મનપાના સિટી એન્જિનીયર, એડવોકેટ, કમાન્ડો, વિદ્યાર્થીઓ સહિતનાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-18 15:24:35
  • Views : 481
  • Modified Date : 2020-08-18 15:24:35

    પાટનગરમાં વકરી રહેલા કોરોના વાયરસે મહાનગરપાલિકાને ભરડામાં લીધી છે. જેમાં સિટી એન્જિનિયરને કોરોના પોઝિટિવ આવ્યો છે, આ સિવાય પણ ડીએમસી સહિત 7 જેટલા કર્મચારીઓને કોરોના હોવાની ચર્ચા હાલ કોર્પોરેશનમાં ફેલાઈ છે. જોકે તંત્ર દ્વારા સત્તાવાર રીતે કોઈપણ કેસની જાહેરાત ન કરતાં આશ્ચર્ય સર્જાયું છે. ગાંધીનગર મહાનગરપાલિકાના સુત્રોનું માનીએ તો 62 વર્ષીય સિટી ઈજનેરની તબિયત સારી ન હોવાથી તેઓ છેલ્લા અઠવાડિયાથી રજા પર છે. તેઓને કોરોના લક્ષણો હોવા છતાં તેમની સાથે નિયમિત સંપર્ક રહેલાં નાયબ મ્યુનિ. કમિશનર તથા અન્ય અધિકારીઓ અને હોદ્દેદારોએ 15મી ઓગસ્ટની ઉજવણીમાં ભાગ લીધો હતો.સૂત્રોનું માનીએ તો સિટી ઈજનેરનો કોરોના રિપોર્ટ ત્રણ-ચાર દિવસ પહેલાં જ આવી ગયો હતો પરંતુ ઉજવણીની કામગીરી અને ઝાકમઝોળમાં કોઈ અસર ન થાય તે માટે તંત્ર દ્વારા વાત દબાવામાં આવી હતી અને કાર્યક્રમ પૂરો થતાં જ 17 ઓગસ્ટ સત્તાવાર રીતે જાહેરાત કરાઈ હોવાનું કહેવાય છે. બીજી તરફ હાલ કોર્પોરેશનમાં ચાલતી ચર્ચા મુજબ નાયબ મ્યુનિ. કમિશનર પી.સી. દવે, સોલિડ વેસ્ટ મેનેજર, એન્જિનિયરિંગ ટીમનો એક કર્મચારી તથા સ્માર્ટ સિટીના ચાર કર્મચારી કોરોનામાં સપડાયા છે. જોકે મનપા તંત્ર દ્વારા આ મુદ્દે સત્તાવાર કોઈ જાહેરાત કરી નથી. નાયબ મ્યુનિસિપલ કમિશનરના સેમ્પલ રવિવારે સાંજે લેવાયા હોવાની વાત છે અને તેમને કોરોના હોવાની આશંકા હોવાથી તેઓ સોમવારે ઓફિસ આવ્યા ન હતા.મનપા દ્વારા કુડાસણ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપનાર નાયબ મ્યુનિ. કમિશનર સહિત ચાર જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમિત હોવાની વાતથી તે સમયે સંપર્કમાં આવેલા અન્ય કર્મચારીઓ મહાનુભાવોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. મનપાના આ કાર્યક્રમમાં કર્મચારી સહિત 400 જેટલા લોકો જોડાયા હતા. જેને પગલે તંત્રની આ ભૂલ આગામી સમયે મોટો કોરોના વિસ્ફોટ કરે તેવી શક્યતા નકારી શકાતી નથી.

Download Our B K News Today App



Related News