અમદાવાદની એક એવી સ્કૂલ છે, જ્યાં દરેક વિષય માટે અલગ-અલગ ક્લાસરૂમ, સ્કૂલના 25માંથી 16 રૂમમાં પ્રોજેક્ટરની વ્યવસ્થા

  • Published By :
  • Published Date : 2020-09-13 17:22:45
  • Views : 335
  • Modified Date : 2020-09-13 17:22:45

       વાલીઓ બાળકના ભાવિના ઘડતર માટે સરકારી શાળા કરતાં ખાનગી સ્કૂલને વધારે પ્રાધાન્ય આપે છે, પરંતુ ગુજરાતમાં અનેક સરકારી સ્કૂલો એવી છે, જ્યાં બાળકોને સારા ભણતરની સાથોસાથ ખાનગી સ્કૂલમાં અપાતી હોય એવી અધ્યતન સુવિધાઓ આપવામાં આવે છે. ગુજરાતની આદર્શ શાળાઓની શ્રેણીમાં આજે અમે અમદાવાદની એક એવી સ્કૂલ અંગે જણાવી રહ્યા છીએ, જ્યાં ખાનગી સ્કૂલ કરતાં પણ સારી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. શહેરના ઇસનપુર વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ઇસનપુર પબ્લિક સ્કૂલને શિક્ષકોએ ડિજિટલ બનાવી દીધી છે. માત્ર એક ક્લિક કરતાં જ સ્કૂલની માહિતી મળી જાય એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. એટલું જ નહીં, આ અમદાવાદની એવી સ્કૂલ છે, જ્યાં વિદ્યાર્થીઓની સરળતા રહે એ માટે અલગ-અલગ વિષય માટે અલગ-અલગ ક્લાસરૂમ બનાવવામાં આવ્યા છે. અહીં બાળકો સ્માર્ટ ક્લાસમાં અભ્યાસ કરે છે. સ્કૂલમાં ધો.1થી 8ના તમામ વિદ્યાર્થીઓને પ્રોજેક્ટર પર અભ્યાસ કરાવવામાં આવે છે.શાળાના પ્રિન્સિપાલ હેમાંગ પંચાલે જણાવ્યું હતું કે 2014માં શાળા શરૂ થઈ ત્યારે ધો.1થી 8માં માત્ર 700 જ વિદ્યાર્થી હતા અને સ્કૂલના શિક્ષકોના પ્રયત્નોના પરિણામે આજે ધીરે ધીરે સંખ્યામાં વધારો થતાં 2219 વિદ્યાર્થી સ્કૂલમાં અભ્યાસ કરે છે. 51 શિક્ષક સ્કૂલમાં ભણાવે છે. કોરોનાની મહામારીમાં સ્કૂલો બંધ છે અને આજે ખાનગી સ્કૂલો એકપણ રૂપિયાની માફી કરવા તૈયાર નથી, ત્યારે ઇસનપુર પબ્લિક સ્કૂલના શિક્ષકો વિદ્યાર્થીઓ માટે જાતે વિડિયો બનાવે છે, ગૂગલ ફોર્મ અને PDF ફાઇલ આખી તૈયાર કરે છે અને વિદ્યાર્થીઓ સુધી એને પહોંચાડે છે તેમ જ અભ્યાસ પણ કરાવે છે.હેમાંગ પંચાલે વધુમાં જણાવ્યું હતું કે અમે સ્કૂલને ડિજિટલાઈઝ કરવાનું નક્કી કર્યું હતું. શાળામાં GR ઓનલાઇન કરી દેવામાં આવ્યો છે. સ્કૂલના વિદ્યાર્થીઓની માહિતી એક સેકન્ડમાં એક ક્લિકમાં મળે છે. ઇસનપુર પબ્લિક સ્કૂલનો બ્લોગ શરૂ કરવામાં આવ્યો છે. શાળામાં થતી તમામ પ્રવૃત્તિઓ બ્લોગ મારફત લોકો સુધી પહોંચાડવામાં આવે છે. ફેસબુક પર સ્કૂલનું અકાઉન્ટ બનાવ્યું છે અને એના મારફત પણ લોકો સુધી જોડાયેલા છીએ. સ્કૂલને સતત બે વર્ષ રાજ્ય સરકાર અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શ્રેષ્ઠ સ્વચ્છ સ્કૂલનો અવૉર્ડ મળી ચૂક્યો છે. સ્કૂલમાં ખૂબ જ સ્વચ્છતા રાખવામાં આવે છે.પ્રિન્સિપાલ હેમાંગ પંચાલ યુવાન ઉત્સાહી અને શિક્ષણપ્રેમી છે. તેમની સાથે વીરાભાઈ પટેલિયા પણ છે. આ શાળા ધોરણ 1થી 8 સુધીનું શિક્ષણ આપે છે. શાળામાં કુલ 51 શિક્ષક છે. શાળામાં આવતા તમામ વાલીઓને હંમેશાં આવકારવામાં આવે છે. દરવાજાની સામે જ કાર્યાલય બનાવાયું છે, જેથી વાલીઓ સીધા માહિતી મેળવીને પ્રિન્સિપાલને મળી શકે છે.

Download Our B K News Today App



Related News