યુવા મોડેલ એસેમ્બલી : આજે ગુજરાતના 182 વિદ્યાર્થીઓ સરકાર ચલાવશે, અમદાવાદનો રોહન રાવલ મુખ્યમંત્રી બન્યો, ગૃહની કાર્યવાહી શરૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-21 11:28:06
  • Views : 195
  • Modified Date : 2022-07-21 11:28:06

યુવા મોડેલ એસેમ્બલી : આજે ગુજરાતના 182 વિદ્યાર્થીઓ સરકાર ચલાવશે, અમદાવાદનો રોહન રાવલ મુખ્યમંત્રી બન્યો, ગૃહની કાર્યવાહી શરૂ

આજની યુવા પેઢી રાજનીતિના પ્રવાહો અને બંધારણની સમજ કેળવીને શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરી શકે તેવા આશયથી આજે ગુજરાત વિધાનસભામાં મોક એસેમ્બલીનું આયોજન કરાયું છે. આજે સવારે 9 વાગ્યે ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ યુવા મોક એસેમ્બલીનો પ્રારંભ કરાવ્યો હતો. આજે વિધાનસભામાં ધારાસભ્યો તરીકે વિદ્યાર્થીઓ બિરાજમાન થશે. સમગ્ર ગુજરાતમાંથી પસંદ કરાયેલા 182 વિદ્યાર્થીઓ જ આજે એક દિવસ પુરતી વિધાનસભા ચલાવશે.વિદ્યાર્થીઓને લોકશાહીની પ્રક્રિયાનો ખ્યાલ આવે એ માટે આ આયોજન કરવામાં આવ્યું છે.પ્રશ્નોત્તરી સાથે ગૃહની કામગીરી શરૂ થઈ

અધ્યક્ષે કહ્યું યુવાધન દેશની પ્રગતિમાં યોગદાન આપે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમનું આયોજન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતની સ્કૂલોના વિદ્યાર્થીઓ આજે મોક એસેમ્બલી રચીને જનપ્રતિનિધિનું દાયિત્વ અદા કરવાનાં છે. ભારત વિશ્વમાં સૌથી વધુ યુવાનો ધરાવતો દેશ છે તેની સાથે સૌથી જુની લોકશાહી ધરાવતો દેશ હોવાનું આપણે ગૌરવ અનુભવીએ છીએ. લોકશાહીમાં મતગાલ એક પાયાનો એકમ છે તો જનપ્રતિનિધિ સૌથી મહત્વનો એકમ છે.વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યએ કહ્યું હતું કે, આજે આજીવન યાદ રહે તેવી ઘડી વિદ્યાર્થીઓ માટે આવી છે. અહીં આવેલા વિદ્યાર્થીઓને હું આવકારું છું.આપણું યુવાધન શક્તિશાળી બને અને દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપે એવા આશયથી હું વિદ્યાર્થીઓનું સ્વાગત કરૂં છું.

વિધાનસભામાં વિદ્યાર્થીઓ જ સરકાર ચલાવશે
વિધાનસભામાં મુખ્યમંત્રી તરીકે અમદાવાદની ઝાયડસ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતા રોહન રાવલની પસંદગી થઈ છે. 6 પ્રકારના ઇન્ટરવ્યૂ આપી મુખ્યમંત્રી તરીકે રોહનની પસંદગી કરવામાં આવી છે.તો વિપક્ષના નેતા તરીકે ગૌતમ દવે નામના વિદ્યાર્થીની પસંદગી થઈ છે.આ તરફ વિધાનસભાના અધ્યક્ષ તરીકે મીશ્રી શાહ નામની વિદ્યાર્થીનીની પસંદગી કરવામાં આવી છે.એક દિવસીય વિધાનસભામાં વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી, વિપક્ષનેતા, વિધાનસભાના અધ્યક્ષની ભૂમિકા ભજવશે.

એક દિવસીય વિધાનસભાનું આયોજન
બીજી તરફ વિધાનસભાના અધ્યક્ષ ડો નીમાબેન આચાર્યએ કહ્યું કે, વિદ્યાર્થીઓને લોકશાહીની પ્રક્રિયાનો ખ્યાલ આવે એ માટે એક દિવસીય વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું છે.સરકાર કેવી રીતે ચાલે, બજેટ કેવી રીતે બને તે મુખ્ય હેતુથી આ આયોજન કરાયું છે.મહત્વનું છે કે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા વિસ્તારમાં યુવા વિધાનસભા કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓના ઈન્ટરવ્યુ કરવામાં આવ્યા હતા. આ ઈન્ટરવ્યુ માટે સ્કૂલ પોસ્ટ સંસ્થા સાથે સંકળાયેલી 3500 જેટલી સ્કૂલનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News