યુવકે 80 હજારમાં લૂંટેરી દુલ્હન સાથે લગ્ન કર્યાં પણ નામ નથી જાણતો, સવારે દુલ્હન ઘરે આવી અને સાંજે નાસી છૂટી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-26 15:08:10
  • Views : 678
  • Modified Date : 2020-02-26 15:08:10

લગ્નવાંછુક યુવકો પાસેથી પૈસા પડાવી લગ્નનું નાટક કરી ઘરમાંથી હાથફેરો કરતી ગેંગનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. રાજકોટના ધનજી મકવાણા નામના યુવકે રૂ.80 હજાર આપી નાસિકની યુવતી સાથે લગ્ન કર્યા હતા પણ તેનું નામ પૂછવાનું ભૂલી ગયો હતો. લગ્ન બાદ સવારે 7 વાગ્યે રાજકોટ આવ્યા બાદ સાંજે 7 વાગ્યે લૂંટેરી દુલ્હન યુવક અને તેના પરિવારજનોને ચકમો આપી દાગીના અને કપડાં લઇ ફરાર થઇ ગઇ હતી. જો કે આશ્ચર્યની વાત તો એ છે કે છેતરપિંડીનો ભોગ બનેલો ધનજી લૂંટેરી દુલ્હનનું નામ જાણતો નથી. યુવકે વચેટીયાને રૂ.5 હજાર આપી લગ્ન નક્કી કર્યા હતા રાજકોટના કુવાડવા રોડ પરના રોહીદાસપરામાં રહેતા અને ટિપરવાનમાં હેલ્પર તરીકે નોકરી કરતાં ધનજીભાઇ હમીરભાઇ મકવાણા (ઉ.વ.35)ની લગ્નની ઉંમર થઇ હતી, દરમિયાન કોઠારિયામાં રહેતો સુરેશ લગ્ન કરાવી દેતો હોવાની જાણ થતાં ધનજીભાઇએ તેનો સંપર્ક કર્યો હતો, સુરેશે નાસિકમાં 80 હજાર આપી લગ્ન કરાવી દેવાની ખાતરી આપી હતી અને તે માટે પોતાના ખર્ચના રૂ.5 હજારની માંગ કરી હતી. ધનજીભાઇએ સુરેશને રૂ.5 હજાર ચૂકવ્યા હતા અને લગ્ન કરવા જવાનું નક્કી થયું હતું. ગત તા.1 ડિસેમ્બરે ધનજીભાઇ, તેના કાકા ચતુરભાઇ, સુરેશ, તેનો બનેવી રમેશ સહિતનાઓ કાર ભાડે કરીને રાજકોટથી નાસિક પહોંચ્યા હતા જ્યાં સુરેશે ગૌશાળાની બિલ્ડિંગમાં એક યુવતી બતાવી હતી, યુવતી અને ધનજીભાઇએ એકબીજાને પસંદ કરતાં લગ્નનું નક્કી થયું હતું અને એ દિવસે જ યુવતી સાથે આવેલી અને દીદી તરીકે ઓળખ આપનાર મહિલાને ધનજીભાઇએ રૂ.80 હજાર આપ્યા હતા. તા.2ના સવારે ગૌશાળામાં જ બંનેની ફૂલહાર કરી લગ્નવિધિ પૂરી કરવામાં આવી હતી. લગ્ન બાદ યુવતી, ધનજીભાઇ અને તેની સાથેના લોકો રાજકોટ આવવા નાસિકથી કારમાં રવાના થયા હતા અને તા.3ના સવારે 7 વાગ્યે રાજકોટના રોહીદાસપરાના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. ધનજીભાઇના માતાએ નવવધૂને પોંખ્યા હતા અને ગૃહપ્રવેશ કરાવ્યો હતો. ઘરે પહોંચતા જ નવવધૂએ પોતે થાકી ગઇ છે તેમ કહી સૂવા જતી રહી હતી અને સાંજે 4 વાગ્યે જાગી હતી. જાગ્યા બાદ યુવતીએ નવા કપડાં લેવાની ઇચ્છા વ્યક્ત કરતા ધનજીભાઇ તેને ગુંદાવાડી માર્કેટે લઇ ગયા અને ત્યાં રૂ.3500ના ત્રણ ડ્રેસ તથા ચપ્પલ ખરીદી આપી બંને પરત પોતાના ઘરે આવ્યા હતા. સાંજે 6 વાગ્યે યુવતીએ ઘૂઘરા ખાવાની ઇચ્છા વ્યક્ત કરતાં ધનજીભાઇ ઘૂઘરા લઇ આવ્યા હતા અને ધનજીભાઇ, તેના નાનાભાઇ તથા યુવતીએ સાથે ઘૂઘરાનો સ્વાદ માણ્યો હતો, ત્યારબાદ સાંજે 7 વાગ્યે પોતાને કપડાં બદલાવવા છે તેમ કહી ધનજીભાઇ અને તેના નાનાભાઇને બહાર જવાનું કહેતા બંને ભાઇઓ બીજા રૂમમાં ગયા હતા. બંને બીજા રૂમમાં જતાં જ યુવતીએ પોતાનો રૂમ અંદરથી બંધ કરી દીધો હતો અને રૂમના બીજા બારણેથી બહાર નીકળી નાસી ગઇ હતી. પાંચ મિનિટ બાદ ધનજીભાઇ રૂમે ગયા હતા અને અનેક વખત ખટખટાવવા છતાં કોઇ પ્રત્યુત્તર નહીં મળતાં તપાસ કરતાં જ પત્ની ગાયબ હતી, નવવધૂ દશેક હજારના દાગીના અને કપડાંનો થેલો લઇને ફરાર થઇ ગઇ હતી. ધનજીભાઇએ પાંચ જ મિનિટ થઇ હોવાથી શેરીમાં દોટ મૂકી હતી, પરંતુ તે નજર નહીં આવતાં રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને ગ્રીનલેન્ડ ચોકડીએ જઇ શોધખોળ કરી પરંતુ પત્ની હાથ આવી નહોતી, ધનજીભાઇ અનેક સ્વપ્ન સાથે પત્નીને સવારે 7 વાગ્યે ઘરે લઇને આવ્યા હતા અને સાંજે 7 વાગ્યે વિશ્વાસઘાત કરી જતી રહેતા તેમની અને પરિવારજનોની હાલત કફોડી બની હતી.

Download Our B K News Today App



Related News