કોરોના વાયરસને પગલે બનાસકાંઠા જિલ્લામાં યુરિયા ખાતરની અછત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-18 11:21:13
  • Views : 629
  • Modified Date : 2020-04-18 11:21:13

બનાસકાંઠામાં હાલ પાકને યુરિયા ખાતરની ખુબજ જરૂર છે. ત્યારે લોકડાઉનના કારણે ખાતર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જોકે ક્યાંક ખાતર આવ્યાના સમાચાર મળે તો તરતજ મહિલાઓ સાથે ખેડૂતો કલાકો સુધી લાઇનમાં ઉભા થઇ જાય છે.
બનાસકાંઠામાં ખેડૂતોને ઉનાળુ સિઝનના વાવેતર બાદ હવે પાકને ખાસ યુરિયા ખાતરની જરૂર છે. બનાસકાંઠામાં લોકડાઉનના પગલે ટ્રાન્સપોર્ટ બંધ હોવાના કારણે ખાતરની અછત સર્જાઈ છે. હાલ ખાસ કરીને બાજરી, મગફળી સહિત શાકભાજીમાં યુરિયા ખાતરની જરૂર વધુ
પડતી હોય છે. ત્યારે લોકડાઉનના કારણે રેક આવતી નથી અને હાલ રેલ્વે  અને મજુરો સરકારી અનાજના ગોડાઉનમાં લાગેલ છે. સાથે સરકારી અનાજનો જથ્થો રેલ્વે મારફત રવાના થઈ રહ્યો છે, જેથી રેક ન ભરવાના કારણે અને મજુર ન હોવાના કારણે યુરિયા ખાતર આવી શકતું નથી. જેથી બનાસકાંઠા જિલ્લામાં ખાતરની અછત ઉભી થઇ છે. હાલ જિલ્લામાં કેટલાક
વેપારીઓ પાસે યુરિયા આવે છે. પરંતુ ભાવ વધુ લેવાના કારણે ખેડૂતોને વધુ ભાવ ચુકવવા પડે છે અને ભાવ વધારા મામલે શિહોરી અને દાંતામાં યુરિયાના વેપારી સામે ફરિયાદ પણ નોંધાઈ છે. ત્યારે હાલ જિલ્લાભરના ખેડૂતો જ્યાં યુરિયા ખાતર આવે છે ત્યાં વહેલી સવારે છ વાગ્યાથી લાઈનો કરીને ઉભા થઇ જાય છે. તો ક્યાંક મહિલાઓ પણ ખાતર માટે લાઈનોમાં ઉભી થઇ છે. જોકે ખેડૂતોનું કહેવું છે કે યુરિયા ખાતરની જરૂર છે પણ મળતું નથી. સવારે ૬ વાગે આવીએ ત્યારે માંડ એકાદ બે બોરી મળે છે જેથી ઘરના પરિવારને લાઇનમાં ઉભા રાખવા પડે છે. જોકે જિલ્લાના ખેતીવાડી અધિકારીઓ ખાતર પૂરતું હોવાના ગાણા ગાઈ રહ્યા છે. બનાસકાંઠામાં
પૂરતો ખાતર હોવાનું અને હાલ ૭૬૦૦ ટન સ્ટોક પડેલ હોવાનું જણાવી રહ્યા છે અને ખેડૂતોને ચિંતા કરવાની જરૂર ન હોવાનું કહી રહ્યા છે. સાથે જિલ્લામાં ક્યાંક કાળાબજાર કરતા વેપારી સામે ફરિયાદ પણ નોંધાઈ છે. બનાસકાંઠામાં અધિકારીઓ ભલે પૂરતો ખાતર હોવાની વાતો કરતા હોય પરંતુ હાલ ખરા સમયે જો ખાતર ન મળે તો ખેડૂતના પાકને મોટું નુકસાન થઈ શકે છે. હાલ તો સમગ્ર જિલ્લાના ખેડૂતો યુરિયા માટે સવારે ૬ વાગેથી પરિવાર સાથે લાઈનોમાં ઉભા થઇ જાય છે તેના પરથી સાબિત થાય છે કે યુરિયા ખાતરની અછત છે અને ખેડૂતો ને પાક બચાવવા યુરિયા અતિ જરૂરી છે.

Download Our B K News Today App



Related News