સુરતમાં મહિલાઓ ચલાવે છે પિંક રિક્ષા, 4 વર્ષમાં 50 મહિલાઓએ રોજગારી મેળવી, રોજનો રૂ.400નો નફો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-08 13:20:25
  • Views : 427
  • Modified Date : 2021-03-08 13:20:25

    મુંબઈ બાદ સુરતમાં શરૂ થયેલી પિંક ઓટો રિક્ષા યોજનાના સફળ ચાર વર્ષમાં અનેક મહિલાઓ આત્મનિર્ભર બની રોજગારી મેળવતી થઈ છે. મહિલાઓને સુરક્ષિત મુસાફરી સાથે આ યોજના સફળ રોજગારલક્ષી પણ સાબિત થઈ છે. 2017માં મુખ્યમંત્રી દ્વારા ચાલુ કરાવાયેલી પિંક ઓટો રિક્ષા યોજનામાં આજે 50 જેટલી મહિલાઓ સુરક્ષા,રોજગાર અને સ્વાભિમાનનો ત્રિ-ચક્રીય રથ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદરૂપ થઈ રહી છે. મહિલા રિક્ષાચાલક ભાગ્યવતીબહેને જણાવ્યું હતું કે રિક્ષા ડ્રાઇવિંગ બાદ ભાગ્ય ખૂલ્યું હોય એમ કહી શકાય છે. રોજના 800 રૂપિયાની કમાણીમાં ગેસ, અને હપતાની રકમ બાદ કરતાં 300-400 રૂપિયા મળતા હોય છે, પરિવારનું જીવનધોરણ પણ ઊંચું આવ્યું છે.

    ભાગ્યવતીબેન મહેશભાઈ મૈસૂરિયા (પિંક રિક્ષાચાલક)એ જણાવ્યું હતું કે 2017માં જ્યારે રિક્ષાની ટ્રેનિંગ લઈ રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું ત્યારે અકસ્માત થવાનો ભય લાગતો હતો. આજે નિડર પણે રિક્ષા ચલાવું છું. ચાર વર્ષથી સમયસર હપતા ભરું છું. બસ લોકડાઉનના 9 મહિના રિક્ષા ઘરના આંગણે પડી રહી હતી. ત્યારે હપતા ભરવામાંથી સરકારે રાહત આપી હતી. ધીરે ધીરે લોકડાઉનનો સમય ઘટવા લાગ્યો ને ફરી પગભર એટલે કે આત્મનિર્ભર બની રોજગારીનો રથ ચલાવવા માંડ્યા છીએ.

    2017માં સુરતમાં લગભગ 70 જેટલી મહિલાઓએ આ યોજના અંતર્ગત ટ્રેનિંગ લઈ રિક્ષા ચલાવવાનાં લાઇસન્સ મેળવ્યાં હતાં. જોકે આજે રોડ પર ફક્ત 50 જેટલી જ મહિલાઓ આ વ્યવસાય સાથે રોજગાર લઈ રહી છે, જેની પાછળનાં મહિલાઓને ઘણાં કારણો હોય છે, પરંતુ પિંક રિક્ષામાં બેસતા મુસાફરો અને ખાસ કરીને મહિલા અને યુવતીઓ સુરક્ષાનો અહેસાસ કરે છે. મહિલાચાલકોની મુસાફરો પણ પ્રશંસા કરે છે અને ભાડાને લઈને પણ કોઈ માથાકૂટ કરતા નથી.

    ચાર વર્ષની આ રોજગારીમાં ભાગ્યવતીબેનને કારણે આજે પુત્ર પણ અભ્યાસ કરીને નોકરી કરી રહ્યો છે. જોકે પતિ એક વર્ષથી બેકાર છે, પણ ઘર ખર્ચ નીકળી જાય છે. રોજના 6 કલાકમાં 800 રૂપિયા કમાઈ લઉં છું. તમામ ખર્ચ કાઢતાં પણ મને 300-400 રૂપિયા મળી જ જાય છે. આજે ધોરણ-12 પાસને 6 કલાકની મહેનત બાદ 400 રૂપિયા મળી રહે એના જેવી કોઈ નોકરી મળવી મુશ્કેલ કહી શકાય છે.સુરતમાં સ્કૂલ રિક્ષા કે સ્કૂલ વેનમાં જતી બાળકીઓ સાથે અવારનવાર પુરુષ ડ્રાઈવરો દ્વારા શારીરિક અડપલાં, ગંદી ભાષામાં વાતો કરવી કે છેડતીનો શિકાર બનતી હોવાના કિસ્સાઓ હવે ભાગ્યે જ સાંભળવા મળે છે. પાલિકા દ્વારા પિંક રિક્ષાચાલકોનું સતત મોનિટરિંગ કરવામાં આવે છે. આ ઓટો રિક્ષા દ્વારા સ્કૂલ જતી વિદ્યાર્થીઓને ઘરેથી સ્કૂલ ને સ્કૂલથી ઘરે લઇ જવા માટે ખૂબ જ ઉપયોગી અને સુરક્ષિત સાબિત થઈ છે.

      ફેબ્રુઆરીમાં સુરત આવેલાં ફ્રાન્સનાં પર્યાવરણ મહિલા પ્રધાન બાર્બરા પોમપિલી પોતાના 15 પ્રતિનિધિઓ સાથે આવ્યાં હતાં. તેમણે પાલિકાની મુખ્ય કચેરીની મુલાકાત લીધી હતી, જ્યાં મહિલાઓની પિંક રિક્ષા જોઈ તેઓ ખૂબ જ પ્રભાવિત થયાં. મહિલાઓની પિંક રિક્ષામાં બેસવાની સાથે સાથે જાતે રિક્ષા ચલાવી હતી. જેથી મહિલા ડ્રાઈવરોમાં પણ ઉત્સાહ આવ્યો હતો.


Download Our B K News Today App



Related News