહી ચાલુ રહેશે. ખાતાકીય તપાસના કેસોમાં સમિતિની બેઠક દર મહિનાના પહેલા સપ્તાહમાં યોજવાની રહેશે.વિભાગે એવી સ્પષ્ટતા પણ કરી છે કે લોકઅદાલત જેવી યોજના સ્વૈચ્છિક છે. શિક્ષા અંગે તહોમતદાર અધિકારી કે કર્મચારી અને સમિતિ બન્ને સહમત થતાં હોય તેવા કેસો અંગે સમિતિ કાર્યવાહી કરશે. જ્યાં બન્ને પક્ષ સહમત ન થાય તેવા કેસોમાં તમામ કાર્યવાહી સંબંધિત શિસ્ત અધિકારીએ કરવાની રહેશે. આવા કેસોમાં યોજનાનો લાભ લેવા માટે કેસ પ્રમાણે એક વખત જ અરજી કરી શકાશે.વિભાગના આદેશમાં જણાવાયું છે કે ગંભીર ફોજદારી ગુના સંબંધના એફઆઇઆર થયા પછી પોલીસ તપાસ ચાલતી હોય અને લાંચ લેવાના કેસો હોય તેમજ કોર્ટમાં કેસ ચાલતો હોય તેવા કેસો આ સમિતિ હાથ પર લેશે નહીં. સરકારે કોઈ બાબતે કેસમાં તપાસ પોલીસ કે એન્ટી-કરપ્શન બ્યુરોને સોંપી હોય તેવા કેસો પણ લેવામાં આવશે નહીં. સામાન્યપણે નશાબંધી ધારા હેઠળના કેસો, જુગાર અથવા મોટર વાહન ધારા ભંગ અને મોટર વાહન અકસ્માતના કેસો સહિત ગુણદોષ તપાસીને હાથ પર લઈ શકશે.

Download Our B K News Today App



Related News