સિવિલ હોસ્પિટલ અમદાવાદ માં કોરોનાના દર્દીઓ માટે 500 ઈમરજન્સી બેડ તૈયાર કરાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-15 16:02:50
  • Views : 224
  • Modified Date : 2021-03-15 16:04:43

    રાજયમાં કોરોનાના કેસો દિવસે દિવસે વધી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં પણ રોજના 150થી વધુ કેસો નોંધાઇ રહ્યા છે, ત્યારે અસારવાની સિવિલ હોસ્પિટલમાં પણ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં કેસોની સંખ્યા હવે 100ને પાર પહોંચવા આવી છે. સુપ્રિટેન્ડન્ટ ડો. જે.પી. મોદીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં અત્યારે 91 જેટલા કેસો નોંધાયા છે. જેમાં 60થી વધુ દર્દીઓ વેન્ટિલેટર પર છે. જે માસ્ક નથી પહેરતાં અને સોશિયલ ડિસ્ટન્સ ન રાખતા લોકો માટે ચેતવાની જરૂર છે. લોકોએ લગ્ન મેળાવડા અને ભીડવાળી જગ્યા પર જવાનું ટાળવું જરૂરી છે.

    કોરોનાના ગણતરીના કેસ હતા ત્યારે સિવિલ હોસ્પિટલમાં ખુશીનો માહોલ હતો. દર્દીઓ સજા થઈને ઘરે જઈએ રહ્યા હતા. 1200 બેડ હોસ્પિટલમાં ડોકટરોએ કથા કરાવીને અન્ય ડિપાર્ટમેન્ટ શરૂ કરવી દીધા હતા પણ ચૂંટણી જતા એકાએક કેસ વધી રહ્યા છે. ત્યારે હવે રોજ કેસ વધતા હાલ 70 ટકા દર્દીઓ આઇસીયુમાં એડમિટ કરવાની ફરજ પડી છે. તેમજ હવે જો દર્દીઓ વધશે તો કોરોના માટે નવા બેડ ફાળવવા પડે તેવો સ્થિતિ સર્જાઈ શકે છે.

    અમદાવાદમાં એક મહિના અગાઉ 14 ફેબ્રુઆરીના રોજ 50 કેસ નોંધાયા હતા. જેની સરખામણીએ 14 માર્ચના રોજ 165 કેસ સામે આવ્યા હતા. આમ, એક મહિનામાં જ કોરોનાના દૈનિક કેસની ગતિમાં બમણો વધારો થયો છે. હાલ અમદાવાદમાં કોરોનના કુલ કેસનો આંક 64 હજાર 636 છે જ્યારે અત્યાર સુધી 2323ના મૃત્યુ થયા છે. સુરતમા પણ કોરોનાથી સ્થિતિ સતત વકરી રહી છે. બરાબર 15 દિવસ અગાઉ 28 ફેબ્રુઆરીના રોજ સુરતમાં 462 એક્ટિવ કેસ હતા. જેની સરખામણીએ હાલમાં 1187 એક્ટિવ કેસ છે.

    વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં તૈયારીના ભાગરૂપે 1200 બેડ હોસ્પિટલમાં 500 બેડ ઇમરજન્સીના તૈયાર કરવામાં આવ્યા છે અને જરૂર પડે વધુ બેડ શરૂ કરવામાં આવશે. ગત માર્ચ મહિનામાં કોરોનાના કેસો જે રીતે આવવાના શરૂ થયા હતા તેમ આ વર્ષે પણ માર્ચમાં કેસો ધીરે ધીરે વધી રહ્યાં છે. ફેબ્રુઆરી માસમાં સિવિલ હોસ્પિટલમાં 30 જેટલા કેસો હતા. પરંતુ હવે માર્ચ મહિનામાં કેસોની સંખ્યા વધીને 90 સુધી પહોંચી છે. જેથી લોકોએ જાગૃત થવાની જરૂર છે. લોકો જ્યાં ભેગા થાય છે ત્યાં માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ખૂબ જરૂરી છે.


Download Our B K News Today App



Related News