કેરળમાં દેશમાં નારી આરોગ્ય અહીં સૌથી સારું કારણ કે, સામાજિક તાણાવાણામાં મહિલા સ્વાસ્થ્ય મહત્ત્વનું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-08 12:35:16
  • Views : 200
  • Modified Date : 2021-03-08 12:35:16

    ભારતમાં કોરોના વાઈરસનો પહેલો કેસ કેરળમાં નોંધાયો હતો. એ વખતે દેશમાં પહેલા આઈસોલેશન વૉર્ડ્સમાંથી એકમાં વૃદ્ધ કોરોના દર્દીઓની સેવા કરનારી અને પછી પોતે જ કોરોનાની ચપેટમાં આવેલી નર્સ રેશમા મોહનદાસ આજે અહીં મહામારીની બીજા લહેરમાં પણ ફ્રન્ટલાઈન પર ફરજ બજાવે છે. રેશમા અને તેમના જેવી લાખો નર્સ કેરળનો એ ચહેરો છે, જેને સામાન્ય રીતે લોકો રાજ્યના ઉત્તમ આરોગ્ય માળખાનું કારણ માને છે. પરંતુ રાજ્યની સ્વસ્થ તસવીર અને ખાસ કરીને અહીંની મહિલાઓના ઉત્તમ આરોગ્યના મૂળિયા ખૂબ જ ઊંડા છે.

    પબ્લિક હેલ્થ નિષ્ણાત ડૉ. એસ.એસ. લાલ કહે છે કે, કેરળમાં મહિલાઓના સારા આરોગ્યનો શ્રેય તમામ રાજકીય પક્ષોને મળવો જોઈએ. તેનું અસલી કારણ અહીંનું સામાજિક આંદોલન પણ છે. અહીંના સમાજ અને ખાસ કરીને મહિલાઓ આરોગ્ય સુધારા પ્રત્યે સજાગ છે. આજે પણ પરિવારમાં દાદીઓ જ બધાના આરોગ્યનો ખ્યાલ રાખે છે. તેમની મદદ માટે અંતરિયાળ વિસ્તારો સુધી ફેલાયેલા પબ્લિક હેલ્થના તાણાવાણા છે, જેમાં 6 હજાર ડૉક્ટરો સહિત 15 હજાર હેલ્થ વર્કર છે. મદ્રાસ પ્રેસિડેન્સીનો હિસ્સો રહેલા ત્રાવણકોર, કોચી અને કોઝિકોડ રજવાડાનું એકીકરણ કરીને કેરળ બન્યું છે. એ કાળથી અહીંના સામાજિક તાણાવાણા મહિલા આરોગ્યનો મહત્ત્વનો હિસ્સો છે.

    1950ના દસકામાં કેરળ પહેલું રાજ્ય બન્યું હતું, જે બનતાની સાથે જ પરિવાર નિયોજન કાર્યક્રમ ગંભીરતાથી લાગુ કરાયો. 1950થી 1961 વચ્ચે નાનકડા રાજ્યમાં 70 પરિવાર નિયોજન કેન્દ્ર ખૂલી ચૂક્યા હતા અને તેમાંથી 53માં નસબંધીની સુવિધા પણ હતી. 1970થી 1973 વચ્ચે અહીં મહિલાઓએ પોતે આગળ આવીને સામૂહિક નસબંધી કેમ્પોમાં ભાગ લીધો. આજે સંતાનોની સંખ્યા અને પહેલા પ્રસવની ઉંમરના મામલામાં કેરળ બાકીના રાજ્યોથી સારું છે. રાજાશાહીના વખતથી જ અહીં મહિલાઓના શિક્ષણ અને આરોગ્ય પ્રત્યે સજાગતા દેખાય છે.

    તિરુવનંતપુરમ સ્થિત સેન્ટર ફોર ડેવલપમેન્ટલ સ્ટડીઝના સિનિયર પ્રોફેસર અને સંશોધક જે. દેવિકા કહે છે કે, અહીં શરૂઆતથી જ શહેરોને સમાંતર તાલુકા અને પંચાયત સ્તરે આરોગ્ય માળખું ઊભું કરાયું હતું.

Download Our B K News Today App



Related News