યુવકે ચોરીના ખોટા આરોપમાં બદનામ અને ધરપકડના ડરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી, બે સામે ગુનો નોંધાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-11 12:00:22
  • Views : 592
  • Modified Date : 2020-10-11 12:00:22

   શહેરના દાણીલીમડા વિસ્તારમાં કારખાનામાં નોકરી કરતા યુવક પર ચોરીનો આરોપ મૂકી તેને ચોર તરીકે બદનામ કરવામાં આવતા યુવકે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતા પહેલા યુવકે વીડિયો બનાવ્યો હતો, જેમાં તેના મિત્રોએ તેના પર ચોરીનો આરોપ મૂક્યો હતો અને પોતે આત્મહત્યા કરી સચ્ચાઈ સાબિત કરવા માંગે છે કહ્યું હતું. આ મામલે મૃતકના ભાઈએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં બે યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

   મૂળ રાજસ્થાનના ફરાસપુરાનો રહેવાસી આકાશ તોમર (ઉ.વ.૨૨) દાણીલીમડા સુએઝ ફાર્મ રોડ પર વી.પી એક્ઝિમ નામના વોશિંગના કારખાનામાં નોકરી કરતો હતો અને ત્યાં જ ધાબા પર રહેતો હતો. તેના સાથે હરિઓમ ઉર્ફે ગોલું તોમર અને સંતોષ તોમર નામનો શખ્સ નોકરી કરતા હતા અને તેઓ પણ રાજસ્થાનના જ વતનથી નજીક રહેતા હોવાથી ઓળખતાં હતાં. ૨૦ દિવસ પહેલા બપોરે આકાશે તેના પિતરાઇભાઈને ફોન કરી કહ્યું હતું કે, હરિઓમ અને સંતોષ મારા પર મોબાઈલ ચોરીનો ખોટો આરોપ લગાવી પોલીસમાં ફસાવી દેવાની ધમકી આપે છે. જેથી તેના ભાઈએ પગાર લઇ ઘરે જતા રહેવા કહ્યું હતું. રોતા રોતા તેણે કહ્યું હતું કે, મારા શેઠ હમણાં પગાર નહિ આપે અને મને તું ચોર છે કહી ઝપાઝપી કરી હતી. ચોર ચોર કહી બદનામ કરે છે.

   આ ફોન બાદ બીજા દિવસે આકાશે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તેના પિતરાઇભાઈને જાણ કરવામાં આવતા તેઓએ હોસ્પિટલમાં લાશને પીએમ કરી અંતિમવિધિ કરી હતી. બાદમાં તેના ફોનમાંથી એક વીડિયો મળ્યો હતો જે આત્મહત્યા પહેલા આકાશે બનાવ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે આજના જમાનામાં કોઈ પર ભરોસો ન કરતાં અમદાવાદમાં સંતોષ અને ગોલું મારા મિત્રો સાથે રહેતો હતો. તેમને મારા પર ભરોસો ન હતો. એક વ્યક્તિનો મોબાઈલ ખોવાઈ ગયો હતો. તેમને મારા પર શંકા કરી મારા પર ભરોસો ન કર્યો. મેરે અચ્છે દોસ્ત થે. શેઠની નજરમાં નીચો કરી દીધો. આત્મહત્યા કરી અને સચ્ચાઈ સાબિત કરવા માંગુ છું. આ વીડિયોને આધારે દાણીલીમડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Download Our B K News Today App



Related News