ડેડીયાપાડામાં જંગલની જમીન ખેડવા મુદ્દે 100 લોકોના ટોળાનો પોલીસ-ફોરેસ્ટ અધિકારીઓ પર હુમલો, 2 પોલીસકર્મી ઇજાગ્રસ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-03 15:04:42
  • Views : 396
  • Modified Date : 2020-09-03 15:04:42

      નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં જંગલની જમીન ખેડવા મુદ્દે બે દિવસ પહેલા શાકવા અને કોલીવાડ(બોગજ) ગામના લોકો વચ્ચે ઝઘડો થયો હતો. જેને પગલે રિઝર્વ ફોરેસ્ટની જમીનમાં કપાસનું વાવેતર ઉખેડવા માટે આજે ફોરેસ્ટ અધિકારી મજૂરો સાથે આવ્યા હતા. આ દરમિયાન 100 લોકોનું ટોળું વિરોધ કરવા ત્યાં આવી પહોંચ્યું હતું. સ્થિતિ વણસી જતા ફોરેસ્ટ અધિકારીએ પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો આવી પહોંચ્યો હતો અને ટોળા માંથી તોફાની તત્વોને પકડીને પોલીસ મથકમાં લવાઇ રહ્યા હતા. ત્યારે ટોળાએ પોલીસ અને ફોરેસ્ટના અધિકારીઓ અને કર્મચારીઓ પર હુમલો કર્યો હતો.ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ખટામ રાઉન્ડની બોર બીટમાં કંપાર્ટમેન્ટ 334 વાળી રિઝર્વ ફોરેસ્ટની જમીનમાં ફુલસિંગ વાગડીયા વસાવા, અમરસિંગ જાતિયા વસાવા, નવજી અમરસિંગ વસાવા તથા નરેશ ગંભીર વસાવાએ(તમામ રહે, શાકવા, ડેડીયાપાડા) ગેરકાયદેસર પ્રવેશ કરીને 28 જુલાઇના રોજ કપાસના 2400 રોપઓ ઉખેડી નાખ્યા હતા. એ જ જમીનમાં કપાસનું નવેસરથી વાવેતર કર્યું હતું. જેથી 2 સપ્ટેમ્બરના રોજ નેતરંગના મદદનિશ સંરક્ષક એ.ડી.ચૌધરી કોલીવાડ(બોગજ) ગામે 30 મજૂરીની મદદથી ઉખેડવા ગયા હતા.દરમિયાન દિનેશ મોહન વસાવા, જીજ્ઞેશ મોહન વસાવા, રામસિંગ દાજીયા વસાવા, ફુલસિંગ મોતિયા વસાવા(તમામ રહે, શાકવા) તથા કોલીવાડ બોગજ ગામના છગન સોનજી વસાવા સહિત અન્ય 100 લોકોનું ટોળું ત્યાં આવી પહોંચ્યું હતું. સ્થિતિ બગડશે એવી ભીતિને પગલે ફોરેસ્ટ અધિકારીએ ડેડીયાપાડા પોલીસને આ મામલે જાણ કરતા પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી. દરમિયાન ટોળાએ ફોરેસ્ટ અને પોલીસ કર્મીઓ સાથે માથાકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે 4-5 તોફાની તત્વોને પકડી પોલીસ વાહનમાં બેસાડવા જતા અન્ય લોકોએ પોલીસ સાથે ઝપાઝપી કરીને એક આરોપીને છોડાવી લઇને પોલીસ પર પથ્થર મારો કર્યો હતો.આ હુમલામાં પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશ ચંદુભાઇ વસાવા તથા હરેન્દ્ર સુખદેવ વસાવાને ઇજા પહોંચી હતી અને પોલીસની ગાડી GJ 22 GA 0187 ને નુકસાન થયું હતું. આ મામલે ડેડીયાપાડા પોલીસે 30થી વધુ લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News