વિશ્વ યોગ દિવસની બનાસકાંઠા જિલ્લામાં ભવ્ય ઉજવણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-22 10:38:17
  • Views : 432
  • Modified Date : 2019-06-22 10:38:17

તા. ૨૧ મી જૂન- વિશ્વ યોગ દિવસની બનાસકાંઠા જિલ્લામાં ભારે હર્ષ અને ઉત્સાહભર્યા માહોલમાં  ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લામાં આશરે ૯.૫૦ લાખ લોકો યોગમાં જોડાયા હતા. સવારે ૬ વાગ્યા પહેલાંથી જ નાગરિકો નક્કી કરેલ સ્થળોએ ઉત્સાહભેર ઉમટી રહ્યા હતા. સવા છ વાગ્યા સુધીમાં તો દરેક સ્થળોએ વિશાળ સંખ્યારમાં લોકો યોગા કરવા પોતાના સ્થળે ગોઠવાઇ ગયા હતા.         
વિશ્વ યોગ દિવસની ઉજવણી પ્રસંગે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત રાજ્ય ઘેંટા અને ઉન વિકાસ નિગમના અધ્યક્ષ ભવાનભાઇ ભરવાડના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે અધ્યક્ષ ભવાનભાઇ ભરવાડે પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્યું  હતું કે
આપણા લોકપ્રિય વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દુનિયામાં સુખ-શાંતિ અને ભાઇચારા માટે વર્ષ-૨૦૧૪માં સંયુકત રાષ્ટ્ર  સમક્ષ ભારતની ભવ્ય યોગ પધ્ધતિનો સ્વીકાર કરવા પ્રસ્તાવ મુક્યો હતો. તેને દુનિયાએ સમર્થન આપી
સ્વીકાર કરતાં આજે સમગ્ર વિશ્વ યોગમય બન્યું  છે. તેમણે કહ્યું કે આજે ભારત સહિત સમગ્ર વિશ્વના દેશોમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તે આપણા માટે આનંદ અને ગૌરવની બાબત છે. અધ્યક્ષે કહ્યું કે  યોગ ભારતે વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે, યોગ મન અને તનની તંદુરસ્તી માટે અનિવાર્ય છે જેનાથી વ્યકિતની કામ કરવાની અને હકારાત્મક વિચારવાની શકિતનો વિકાસ થાય છે. તેમણે જણાવ્યું કે
આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓના દિલ જીતીને બીજીવાર પ્રચંડ બહુમતી સાથે કેન્દ્રમાં સરકાર બનાવી છે. તેમણે ઉમેર્યુ કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપણી ભારતીય સંસ્કૃતિની વિરાસત યોગને વિશ્વમાં પ્રચલીત બનાવ્યો છે. તેમણે કહ્યું કે નિયમિત યોગ કરી તેને આપણા જીવનની પધ્ધતિમાં વણી લઇ તંદુરસ્ત અને નિરોગી જીવન જીવીએ.  
આ પ્રસંગે કલેકટર સંદિપ સાંગલેએ જણાવ્યું કે  તા. ૨૧ જૂન, વિશ્વ યોગ દિવસની બનાસકાંઠા જિલ્લામાં અને સમગ્ર વિશ્વમાં શાનદાર ઉજવણી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લાની શાળાઓ, કોલેજો અને જિલ્લા મથકે મળી
કુલ- ૯.૫૦ લાખ લોકો યોગમાં જોડાયા છે. તેમણે કહ્યું કે નિયમિત યોગ કરી આપણે નિરોગી અને તંદુરસ્ત રહી શકીએ છીએ. કલેકટરે કહ્યું કે નકારાત્મવક વિચારો, ટેન્શન અને મુશ્કેલીઓ દૂર કરવા યોગ-પ્રાણાયામ અકસીર ઉપાય છે.
યોગ દિવસની ઉજવણી પ્રસંગે પાલનપુર નગરપાલિકાના પ્રમુખ અશોકભાઇ ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી બી. એ. શાહ, અગ્રણીઓ સર્વ  હિતેષભાઇ ચૌધરી, ગિરીશભાઇ જગાણીયા,  હરેશભાઇ ચૌધરી,  ગૌરાંગભાઇ પાધ્યા, નિવાસી અધિક કલેકટર એલ. બી. બાંભણીયા સહિત અધિકારીઓ, અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં લોકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News