ભરૂચમાં પાણી ઘૂસતા રસ્તાઓ પર હોડીઓ ફરવા લાગી, લોકોમાં ભયનો માહોલ, 30 ગામો અસરગ્રસ્ત, 4977 લોકોનું સ્થળાંતર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-31 15:02:12
  • Views : 365
  • Modified Date : 2020-08-31 15:02:12

     નર્મદા ડેમમાંથી 11 લાખ ક્યૂસેક પાણી છોડાતા ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની જળ સપાટી ભયજનક સપાટી ઉપર વહી રહી છે અને હાલ નર્મદા નદીની સપાટી બપોરે એક વાગ્યા 33 ફૂટે પહોંચી ગઇ છે. જેને પગલે નર્મદા કાંઠે આવેલા ભરૂચ શહેર અને ગામડાઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ભરૂચના ફૂરજા, દાંડિયા બજાર અને ધોળીકુઇ વિસ્તારમાં નર્મદા નદીના પાણી ઘૂસી જતા રસ્તાઓ પર હોડીઓ ફરવા લાગી છે. જેને પગલે ભરૂચવાસીઓ મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે. ભરૂચ જિલ્લા કલેક્ટર ડો.એમ.ડી. મોડિયાએ જણાવ્યું હતું કે, ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયા તાલુકામાંથી અત્યાર સુધીમાં 4977 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 30 ગામો પૂરથી અસરગ્રસ્ત થયા છે, NDRFની 2 ટીમ હાલ કાર્યરત છે અને અધિકારીઓ સતત સ્થિતિ પર મોનિટરિંગ કરી રહ્યા છે. નર્મદા નદીની સપાટી વધવાની સંભાવના હોવાથી નર્મદા નદીના પાણી ભરૂચના ફૂરજા વિસ્તારમાં ઘૂસ્યા બાદ હવે ધોળીકુઇ વિસ્તારની બજારોમાં પણ નર્મદા નદીના પાણી ઘૂસ્યા છે. જેને પગલે રોડ પરની દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. જેથી વેપારીઓ અને સ્થાનિક લોકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે. ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસતા હવે લોકોની મુસીબતમાં વધારો થઇ રહ્યો છે.લોકોને નદી કિનારે ન જવા અપીલ છે. અસરગ્રસ્તો માટે સુવિધા, જમવા અને મેડિકલની સુવિધા ઉભી કરવામાં આવી છે. ખેતીની નુકસાનીનો પણ સર્વે કરવામાં આવશે.નર્મદા નદી કિનારાના વડોદરાના 12, ભરૂચના 21 અને નર્મદા જિલ્લાના 19 મળી કુલ 52 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયા તાલુકાના 30 ગામોના 4977 લોકોને સ્થળાંતરિત કરાયા છે. નર્મદા નદીનું જળ સ્તર હાલ 33 ઉપર પહોંચી ગયું છે.

Download Our B K News Today App



Related News