ડીસાના મહાદેવીયા ગામે કાળોતરા સાપે ડંશ મારતા મહિલાનું મોત : માસુમ પુત્ર-પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવતાં અરેરાટી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-25 11:45:34
  • Views : 966
  • Modified Date : 2021-07-25 11:45:34

     ડીસા તાલુકાના મહાદેવીયા ગામે ગુરૂવારે મોડી રાત્રે કાળોતરા સાપે 34 વર્ષીય પરણિતાને ડાબા પગ નીચે કરડતા મહિલા નું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજતાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

     ચોમાસા દરમિયાન ઝેરી જીવજંતુઓ ની અવરજવર વધી જાય છે. એક સપ્તાહ અગાઉ જ ડીસાના મુડેઠા ગામે સાપ કરડવાથી બાળક નું મોત નિપજ્યું હતું. ગુરૂવારે રાત્રિના આઠેક વાગ્યા ના સમયે ડીસાના મહાદેવીયા ગામે વાળુપાણી કરી મુન્નીબેન અશોકભાઇ ઠાકોર વાસણ ધોઇને ઘરમાં મુકવા જતાં હતાં. જે દરમિયાન અચાનક જ મહિલાના ડાબા પગ નીચે કાળોતરા સાપે બચકું ભરતાં મહિલાએ બૂમાબૂમ કરતાં પરીવારના સભ્યો દોડી આવ્યાં હતાં અને મુન્નીબેન ઠાકોર ને તાત્કાલિક ખાનગી વાહનમાં બેસાડી ડીસા ખાતે ડૉ. તેજલબેન પટેલ ની હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં હતાં પરંતુ ડૉકટર દ્વારા મહિલા ને મૃત જાહેર કર્યા હતા. મૃતક મહિલા ની લાશને ડીસા સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે લઇ જવામાં આવી હતી. આ અંગે મૃતક ના દિયરે ડીસા તાલુકા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત અન્વયે નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

     અત્રે ઉલ્લેખનીય છે કે, 34 વર્ષીય મુન્નીબેન ઠાકોર નું સાપ કરડવાથી અવસાન થતાં માસુમ પુત્ર અને પુત્રી એ માતાની છત્રછાયા ગુમાવતાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

 

Download Our B K News Today App



Related News