બનાસકાંઠામાં યુરિયાની કોઈ અછત નથી કૃષિ વિભાગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-06 15:31:43
  • Views : 588
  • Modified Date : 2020-01-06 17:28:50


ઉત્તર ગુજરાતમાં યુરિયાની અછતના સંદર્ભે ગુજરાત રાજ્યના કૃષિ વિભાગે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે હાલમાં મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ અને આણંદના કેટલાંક જગ્યાએ યુરિયા ખાતરની અછતની ફરિયાદો મળી છે. જેનો અર્થ એવો થાય સરકારના ચોપડે બનાસકાંઠાની જરૂરિયાતનો યુરિયાનો જથ્થો ઉપલબ્ધ છે. બનાસકાંઠા જિલ્લામાં રવિ સિઝનનું અંદાજીત ૪ લાખ હેક્ટર જમીનમાં ખેડૂતોએ વિવિધ શિયાળુ પાકોનું વાવેતર કર્યુ છે. નહેરો મારફતે પિયત માટે નર્મદાનું પાણી આપવામાં આવતાં હાલમાં ખેતીપાકોમાં ખેડૂતોએ પિયતનો ધમધમાટ શરૂ કરી દીધો છે. બીજી બાજુ ઘઉં, રાયડો, જીરૂ, બટાટા, રજકો અને શાકભાજીના પાકમાં ખાતરનો છંટકાવ શરૂ કર્યો હોવાથી વિવિધ વિસ્તારોમાં એક સાથે યુરિયા ખાતરની માંગ ઉભી થઇ છે. જેના પગલે સંઘો અને મંડળીઓ પર છેલ્લાં દશ દિવસથી યુરીયા ખાતરની અછત ઉભી થવા પામી છે.  ખેડૂતો યુરિયા ખાતર મેળવવા માટે ડીસા, પાલનપુર, થરાદ સહિતના શહેરોમાં આંટાફેરા મારી રહ્યા છે. પરંતુ તેમને પૂરતો ખાતરનો જથ્થો મળતો નથી. ડીસા પંથકમાં છેલ્લાં દશ દિવસથી યુરીયા ખાતરની અછત ઉભી થવા પામી છે. જેથી યુરિયા ખાતર ના મળતા પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી હતી. ત્યારે આજે ડીસાના રેલવે સ્ટેશન ખાતે ૪૨૦૦૦ યુરિયા ખાતરનાનો જથ્થો ઉતારવામાં આવ્યો હતો. ત્યારે આ અંગે બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારી માધવ ચૌધરીને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે કોઈ પણ જાતના યુરિયા ખાતરના જથ્થાનો સ્ટોક ખૂટયો નથી પરંતુ આગામી સમયમાં ખેડૂતોને કંઈપણ જાતની તકલીફ ન પડે તે માટે આગોતરું ખાતરનું આયોજન કરવામાં આવ્યું છે. તો બીજી તરફ મંડળી અને ખાતરના ડેપો મેનેજરો જણાવી રહ્યા છે કે છેલ્લાં ૧૫ દિવસથી યુરિયા ખાતરની અછત બનાસકાંઠા જિલ્લામાં છે જેના કારણે અમારી મંડળીઓ પર આવતા ખેડૂતોને અમારે ખાતર ન હોવાથી પાછા મુકવા પડે છે અને આ અંગે અમે સરકારમાં પણ રજઆત કરી છે પરંતુ બનાસકાંઠા જિલ્લામાં યુરિયા ખાતર ન આવતા ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. એક તરફ બનાસકાંઠા જિલ્લાના ખેતીવાડી અધિકારી એમ જણાવી રહ્યા છે કે બનાસકાંઠા જિલ્લામાં યુરિયા ખાતરની અછત નથી અને બીજી તરફ મંડળીના સંચાલકો અને ડેપો ચલાવનાર સંચાલકો એમ જણાવી રહ્યા છે કે બનાસકાંઠા જિલ્લામાં યુરિયા ખાતરની અછત છે. સત્ય જે પણ હોય પરંતુ જો ખરેખર યુરિયા ખાતરની અછત ન હોય તો આ બાબતે જો બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા બનાસકાંઠા જિલ્લાની મંડળીઓ અને ડેપો પર યોગ્ય તપાસ કરવી જોઈએ અને ખેડૂતો પાસે જઈ ખાતર ક્યાંથી લાવ્યું અને ક્યાં ભાવ પ્રમાણે લાવ્યું તે તપાસ કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાંથી મોટું કૌભાંડ બહાર આવે તેમ છે. બનાસકાંઠા અછત કૃત્રિમ હોય તો ખેતીવાડી અધિકારીએ કાળા બજાર કરનારની સામે પગલાં ક્યારે ભરશે


Download Our B K News Today App



Related News