દિલ્હીનો સંદીપ નામો બદલીને શહેરમાં 2 વર્ષથી પરપ્રાંતીય યુવતી લાવી સેક્સ રેકેટ ચલાવતો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-04 12:27:01
  • Views : 450
  • Modified Date : 2020-03-04 12:27:01

 શહેરમાં કોલગર્લ એસ્કોર્ટ્સ સર્વિસની વેબસાઇટના માધ્યમથી ચાલી રહેલા આંતરરાજ્ય સેક્સ રેકેટના શહેર એસઓજી પોલીસે કરેલા પર્દાફાશ બાદ પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે પકડાયેલા 6 દલાલો પૈકીનો એક સંદીપ કુમાર પોતાનું નામ બદલીને શહેરમાં બે વર્ષથી બિન્ધાસ્ત બની સેક્સ રેકેટ ચલાવતો હતો. પોલીસે પકડાયેલી 6 કોલગર્લનાં પણ ઊંડાણપૂર્વક નિવેદન લેતાં તેઓ સંદીપ કુમારનો સંપર્ક કરીને વડોદરા આવી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે મુખ્ય દલાલો સંદીપ કુમાર અને ચિરાગ દૂધાતની કોલ ડિટેઇલ મંગાવી હતી. સંદીપ નામ બદલીને ઇન્ટરનેટ પર મોબાઇલ નંબર મૂકતો હતો. શહેર એસઓજી પીઆઇ એમ.આર.સોલંકી અને વી.બી.આલ સહિતની ટીમે હાઇએસ્ટ સ્ટાન્ડર્ડ કોલગર્લ્સ એસ્કોર્ટ્સ સર્વિસ, વડોદરા અને ઓકેલુટ નામની વેબસાઇટના માધ્યમથી ચાલતા સેક્સ રેકેટની બાતમી બાદ ગ્રાહક ઉભો કરીને જૂના પાદરા રોડ પરના આવિષ્કાર કોમ્પ્લેક્સ સ્થિત હોટલ સગુન રેસિડેન્સીમાં તથા અક્ષર ચોક અર્થ કોમ્પ્લેક્સના ફ્લેટમાં દરોડો પાડતાં બંને સ્થળેથી 4 કોલગર્લ અને દલાલો નીતિન દિનેશ વાળા, સંદીપ વિનોદ કુમાર, અર્જુનસીંગ દેવીસીંગ રાજપૂત, ચિરાગ રમેશદૂધાત, સંજય ડાહ્યા ચક્રવર્તી , વિનોદ નાગજી પટેલ ઝડપાયા હતા. તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે દિલ્હીના સંદીપ કુમાર અને ચિરાગના નંબરો કોલગર્લ પાસે રહેતા હતા અને તેઓ સંપર્ક કરે ત્યારે વડોદરા બોલાવી તેમના ખાવા -પીવાની વ્યવસ્થા કરતા હતા. પોલીસે જણાવ્યું હતું કે સંદીપ અને ચિરાગ મોટાભાગની પર પ્રાંતીય યુવતીઓને જ વડોદરા બોલાવતા હતા. બંને પાસે આવતી યુવતીઓ અપરિણીત જ હતી. માત્ર એક જ યુવતી પરિણીત હોવાનું બહાર આવ્યું હતું. કેટલીક યુવતીઓએ મજબુરીમાં તેઓ અહીં આવ્યા હોવાનું પોલીસને જણાવ્યું હતું, જયારે બેથી ત્રણ યુવતીઓએ લકઝયુરીયસ લાઇફ જીવવા અને પૈસા કમાવા વડોદરા આવ્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસે પકડાયેલા 6 દલાલોને અદાલતમાં રજૂ કરી વિવિધ મુદ્દાની તપાસ માટે તેમના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. દલાલો કેટલા સમયથી વડોદરામાં સેક્સ રેકેટ ચલાવતા હતા તથા બેંક ખાતાંઓની તપાસ, કોલગર્લને કેટલા પૈસા મળતા હતા અને દલાલો કેટલું કમાતા હતા તે સહિતના મુદ્દા પર તપાસ શરૂ કરાઇ છે. પોલીસે હોટલ સગુનના સ્ટાફ તથા અક્ષર ચોકમાં આવેલા ફ્લેટના મકાન માલિક સહિતના લોકોનાં નિવેદન લેવાનું પણ શરૂ કર્યું હતું. પોલીસે હોટલ સગુન અને અક્ષર ચોકના અર્થ કોમ્પ્લેક્ષના ફ્લેટમાંથી દલાલોને ઝડપી લીધા બાદ પૂછપરછ કરતાં નીતિને દિલ્હીનો દલાલ અરવિંદ ઉર્ફે પારસ શર્મા સમગ્ર રેકેટ ચલાવતો હોવાનું જણાવી પોલીસ તપાસ અવળા પાટે ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો .જો કે પોલીસે તમામની કડકાઇથી પૂછપરછ કરતાં સંદીપ કુમારે કબૂલ્યું હતું કે તે જ પારસ શર્મા અને અરવિંદ શર્મા નામ ધારણ કરીને શહેરમાં બે વર્ષથી સેક્સ રેકેટ ચલાવતો હતો. સંદીપ કુમાર સામે ગત વર્ષે પણ સયાજીગંજ પોલીસમાં ઇમોરલ ટ્રાફિકનો ગુનો નોંધાયો હતો અને તેમાં તે વોન્ટેડ હતો. સંજય ચક્રવર્તી પણ 2017ના ગુનામાં વોન્ટેડ હતો. પોલીસે દલાલોની ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરી કેટલા અને કયા પ્રકારના ગ્રાહકો તેમનો સંપર્ક કરી કોલગર્લની સર્વિસ મેળવતા હતા તેની તપાસ શરૂ કરી છે. કોલગર્લનો ભાવ 6 હજારથી માંડી 10 હજાર રૂપિયાનો હતો જ્યારે નાઇટનો ચાર્જ 12 હજારથી 15 હજાર હતો. ત્યારે ઉંચો ભાવ પરવડી શકે તેવા વડોદરાના હાઇપ્રોફાઇલ ગ્રાહકો જ એસ્કોર્ટ સર્વિસનો ઉપયોગ કરતા હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે. એસ્કોર્ટ સાઇટ પર સંદીપ અને ચિરાગના નંબરો ઉપલબ્ધ હતા જેથી ગ્રાહકો આ નંબર પર સંપર્ક કરે ત્યાર પછી દલાલો ગ્રાહકોને વોટસએપ કોલ કરીને સંપર્ક કરતા હતા, જેથી વાતચીતનું રેકોર્ડીંગ ના થઇ શકે. આમ છતાં પોલીસે કોલ ડિટેઇલના આધારે બંને દલાલો કોની કોની સાથે સંપર્કમાં હતા તેની તપાસ શરુ કરી હતી.

Download Our B K News Today App



Related News