કૌટુંબિક ભાઈએ એકતરફી પ્રેમમાં બહેનના 6 માસના ભાણેજની ગળું દબાવી હત્યા કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-25 10:56:00
  • Views : 762
  • Modified Date : 2020-07-25 10:56:00

 અમીરગઢના બાલુન્દ્રા નજીક કુટુંબમાં ભાઈ થતા પ્રેમી યુવકે યુવતીના 6 મહિનાના પુત્રની ગળું દબાવી હત્યા કરી દીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હત્યા કર્યા બાદ નફ્ફટ પિતરાઈ ભાઈએ "આપણા બન્ને વચ્ચેનો રસ્તો સાફ થઈ ગયો" એમ કહી યુવતીને પતાવી દેવાની ધમકી આપી 19 કલાક સુધી મૃતબાળકને તેની માતા સાથે બાઇક પર ફેરવતો રહ્યો હતો અને પોતાની હત્યાના ડરથી યુવતી પણ યુવક સાથે ફરતી રહી હોવાની કેફિયત યુવતીએ વ્યક્ત કરી હતી. અમીરગઢ પોલીસે અપરણિત યુવકની અટકાયત કરી ગુન્હો નોંધી દીધો હતો. ત્રણ વર્ષ અગાઉ મફીબેનના લગ્ન કિડોતર ગામે રહેતા ત્રિકમાજી સવાજી રબારી સાથે થયા હતા પંદર દિવસ અગાઉ મફીબેન સાસરે કિડોતરથી પોતાના પિયર બાલુન્દ્રા ગામે ગઈ હતી. જેમાં સોમવારે સાસરે કિડોતર જવાનું કહી 6 મહિનાના વિષ્ણુને ઘરેથી લઈને નીકળી હતી ત્યારે રસ્તામાં યુવક શંકર ટીલાજી રબારી (ઉ.24 રહે બાલુન્દ્રા) પોતાનું બાઇક લઈને આવ્યો હતો અને "હું અમીરગઢ બાજુ જાઉ છુ ચાલ તને કિડોતર તારી સાસરીમાં ઉતારી દઈશ તેમ કહી કૌટુંબિક મફીબેનને પોતાની મોટર સાયકલ પર બેસાડીને બાલારામ જંગલની આજુબાજુમાં ફેરવતો રહ્યો. દરમિયાન મોડી સાંજ સુધી મફીબેન પોતાની સાસરીમાં ન પહોંચતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી ત્યાર બાદ શંકરને ઘરે જઈને તપાસ કરતા શંકર ઘરે હાજર નહોતો. ત્યાર બાદ મફીબેનના પિતા કેવાભાઈએ બુધવારે અમીરગઢ પોલીસ મથકે શંકરના વિરુદ્ધમાં અરજી આપી હતી જેના આધારે તપાસ ચાલુ હતી તે દરમિયાન ગુરુવારે અમીરગઢના આંબાપાણી ગોળીયા નજીકથી 6 માસના મૃત પુત્ર સહિત મફીબેન અને શંકર પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. જે મામલે યુવતીના પિતા કેવાભાઈએ અમીરગઢ પોલીસ મથકે છ માસના માસુમ બાળકની હત્યા કરવાના ગુનામાં ફરિયાદ દાખલ કરાવી હતી.આ ચકચારી મામલામાં મફીબેનએ પોલીસને જણાવ્યું હતું કે " સોમવારે શંકર ચારેક વાગે ઇકબાલગઢ મળેલો અને તે અમીરગઢ તરફ જતો હોઇ મને તેની પાછળ બેસાડીને તે બાલારામ ઇકબાલગઢ, સ્વરૂપગંજ લઇ જઈ ગુરુવારે રાત્રીના સાડા દસ વાગ્યાના સમયે બાલુન્દ્રા ગામમાં હું શંકર અને પુત્ર વિષ્ણુ ત્રણેય જણ શંકરના ખેતરમાં બુધવારે રાત્રે રોકાયેલા તે પછી બન્ને જણાએ કલાક જેટલી વાતચિત કરી હતી તે વખતે રાત્રિના આશરે સાડા અગિયાર વાગે શંકરે પુત્ર વિષ્ણુને મારી પાસેથી છીનવી લઇને મારાથી થોડેક દૂર મારી હાજરીમાં જ વિષ્ણુનું ગળું દબાવી મૃત્યુ નીપજાવીને મને પરત આપી આપણા બન્ને વચ્ચેનો રસ્તો સાફ થઇ ગયો છે તું હવે કોઇ પણ પ્રકારની ચિંતા કરીશ નહી હું મારી પાસે તને મારી પત્ની બનાવી રાખવા ઇચ્છું છું. તારે મારી સાથે રહેવું જ પડશે અને તું મારી સાથે નહી રહે તો તારા દીકરાની જેમ તને પણ પતાવી નાંખીશ. જેથી હું ડરી શંકર જેમ કહેતો તેમ હું મરવાના ડરથી કરતી હતી. "દરમીયાન ચકચારી ઘટનાના સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. અમીરગઢની સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે માલધારી સમાજના લોકોના ટોળે ટોળા એકત્રિત થયા હતા. મૃર્તક પુત્રનું અમીરગઢની સામુહિક આરોગ્ય કેન્દ્રમાં PM બાદ મૃતદેહને વાલીવારસોને સોંપ્યો હતો.

Download Our B K News Today App



Related News