લોકચુકાદો મેળવ્યા બાદ અધવચ્ચે રાજીનામું આપી પક્ષપલટો કરવાની રાજકારણીઓની ફેશન બની

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-22 12:46:17
  • Views : 336
  • Modified Date : 2020-10-22 12:46:17

         ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં આ પ્રકારે રાજ્યસભાની બેઠકો જીતવા માટે જ અંદાજે 15 ધારાસભ્યોનું પક્ષાંતર થયું છે, જેને કારણે પ્રજાના માથે પેટાચૂંટણી આવી પડે છે અને પ્રજાના જ પૈસે ફરી એકવાર રાજકીય પક્ષો ચૂંટણીખર્ચનું ભારણ વધારી રહ્યા છે તથા પેટાચૂંટણીના લોકચુકાદાનો કોઈ અર્થ રહેતો જ નથી. ધીમે ધીમે એ સાબિત થવા લાગ્યું છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ કયારે તેના મતદારોનો દ્રોહ કરશે એ નિશ્ચિત નથી અને તેમ છતાં તે મતદાર સમક્ષ જવાની હિંમત પણ દર્શાવે છે.ગુજરાતમાં 2017ની વિધાનસભાની ચૂંટણી બાદ રાજ્યસભાની ચૂંટણીના કારણે દર વર્ષે પેટાચૂંટણીઓ યોજાઈ રહી છે, ગુજરાત વિધાનસભા ચૂંટણી વર્ષ 2017માં યોજાઈ હતી. એ પછી જુલાઈ 2018માં કુંવરજી બાવળિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાતાં માત્ર એક વર્ષના ગાળામાં જ ડિસેમ્બર 2018માં જસદણ વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ હતી.ફેબ્રુઆરીમાં ઊંઝામાંથી આશા પટેલે રાજીનામું આપ્યું અને માર્ચમાં માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરિયા અને જામનગર (ગ્રામ્ય)ના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ રાજીનામાં આપી દેતાં લોકસભાની સાથે 4 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી યોજાઈ હતી. આ તમામ બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો હતો. જોકે જામનગર (ગ્રામ્ય) બેઠક પર ભાજપે વલ્લભ ધારવિયાને ટિકિટ આપી નહોતી. તેમના બદલે રાઘવજી પટેલને ચૂંટણીજંગમાં ઉતાર્યા હતા, જેમાં રાઘવજી પટેલનો વિજય થયો હતો.જુલાઈ 2019માં ગુજરાતની રાજ્યસભાની બે બેઠકની ચૂંટણીમાં કોંગ્રેસના બે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કર્યા બાદ રાજીનામું આપી દીધું હતું. પરિણામે, કેન્દ્રીય ચૂંટણીપંચે ગુજરાતની વિધાનસભા બેઠકમાંથી રાધનપુર અને બાયડ બેઠક પર ઓક્ટોબર 2019માં પેટાચૂંટણી યોજી હતી. જોકે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કૉંગ્રેસ છોડીને આવેલા 11માંથી સાત ધારાસભ્યોને ટિકિટ આપી હતી, એમાંથી માત્ર બે જ ધારાસભ્ય ચૂંટણી જીતી શક્યા હતા, જેમાં વિરમગામ, જામનગર ગ્રામ્ય, બાલાસિનોર, ઠાસરા અને માણસા બેઠક પર પક્ષપલટુ ધારાસભ્યોની હાર થઈ હતી.

Download Our B K News Today App



Related News